રવિવાર, 25 ઑગસ્ટ, 2019

કેવડા ત્રીજ




ભાદરવા સુદ ત્રીજને
ગુજરાતમાં કેવડા ત્રીજ કહે છે. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ મહાદેવ-શિવજીને કેવડાના પાનથી પૂજે છે તેમજ શિવપૂજન બાદ પ્રસાદરૂપે એ કેવડાના પાંદડાને સૂંઘીને દિવસ દરમિયાન અન્ન-જળ લે છે. 
    પરંપરાગત રીતે મહાદેવના મંદિરોમાં સામાન્ય દિવસોમાં પૂજન અર્થે કેવડો વપરાતો નથી, એની પાછળ દર્શાવેલ પૌરાણિક કથામાં જણાવે છે કે, "બ્રહ્માજીએ તેજોમય પૂંજ ના છેડાનો તાગ મેળવી લીધો છે, એવું શ્રી વિષ્ણુ સમક્ષ રજુ કરેલ જૂઠ્ઠાણામાં કેવડાના પુષ્પએ સાક્ષી આપેલ હતી." જેથી મહાદેવ એ આ જુઠ્ઠાણામાં ભાગીદાર થવાના કેવડાના આ અપરાધના કારણે, એનો પોતાની પૂજામાં ત્યાગ કરેલ છે. 
       જો કે, આ પૌરાણિક કથાનકએ પ્રજા માટે સારા આચરણ અને ઉપદેશ માટેનું રૂપક તરીકે રજૂ કરાયેલ હશે.
             ભાદરવા સુદ ત્રીજના દિવસે માઁ પાર્વતીએ, શિવજીનું પૂજન કેવડાથી કરેલ હોવાથી શિવજી પણ પ્રસન્નથઇને પૂજા સ્વીકારેલ અને મનોવાંછીત વરદાન આપેલ , એવી પૌરાણિક કથા છે.  આથી કેવડા ત્રીજ નું વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના આયુષ્ય અને સુખાકારી માટે સદાશિવ ની પ્રસન્નતા અને કૃપાદ્દષ્ટિ પ્રાપ્ત કરવા કરે છે. 
          રાજસ્થાન સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભાદરવા સુદ ત્રીજને "હરિતાલિકા તીજ" તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આમળાં તથા તલના ચૂર્ણનું ઉબટન કરી સ્નાન કરે છે, પછી પહેલી વર્ષાથી ભૂમિમાં નવી ઊગેલી ઘેરા લીલા રંગની શ્યામ દેખાતી ધરો એટલે કે દુર્વા નામે ઘાસ, જેને હરિતાલિકા પણ કહેવાય છે. એનાથી શિવજીનું પૂજન કરે છે. આ દિવસે વ્રત-ઉપવાસ ઉત્સવ કરાય છે.
          વનસ્પતિશાસ્ત્રની દ્રષ્ટિએ કેવડો એ pam વર્ગની પ્રજાતિ છે, અંગ્રેજીમાં screw pine કહે છે. ઘણું કરીને કેવડો દરિયાઈ કે નદી - વ્હેળાની પાણીવાળી જગ્યાએ ઉગે છે આજે કેવડાની કેટલીક hybrid પ્રજાતિઓ બગીચાઓમાં તથા ઘરોમાં સુશોભનના છોડ તરીકે પણ વાવવામાં આવે છે. જંગલી પ્રજાતિના કેવડાનું વૈજ્ઞાનિક નામ Pandanus Tectorius છે.  કેવડા ના સંસ્કૃતમાં જે નામ અપાયેલા છે એ એના વિશિષ્ઠ ગુણકર્મ બતાવનાર છે જેમકે કેતકી,  કેતકી શબ્દ પાણી ભરેલી જગ્યાએ ઉગતી વનસ્પતિ નો અર્થ દર્શાવતું નામ છે,   કેવડાના પુષ્પોની સુવાસ મીઠી અને માદક હોય છે વળી,  કેવડાના પુષ્પ સૂકાયા પછી પણ એકસરખી સુગંધ આપવાવાળા છે, આથી રાજ નિઘંટુ માં કેતકી નું એક નામ "સ્થિર ગંધા" આપેલ છે. કેવડાના પુષ્પ, મકાઈના ડોડા જેવા આકારમાં લાંબાપત્રોથી ઢંકાયેલા રહે છે અને સૂક્ષ્મ પુષ્પ, રજ ની માફક ખર્યા કરે છે, આથી "ધૂલીપુષ્પીકા" નામ પણ એને મળેલ છે, કેવડાના ફૂલોની ઉપરોકત વિશેષતાઓને કારણે કદાચ શિવ-પૂજનમાં દરરોજ વાપરવામાં અસુવિધા થવાથી પરંપરાગત રીતે એને વાપરવામાં આવતું નહીં હોય.
