શુક્રવાર, 26 ઑક્ટોબર, 2018

શ્રી બાપાલાલ ગ. વૈદ્ય - વ્યક્તિત્વ પરીચય.



         આજે 17મી સપ્ટેમ્બર 2020, માનનીયશ્રી બાપાલાલ ગ. વૈદ્યની 124મી જન્મજયંતી છે. બાપાજી આયુર્વેદજગતના ગુજરાતીસંશોધક,પ્રચારક તથા વિપુલ આયુર્વેદિય સાહિત્ય સર્જક છે એમને 1927 થી વનસ્પતિઓનો પરીચય તથા આયુર્વેદિય સંહિતા માં એનાં દર્શાવેલાં પ્રયોગ વિષયક પુસ્તકો લખીને જાતે પ્રકાશન કરવાની શરૂઆત કરેલ હતી. એમનાં જીવનકાળ માં 35 થી વધુ પુસ્તકો  લખેલ છે અહિંયા કેટલાક પુસ્તકો  ની યાદી આપુ છું.1. નિઘંટુ આદર્શ  ભાગ 1 - 2, 2. દિનચર્યા,  3. ઘરગથ્થું  વૈદક 4. વૃદ્ધત્રયી  ની વનસ્પતિઓ 5. અભિનવ કામશાસ્ત્ર 6. વૈદ્યકીય કાયદાશાસ્ત્ર 7. વનસ્પતિ શાસ્ત્રી  જયકૃષ્ણજી ઇન્દ્રજીનું જીવનચરિત્ર 8. ગુજરાતની વનસ્પતિઓ 9. ઉદ્બિજ્જ શાસ્ત્ર - વનસ્પતિ વર્ગીકરણ 10. ભારતીય રસશાસ્ત્ર 11. દમ - અસ્થમા
12. સંસ્કૃત સાહિત્યમાં  વનસ્પતિઓ 13. ખોરાકના તત્વો 14. આયુર્વેદ વ્યાખ્યાનમાળા 15. આયુર્વેદ વિહંગાવલોકન 16. આયુર્વેદ વૈજ્ઞાનિક દ્રષ્ટિ 17. આપણો ખોરાક 18. આરોગ્ય  પાઠાવલી
19. निघंटु  आदर्श (हिन्दी) 20. ચરક નો સ્વાધ્યાય  (ભાગ 1-2) 21.ઘરગથ્થું  દવાઓ
22. સ્વસ્થવૃત 23. અષ્ટાંગ હૃદય નું ગુજરાતી ભાષાંતર  24. સો સુંદર વનસ્પતિઓ
25. મધુપ્રમેહ  26. દ્રવ્યગુણ શાસ્ત્ર 27. નસ્ય ચિકિત્સા 28. વાડીવાડીના ઓસડીયા 29. ઘરઘરનાં  ઓસડીયા 30. Some controversial drugs in Indian medicine.
કોઇ લેખક  નાની અમથી એક પુસ્તિકા લખી લે,  તો એનાં પાછળના કવર પેજ પર  સ્વપરીચય આપવાનું ચૂકે નહી. બાપાજી એ આટલું  ઉત્તમ કક્ષા નું સાહિત્ય નું સર્જન કર્યુ  જેના માટે એમને સને 1965 માં સાહિત્ય પરિષદ  દ્વારા રણજીતરામ સુવર્ણ ચંદ્રક એનાયત કરાયો હતો. એમનું અધ્યાપન કાર્ય એટલું આત્મીયતાવાળું હતું કે, આયુર્વેદ મહાવિદ્યાલય ના દરેક સ્નાતકો દિલથી, ઉમળકાભેર એમને બાપાજી કહીને જ સંબોધતા. આ બાપાજી એ પોતાનો સ્વપરીચય કે પોતાનો ફોટોગ્રાફ  એક પણ પુસ્તક  માં આપેલ નથી કે નથી કોઇ પ્રકાશક  ને છાપવાની  અનુમતી  આપેલ.
    આથી મને એમની જીવની જણાવા, ઘણી મહેનત કરવી પડી જેમાં પી.જી સ્કૉલર ડૉ. મનિષા પરમાર (રાજકોટ), સરકારી આયુ.મે.ઓ.વૈદ્ય શ્રી પિયુષ એન. પટેલ (બારડોલી) તથા મુરબ્બી શ્રી પ્રોફેસર વૈદ્ય યજ્ઞેશ પી.વ્યાસ સાહેબ (સુરત) નો સહકાર મળ્યો એ બદલ એમનો આજીવન ૠણી રહીશ.
     બાપાજીની  જીવની વિશે થોડુંક જાણીએ.
     પંચમહાલ જિલ્લાના સણસોલી ગામે ગરબડદાસ શાહ તથા ઇચ્છાબાના ખોળે જગનિયંતા એ આયુર્વેદ ઉધ્ધારક આત્માને શરીરી રૂપે  સને 1896ની 17મી સપ્ટેમ્બરના રોજ અવતારધારણ કરાવરાયો, આ દિવ્ય સંશોધક વૃત્તિવાળા જીવનું નામ, શ્રી બાપાલાલ રાખવામાં આવ્યુ. જે સદાકાળમાટે આયુર્વેદ તથા વનસ્પતિ શાસ્ત્રના જીજ્ઞાસુ-વિદ્યાર્થીઓમાં અમર થઇ રહ્યું અને રહેશે
     બાપાજીએ પ્રારંભિક અભ્યાસ વડોદરામાં કરેલ, તબીબીશિક્ષણ મેળવવાની અદમ્યઇચ્છાથી બાપાજીએ  મુંબઈ  પ્રયાણ કર્યુ, પણ ભગવાન ધન્વંતરીની ઇચ્છા તો આ પુણ્યાત્મા પાસે આયુર્વેદ તથા વનસ્પતિ શાસ્ત્રને આ લોકમાં સંશોધિત કરી પુનઃ પ્રચાર-પ્રસાર  કરવાની હતી.