       આયુર્વેદની મૂળ સંહિતાઓમાં કેતકીનો ખાસ ઔષધીય પ્રયોગ જોવા મળતા નથી, પણ વૈદ્ય મનોરમા નામના ગ્રંથમાં કેતકીના પાનના અગ્રભાગનો ઉકાળો "મૂત્રકૃચ્છ" માં ઉપયોગી હોવાનું જણાવેલ છે,  જે આધુનિક તબીબી વિજ્ઞાન ના સંશોધનમાં પણ સિદ્ધ થયેલ છે. 
          સુશ્રુત સંહિતાના સૂત્ર સ્થાન અધ્યાય 6 - ઋતુચર્યામાં લખે છે કે, પ્રાવૃષ્ય એટલે કે ચોમાસાની શરૂઆતમાં એકાદ-બે વરસાદ પડી ગયા હોય ત્યારે,  આકાશ પશ્ચિમના પવનોથી લાવેલા વાદળોથી છવાઇ જાય છે અને આકાશમાંથી અલ્પવૃષ્ટિ, વીજળીના ચમકારા અને તીવ્ર મેઘ ગર્જનાઓ પણ થાય છે, કોમલ લીલાશ પડતા શ્યામ રંગની તાજી ઊગેલી ઘાસથી ધરા સમૃદ્ધ થાય છે, ઇન્દ્રગોપથી ધરતી ઉજ્જવળ લાગે છે,  કદમ, નીપ કુટજ સર્જ, કેતકી થી ભૂમિ સુશોભિત થાય છે. 
       આ વર્ણન પરથી જાણી શકાય છે કે, કેવડો વરસાદી ઋતુમાં ખીલી ઉઠતો હશે અને એની મનમોહક માદક ગંધથી વાતાવરણ આહ્લાદક બની જતું હશે. આથી પ્રાચીનકાળથી ભાદરવા માં શિવપૂજા કેવડા ના પ્રાપ્ય ફૂલોથી થતી આવતી હશે.
       કેવડાના નર અને માદા એમ બે અલગ અલગ છોડ હોય છે, તથા પુષ્પના ભેદથી સફેદ અને પીળો એવા બે પ્રકાર પડે છે, કેટલાક વિદ્વાનો સફેદપુષ્પ વાળાને નર કેવડો અને પીળો પુષ્પવાળા કેવડાને "સુવર્ણ કેતકી" એટલે કે માદા છોડ તરીકે ઓળખાવે છે.
         કુદરતી સુગંધી દ્રવ્ય તરીકે કેવડાના પાન અને પુષ્પ પ્રાચીનકાળથી વપરાતા આવ્યા છે, બ્રિટિશ ઇન્ડિયાના કાળમાં કેવડાનું અત્તર ભારતીય પ્રજા બનાવીને વિદેશ માં વેચાણ કરતી હતી, વિદેશી પ્રજા કેવડાના ફળને ખાય છે એના કુણાં પાંદડા નો નીચેનો સફેદ ભાગ ચાવીને ખાય છે, જેનો સ્વાદ અને સુગંધ વેનીલા ફ્લેવર ને મળતો આવે છે, પણ ખાધા પછી મોઢામાં અનાનસનું ફળ ખાધા પછી જેવો તમ તમાટ થાય એવું અનુભવાય છે.