બાપાજી, મુંબઈમાં ફલ્યુની બિમારીમાં પરેશાન  થયા તેથી તબીબીઅભ્યાસ માટેની પ્રવેશપરીક્ષાના આપી શક્યા. આવતા વર્ષે  પુનઃપ્રયત્ન કરીશ  એમ નિર્ણય કરી વડોદરા પાછા  ફર્યા.

મહાન રાષ્ટ્રવાદી અને આઝાદીની ચળવળના અગ્રણીશ્રી છોટુભાઈ પુરાણીના સંપર્કમાં આવ્યા.  પુરાણીબંધુઓએ  બાપાલાલને ભરૂચની રાષ્ટ્રીય શાળામાં અધ્યાપન કાર્ય સોપ્યુ .

રાષ્ટ્રીયશાળામાં માત્ર શિક્ષણના પાઠ ભણાવવાથી આ દેશને આઝાદીના મળે એટલે આરોગ્ય અને શરીરસૌષ્ઠવ જરૂરી છે અને બિમાર પડતાં એમાંથી સારા થવા વૈધકનું જ્ઞાન પણ જરૂરી  બની રહેશે  એમ વિચારી છોટુભાઈ પુરાણીએ ,  રાજવૈદ્ય અમૃતલાલ પટ્ટણી  સાથે  બાપાલાલનો પરિચય કરાવ્યો આ વખતે આ રાજવૈદ્ય  ભરૂચ પાસે  ઝાડેશ્વર ગામમાં બિરાજતા અને ઝંડુભટ્ટજીનું શાખા દવાખાનામાં વૈદ્યક કરતાં. બાપાજીએ આ પ્રથમ ગુરૂ પાસેથી વૃધ્ધત્રયી અને લઘુત્રયીનું શાસ્ત્રીય  જ્ઞાન મેળવ્યુ. આયુર્વેદશાસ્ત્રનો એવો તે રંગ લાગ્યો  કે બંદા  ભરૂચ રાષ્ટ્રીયશાળાનું કાર્ય આટોપી પગપાળા ઝાડેશ્વર નિયમિત ગુરૂ પાસે આયુર્વેદ શાસ્ત્ર શીખવા જતાં અને રસ્તામાં આવતા જતાં આયુર્વેદસંહિતાના સૂત્રોને કંઠસ્થ કરતાં. આ પ્રખર સાધના અને ચિંતનના ફ્ળ સ્વરૂપે વિપુલ  સંશોધિત આયુર્વેદિય સાહિત્યનું નિર્માણ એમના થકી થયું . લીંબડી અને ઢસાના રજવાડામાં ઉપચાર અર્થે જયારે રાજવૈદ્ય અમૃતલાલ પટ્ટણી  જતાં ત્યારે બાપાલાલ પણ સાથે હોય જ પ્રત્યક્ષ કર્માભ્યાસ માટે, અહિંયાં પોરબંદર સ્ટેટના પ્રખર વનસ્પતિ શાસ્ત્રીશ્રી જયકૃષ્ણઇન્દ્રજીના નામનો એમને પરિચય  થયો. પછી બાપાજી એ એમને વનસ્પતિશાસ્ત્રના ગુરૂપદે સ્થાપીને  શિષ્યભાવે શિખ્યાં..  ગુરૂને  શોધી લીધા પછી બાપાજી  સંપૂર્ણ સમર્પિત થઈ ગયા ગુરૂની પુસ્તક છપાવવાની ટેક ને પોતાની માનીને એમને પણ ત્યાં સુધી પંચકેશ ધારણ કર્યા 1910 માં વનસ્પતિશાસ્ત્ર પ્રકાશિત થયું  ત્યાર બાદ જ બાપાજી એ પંચકેશ નો ત્યાગ કરેલ. ગુરૂભક્તિ માટે એમને ખુદ જયકૃષ્ણજી ના જીવનપરીચય આપતું એક પુસ્તક લખ્યું  અને પ્રકાશિત કર્યું. આ જ ગુરૂ ના પુણ્યપ્રતાપે વનસ્પતિના સંપૂર્ણ ગુણકર્મ ને આયુર્વેદ દ્રષ્ટીકોણ થી આલેખતુ  પ્રથમ પુસ્તક "નિઘંટુ આદર્શ" (સને1927-28) માં બાપાલાલે પ્રકાશિત  કર્યુ  તથા  Some controversial drugs in Indian medicine પર 1971 to 1975 સુધી નુ સંશોધનાત્મક કાર્ય દર્શાવતુ  પુસ્તક  1982  માં ચૌખમ્બા- વારાણસી  થી પ્રગટ થયુ, આ બન્ને પુસ્તકો બોટની  અને  આયુર્વેદ દ્રવ્યગુણના પી.