            અતિ માદક સુગંધને કારણે કેવડો જનસામાન્ય માં આકર્ષણનું તથા શિવ પૂજનમાં નિષેધ નું કારણ બન્યો છે.

બુધવાર, 21 ઑગસ્ટ, 2019

શીતળા સાતમ

શ્રાવણ વદ સાતમના દિવસે ગુજરાતમાં શીતળાસાતમનો પર્વ ઉજવાય છે. મોટાભાગના પરીવાર ઠંડુ-વાસી ભોજન કરે છે તથા શીતલા દેવીનું ભાવપૂર્વક પૂજન-અર્ચન કરે છે.
     शीतला देवी તથા શીતળાનો રોગ જેને Smallpox તરીકે સોળમી સદીથી ઓળખવામાં આવેલ છે.
     પાઠયપુસ્તકોથી અત્યારસુધી ભણવવામાં આવતું રહ્યું છે કે, Edward Jenner જે એક અંગ્રેજ ફીઝીશીયન અને વૈજ્ઞાનિક હતાં એમને દુનીયામાં સૌ પ્રથમ શીતળા એટલે કે Smallpox વિરોધી રસી Variolae vaccinae (CowPox) માંથી સને 1796 માં શોધી હતી. આ વેકસીન-રસીકરણના પ્રતાપે WHO એ 1980 માં જાહેર કરેલ કે, હવેથી વિશ્વમાંથી શીતળાનોરોગ પૂર્ણપણે નાબુદ થઇ ગયેલ છે. 
      જો કે, શીતલારોગ વિષયક અન્ય ઐતિહાસિક લખાણો વાંચતા ઘણી ઢંકાયેલી વિગતો, આશ્ચર્ય સાથે આનંદ આપનારી પણ મળી આવે છે, જેમ કે, સંસ્કૃત શબ્દકોશ શબ્દકલ્પદ્રુમમાં मसूरिका  રોગ વિશે લખેલ છે કે,
मसूरीका  मसूरेव ।  मसूरा + कन् । वसन्तरोगः।
तस्य उत्पादनक्रिया इति ख्याता ।
सा तु गोस्तनज-नर- गात्रज-मसूरिकापूयेन भवति यथा
धेनुस्तन्यमसूरिका नराणां च मसूरिका । 
तत् जलं बाहुमूलात् च शस्त्रान्तेन गृहीतवान् ॥ 
बाहुमूले च शस्त्राणि रक्तोत्पत्तिकराणि च । 
तत् जलं रक्तमिलितं स्फोटकज्वरसम्भवम् ॥ 
સંદર્ભગ્રંથ:  इति  धन्वन्तरिकृत शाक्तेयग्रन्थः ॥
હવે આ વર્ણન એડવર્ડજેનરે કરેલ શીતલાવિરોધી રસીની આવિષ્કારની ઘટના સાથે મળતું આવે છે.
       સને 1716 તથા 1718 માં ઇસ્તુમ્બલ (તુર્કસ્તાન) ખાતે અંગ્રેજ એમ્બેસેડરના પત્ની  લેડી મોન્ટાગુ એ, શીતળારોગ પ્રતિકારક ઇનોકયુલેશનની ટર્કિશ પદ્ધતિ વિશે ઘણી જાણકારી મેળવી અને પોતાના સંતાન પર એનો પ્રયોગ પણ કર્યો તથા પત્રો-લેખો દ્વારા એનો પ્રચાર-પ્રસાર ઇગ્લેન્ડમાં પણ પોતાના સ્નેહીઓમાં કરેલ, એમના ફેમીલી ફીઝીશીયન ડૉ.ઇમેન્યુએલ ટિમોની એ ટર્કિશ ઇનોકયુલેશન નો પ્રયોગાત્મક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ 1724 માં રોયલ સોસાયટી માં પ્રસ્તૃત કરાયો હતો, જેના પરીણામે જેનરની 1798 ના શીતલા વિરોધિ રસીકરણ પહેલાં, પચાસ વર્ષ સુધી ઇગ્લેન્ડ અને ફ્રાંસ માં શીતલાથી બચાવ નું  ઇનોકયુલેશન થતુ આવ્યું હતું.
     શીતળા ટાંકવાની આ પરંપરા મૂળ ભારતીય બંગાળી વૈદ્યક માંથી ઉદ્ભવેલ છે, ત્યાંથી ચીન તેમજ વહાણવટાના કારણે સિંધ થી તુર્કસ્તાન સુધી ફેલાયેલ હતી. ગૌવંશમાં જે મસૂરિકા જેવો રોગ થાય છે, એનો સુકાએલો સ્ત્રાવ એટલે કે ભીંગડાને તુર્ક લોકો, ગૌ-પાલકો પાસેથી લેતાં અને બદલામાં ખારેક અને મેવાં વિગેરે આપીને વિનીમય કરતાં હતાં. કદાચ પશુઓમાં થતાં મસૂરિકા રોગને "બળિયા" નામાભિધાન કરાયેલ હશે. એ પરથી આજે પણ પશુધનની  રોગ સામે રક્ષા માટે બળિયાદેવનું પૂજન અર્ચન પણ શીતલાદેવીની જેમ કરવામાં આવે છે.
       આયુર્વેદના ગ્રંથોમાં મળતી મસૂરિકા તથા શિતલા વિષયક જાણકારીને માણીએ, સંસ્કૃત શબ્દોમાં જયાં રોગદર્શક શબ્દમાં 'ला' પ્રત્યય લાગે છે, ત્યાં સ્વભાવિક શારીરિક ક્રિયા-કર્મની હાની અથવા સ્વાભાવિક શારીરધર્મો  ગ્રસીત થવાથી કેટલોક સમય શરીર વિકાર ગ્રસ્ત થાય છે, એવું દર્શાવે છે. જેમ કે कामला- કામ=ખુશી-સુખ નો હ્રાસ થવો, એ રીતે शीतला માં શરીરની જે સ્વાભાવિક અને જરૂરી શીતળતા હોય છે એનો હ્રાસ થાય છે.
     ચરકસંહિતામાં श्वयथुचिकित्सित् અધ્યાયમાં, વિવિધપિડીકાઓના ઔપચારિક વર્ણન માં લખે છે કે,
क्षुद्रप्रमाणाः पिडकाः शरीरे, सर्व अङ्गाः सज्वरदाहतृष्णाः कण्डु युताः स अरुचि स प्रसेकाः, रोमान्तिकाः पित्तकफात् प्रदिष्टाः
આ સૂત્રમાં જે રોમાંતીકાનું વર્ણન કરેલ છે એને લોકબોલીમાં ઓરી કે ઓખો કહે છે, જે બાળકને એક થી પાંચવર્ષ ની ઉમર માં થઇ શકે છે रोमान्तिकाः ને આધુનીક તબીબીવિજ્ઞાન માં measles કહી શકાય છે, જેનો એક મોટો ઉપદ્રવ post measles pneumonia છે, બાળકોને  ઓરી-પ્રતિરોધી રસી નવ માસની ઉમર માં મુકાય છે. જો કે, સુશ્રુતસંહિતામાં રોમાંતિકાનું વર્ણન  કરેલ નથી.
याः सर्व गात्रेषु मसूर मात्रा, मसूरिकाः पित्तकफात् प्रदिष्टाः।
विसर्प शान्तयै विहिताक्रिया या,तांतासु कुष्ठे च हितां विदध्यात् 
      ચરકસંહિતામાં લખે છે કે, મસૂરની દાળ જેવી  પિત્ત અને કફના પ્રકોપથી જે ફોડકીઓ થાય છે એને મસૂરિકા કહેવાય છે, એની ચિકિત્સા વિસર્પરોગની જેમ તથા પથ્યાપથ્ય કૃષ્ઠરોગની જેમ કરવું જોઇએ. સુશ્રુત સંહિતામાં આ મસૂરિકાનું વર્ણન ક્ષુદ્રરોગ અધ્યાય અંતર્ગત કરાયેલ છે.