જી  સ્કૉલર માટે  દિવાંદાડી સાબિત  થયા છે.
   ભારત  ઉપરાંત  વિદેશ માં પણ હર્બલ ડ્રગ્સ  પર થીસીસ લખવા આ પુસ્તક નો  રેફરન્સ તરીકે બહોળો ઉપયોગ થાય છે  જે ઇન્ટરનેટ ના માધ્યમ થી આજે આપણે જાણી શકીએ છીએ.
    સને 1932 માં સ્વતંત્ર્યની ચળવળમાં ભાગ  લેવા બદલ  નાસિક પાસે વીસાપુરમાં જેલવાસ  થયો.  પણ વૈદ્યનો આ જીવ  કેદીઓના સ્વાસ્થ્ય  રક્ષણ કાજે હંમેશા તત્પર.  અહીંથી પ્રેરણા પ્રાપ્ત  કરી સને 1933 માં ભરૂચ  પાસેના હાંસોટ ગામે ઘરગથ્થુ વૈદ્યક નામનું પુસ્તક લખીને પ્રકાશિત  કર્યુ.
જેની સંશોધિત આવૃતી નવજીવન ટ્રસ્ટ  અમદાવાદ  દ્વારા સને 1982 માં પ્રકાશિત  કરાઈ.

હાંસોટમાં 20 વર્ષ વૈદ્યકની પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી  આ દરમિયાન અસામાજિક વિધર્મી તત્વોને  જબ્બે કરવા,  પ્રજાને વ્યાયમશાળામાં શરીરસુદ્દઢ કરવાના પાઠ શિખવ્યા પરિણામે પ્રજા સાહસી બની અને હાંસોટમાં અસામાજીક તત્વોનો ત્રાસ નાબુદ  થયો.
   સુરતમાં સુધારાવાદી સંત સ્વામીશ્રી  આત્માનંદ સરસ્વતીની પ્રેરણાથી  એમના શિષ્યોએ  આયુર્વેદ  શિક્ષણ તથા ચિકિત્સાઅર્થે વિદ્યાલય તથા હોસ્પિટલનું નિર્માણ  કર્યુ
   બાપાલાલને આ સંસ્થાનો કાર્યભાર ખુદ  સ્વામીજીએ સોપ્યો.  બાપાલાલ  શ્રેષ્ઠ સમર્પિત  વ્યક્તિ સાબિત થયા સંસ્થાનો જબરો વિકાસ  થયો રોગીકલ્યાણ  માટે શાસ્ત્રીયઔષધીઓ નિર્માણની જરૂરિયાત  વર્તાઈ  તો પુજ્ય બાપાલાલે   આસ્ફા - આત્માનંદ સરસ્વતી ફાર્મસીનો પાયો નાંખી ને ખૂબ  જતનથી એનો વિકાસ  કર્યો.
    સુરત આયુર્વેદ વિદ્યાલયના આચાર્ય પદે 1-7-46  થી 31-10-65  સુધી રહ્યા  તથા  આયુર્વેદ ચિકિત્સકોની અને આયુર્વેદચિકિત્સાની સમસ્યાઓ નિવારવા भिषग् भारती સામાયીકનું 10 વર્ષ  સંપાદન  કર્યુ.
    નિવૃત્તિ  કોને કહેવાય  અને કયારે લેવાય  એ આ વૈદ્યને સ્વપ્ને ખ્યાલ માં જ નહોતુ.