સાતમી સદીમાં લખાયેલ માધવકૃત રોગવિનિશ્ચય ગ્રંથમાં ચરક સુશ્રુત ની સાપેક્ષે મસૂરિકાનું વિસ્તૃત વર્ણન કરાયેલ છે.                 આધુનીક યુગના આયુર્વેદક્ષેત્રે ગણમાન્ય વિદ્વાન શ્રી ગણનાથ સેન લખે છે કે बृहत् मसूरिका એ Smallpox એટલે કે शीतला છે. જયારે लघु मसूरिका એ Chikenpox જેને લોકબોલીમાં અછબડાં કહી શકાય.
      આયુર્વેદના પ્રશસ્ત ગ્રંથો પૈકી, સોળમી સદીમાં નિર્માણ પામેલ  ભાવપ્રકાશ-સંગ્રહગ્રંથમાં શીતલારોગનું વિસ્તૃત અને સ્વતંત્ર વર્ણન જોવા મળે છે. એમાં લખે છે કે,
देव्या शीतलया आक्रान्ता मसूरि एव हि शीतला ।
ज्वर एव तथा भूताधिष्ठितो विषमज्वरः ।।
सा च सप्तविधा ख्याता तासां भेदान् प्रचक्षते ।
દેવી શીતલા ના આક્રમણથી, ભૂતનાયોગથી એટલે કે, સૂક્ષ્મરોગોત્પાદક જીવાણુઓથી વિષમજવર જેવો જે જવર આવે છે એને શીતલા કહે છે અને એના સાત પ્રકાર હોય છે.
ज्वर पूर्वा बृहत्स्फोटैः शीतला बृहती भवेत् ।
सप्ताहान्निःसरति एषा सप्ताहात् पूर्णतां व्रजेत् ॥
ततः तृतीये सप्ताहे शुष्यति स्खलति स्वयम् ।
तासां मध्ये यदा काचित् पाकं गत्वा स्फुटं स्रवेत् ॥
तत्र अवधूलनं कुर्यात् वन-गोमयभस्मना ।
ફોડકાં ફુટી જાય અને સ્ત્રાવ થતો હોય તો, એનાં પર વનમાં ચરવા જતી ગાય એ કરેલા છાણની એટલે કે અડાયાછાણાંની રાખ ભભરાવવી તથા
निम्बसत् पत्र-शाखाभिः मक्षिकाम् अपसारयेत् ॥
લીમડાની પાંદડાવાળી ડાળખીથી માખીઓને દૂર રાખવી.
जलं च शीतलं दद्यात् ज्वरे अपि न तु पचेत् ।
શીતલારોગના તાવમાં પણ ઠંડુ પાણી જ આપવું , ઊકાળેલુ ના આપવું.
स्थापयेत् तम् स्थले पूते रम्ये रहसि शीतले ॥
न अशुचिः संस्पृशेत् तु न च तस्य अन्तिकं व्रजेत् ।
बहवो भिषजो न अत्र भेषजं योजयन्ति हि ॥
केचित् प्रयोजयन्ति एव मतन् तेषाम् अथ ब्रुवे ॥
એ કાલખંડમાં ઘણાં વૈદ્યોશ્રી કહેતા કે, આનો કોઇ ઇલાજ નથી એમ છતાંય  નીચેના ઔષધીય ઉપાયો યોજાતાં.