કૉલેજ  થી નિવૃત થયા બાદ
1, આદર્શ સોસાયટી - સુરત  ને નિવાસ સ્થાન બનાવીને આયુર્વેદ પ્રચાર-પ્રસારની પ્રવૃત્તિ  ધમધમાવી જેમાં પ્રાઇવેટ આયુર્વેદ પ્રેક્ટિસ ની સાથે  આયુર્વેદ સાહિત્યનું સર્જન  કરી આયુર્વેદ અને વનસ્પતિ પ્રેમીઓનું સતત માર્ગદર્શન કર્યુ .

વનસ્પતિઓના સાક્ષાત પરિચય માટે
 अखिल भारतीय वनौषधी मंडल
 ની સ્થાપના કરી સંપૂર્ણ  સંચાલન  કર્યુ.

2500 પાના નો ગ્રંથ
"ચરક નો સ્વાધ્યાય "
પ્રાચ્ય વિદ્યામંદિર, વડોદરા થી પ્રકાશિત  થયો .
આવડા મોટા ગ્રંથ  ના એક પણ પેજ પર લેખક ની સિધ્ધિ નો પરિચય આપતો એક પણ  પેરેગ્રાફ નથી.
આને કહેવાય  નિસ્વાર્થ સમર્પિત  સેવા આ ગ્રંથ ની મહાનતા વાંચ્યા પછી ખ્યાલ માં આવે.એક જ વાક્ય માં કહુ તો , આદરણીયશ્રી કે.કા.શાસ્ત્રીજી  જે ગ્રંથના પ્રત્યેક શબ્દની કક્કાવારી પ્રમાણેની  સુચી બનાવી દે, એ ગ્રંથ કેટલો રસપ્રદ હશે.

૫ જાન્યુઆરી ૧૯૬૪ ના દિવસે સુરત આયુર્વેદ મહાવિદ્યાલય ખાતે વૈદ્ય શ્રી બાપાલાલ નો ષષ્ટિપૂર્તિ સમારંભ યોજાયેલ.

જેમાં મહારાષ્ટ્ર રાજ્યના આરોગ્યપ્રધાન શાંતિલાલ શાહના વરદ હસ્તે બાપાલાલ ને રૂપિયા ૬૦ હજારની રોકડ રકમ આપી ને અભિવાદન કરેલ
  આ પ્રસંગે બાપાજી  એ કહ્યું, આ માન મને નથી આપવામાં આવતું,  પણ જે આયુર્વેદની હું સેવા કરી રહ્યો છું તેને આપવામાં આવી રહ્યું છે. વ્યક્તિના જીવનમાં આવા પ્રસંગો ભાગ્યે જ આવે છે અને જ્યારે તે આવે છે ત્યારે તે વ્યક્તિને ધન્યભાગ્ય બનાવી જાય છે આવો આ એક મારા જીવનનો અતિશય ધન્ય પ્રસંગ છે; હું વધારે બોલી શકું એમ નથી તે આપ સૌ સમજી શકશો કવિવર ટાગોરનું પ્રસિદ્ધ સોનારતરી કાવ્ય યાદ કરતા જણાવ્યું કે,માણસની કોઈ કિંમત નથી તેની મારફતે જે સારુ કે ખરાબ થઈ રહ્યું હોય તેનું જ ઈશ્વરને ત્યાં મૂલ્યાકન થાય છે. વ્યક્તિ તો કેવળ નિમિત્ત માત્ર છે માણસે પોતાના જીવનમાં ખેતી કરવી જોઈએ જીવનની જમીનને સારી રીતે ખેડી-ખાતરીને અંદર સુંદર બીજ રોપાવા જોઈએ અને જે મોલ આવે તે તેણે સમાજને પાછો આપવો જોઈએ.

જે પુષ્પનાં દલ ખોલીને,
              રજસ્થુલને રસમય કરે,
અધિકારી એ મધુમક્ષિકા,
               એ ફૂલ તણી પહેલી ઠરે,
તુજ  સાથ  જીવતાં હે સખી !
               જે શુભ કાંઈ લાધિયું,
જીવન સુખી રે,
        તુજ વિના તે જાય કોને અર્પિયું ?
અંતે મારી સંસ્થાને કારણે મને યશ મળે છે તે હું પ્રત્યાર્પણ કરીને ધન્ય થાઉં છું.
  એમ કહેતાએ ₹.60,000 ની રોકડ રકમ ભરેલ થેલી ને સંસ્થાના પ્રમુખશ્રી પોપાવાળાને સસ્નેહ  પરત કરી. એ સમયે સાઇઠહજાર માં ₹.63.25 ના સંગ્રામ લેખે 948 ગ્રામ ગૉલ્ડ ખરીદી શકાતું જેની આજના સમય માં કિંમત આંકીએ  તો  બાપાજી સાથે એમના બતાવેલ વિદ્યાર્થીઓ પ્રત્યે અહોભાવ થઇ આવે. આયુર્વેદ જગતની આ મહાન વિભૂતિ એ સને 1983 ની દસમી ડિસેમ્બરે વિદાય લીધી
પ્રભુકૃપા એ પ્રાપ્ત શરીર  નો છેલ્લા સમય સુધી જનહિતાર્થે ઉપયોગ  કર્યો.  મૃત્યુ ના ત્રણ  દિવસ પહેલા બાપાલાલે અમેરીકા ની ભુમી પર વનોષધીના પરિચય  અને એનુ જ્ઞાન આપવા અર્થે ફરતા રહ્યા  87 વર્ષ નું શરીર  કાતિલ ઠંડી સામે ઝુકયુ માત્ર  ત્રણ  દિવસ  ની અસ્વસ્થતા બાદ  દિવ્ય આત્મા પુનઃ અંતરીક્ષ માં પાછો ફર્યો.

એમના પત્ની નું નામ જડાવબહેન હતું, સંતાનમાં એક પુત્ર પ્રફુલ્લચંદ્ર તથા પુત્રી કુસુમબેન હતાં પ્રફુલ્લભાઇ એ BAMS કરેલ અને ઘણાં આહારશાસ્ત્ર ને સંબંધિત કેટલાક પુસ્તકો લખ્યા અને બાગપ્રકાશન નામે પ્રકાશિત કરેલ. એમના પુત્ર એટલે કે બાપાજી ના પૌત્ર આનંદભાઇ હાલ સુરત માં નિવાસ કરે છે. 

5 ટિપ્પણીઓ:

Unknown કહ્યું...

આવા મહાન પુરુષો પ્રત્યે બે હાથ જોડી નમન કરવામાં જ ગૌરવ ની અનુભૂતિ થાય છે.

Unknown કહ્યું...

શ્રી બાપાલાલ વૈદ ના પુસ્તકો નું રસપાન કરવું એ પ્રભુજીની અસીમ કૃપા વિના શક્યજ નથી. આયુર્વેદ ના ગહન અભ્યાસ માં ઓતપ્રોત થઈ કયારે આધ્યાત્મિકતા ના અગાધ સમુદ્ર માં ડૂબકી મારો ખબર જ ના પડે. અલૌકિક અનુભૂતિ ની પરાકાષ્ઠા માણી છે.

Unknown કહ્યું...

Books joy ye chhe

Unknown કહ્યું...

ખરેખર અદભૂત વ્યક્તિત્વ છે વૈદ્યરાજ બાપાલાલજીનુ. આપનો આર્ટિકલ ખરેખર વૈદ્યકીય જિજ્ઞાસુઓને અતિ ઉપયોગી બની રહે તેવું અને વાંચનારને રસપૂર્વક વાંચવું ગમે તે શૈલીમાં લખેલ સુંદર લખાણ ખરેખર પ્રશંસનીય તેમજ બાપાલાલના વ્યક્તિત્વને યોગ્ય ન્યાય આપેલ હોવાનો હૃદયસ્પર્શી અહેસાસ કરાવે છે...આભાર🙏

અજ્ઞાત કહ્યું...

ધન્યવાદ સાહેબ

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...