ये शीतलेन सलिलेन विपिष्य सम्यक् चिञ्चाजबीजसहितां रजनीं पिबन्ति । तेषां भवन्ति न कदाचित् पीह देहे पीडाकरा जगति शीतलिका विकाराः ॥ मोचा-रसेन सहितं सितचन्दनेन वासा-रसेन मधुकं मधुकेन च अथ । आदौ पिबन्ति सुमनाः
स्वरसेन मिश्रं ते ना आप्नुवन्ति भुवि शीतलिकाविकारान् ॥                આયુર્વેદના પ્રશસ્ત ગ્રંથોમાં એક માત્ર પંડિત ભાવમિશ્રે શીતલાારોગનું વર્ણન ભાવપ્રકાશ ગ્રંથમાં મધ્યખંડના ચોથાભાગમાં જ કરેલ છે. જયારે ચરક, સુશ્રુત, વાગભટ્ટ તથા માધવે માત્ર મસૂરિકાનું વર્ણન કરેલ છે. આથી કહી શકાય કે, શીતલા રોગનું નામ દસમી કે અગિયારમી સદીના પૌરાણીક યુગથી આવેલ હોઇ શકે,
શીતલા રોગનું ચિકિત્સા સૂત્ર જણાવતાં ભાવપ્રકાશમાં લખે છે
शीतलासु क्रिया कार्या शीतला रक्षया सह । 
बध्नीयानि निम्बपत्राणि परितो भवनान्तरे ॥ 
कदाचित् अपि नो कार्यम् उच्छिष्टस्य प्रवेशनम् । 
स्फोटेषु अधिकदाहेषु रक्षा रेणु उत्करो हितः ॥ 
तेन ते शोषम् आयान्ति प्रपाकं न भजन्ति च ।
આ ચિકિત્સાસૂત્ર આજે પણ અછબડાંના દરદીઓ માટે  આચરવામાં આવે છે અને આ જ લોકવૈદકમાં ઓરી અછબડાં ના રોગીઓ માટે સ્વિકારાયેલ પરંપરા છે.
जप-होम-उपहारैः च दान स्वस्त्ययन् अर्चनैः । 
विप्र-गो-शम्भ-गौरीणां पूजनैः तां शमं नयेत् ॥ 
स्त्रोत्र च शीतला देव्याः पठेत् शीतला अन्तिके । 
ब्राह्मणः श्रद्धया युक्तः तेन शाम्यति शीतला ॥ 
ભાવપ્રકાશ ગ્રંથમાં દેવવ્યાપાશ્રય ચિકિત્સા સ્વરૂપે સ્કંદ પુરાણમાં કાશીખંડમાં લખાયેલ શીતલાષ્ટક સ્ત્રોત પણ ઉલ્લેખાયેલ છે.
स्कन्द उवाच, "भगवन् ! देवदेवेश ! शीतलायाः स्तवन् शुभम् । वक्तुम अर्हसि अशेषेण विस्फोटकभय अपहम् ॥ "
ईश्वर उवाच
" वंदे अहं शीतला देवीं रासभस्थां दिगम्बराम् ।
याम् असाद्य निवर्तेत विस्फोटकभयं महत् ।।
शीतले शीतले इति यो बूयात् दाह पीडितः ।
विस्फोटकभयं घोर क्षिप्रं तस्य प्रणश्यति ।।
यः त्वाम् उदक मध्ये तु ध्यात्वा सम् पूजयेत् नरः ।
विस्फोटकभयं घोरं कुले तस्य न जायते ।।
शीतले ज्वरदग्धस्य पूतिगन्धगतस्य च 
प्रणष्टचक्षुषः पुसः त्वम् आहुः जीवित् औषधम् ।।
       ।। अथ शीतलाष्टकं स्त्रोतं ।।
नमामि शीतलां देवीं रासभस्थां दिगम्बराम् । 
मार्जनी-कलश-उपेतां, सूर्प अलङ्कृत मस्तकाम् ॥ १
शीतले तनुजान् रोगान् नृणां हरसि दुस्तरान् । 
विस्फोटक-विशीर्णानां त्वमेक अमृतवर्षिणी ॥ २
गलगण्डग्रहा रोगा ये च अन्ये दारुणा नृणाम् । 
त्वत् अनुध्यान-मात्रेण शीतले यान्ति ते क्षयम् ॥ ३
न मन्त्रो न औषधं किञ्चित् पापरोगस्य विद्यते । 
त्वम् एका शीतले ! धात्री न अन्यां पश्यामि देवताम् ॥ ४
मृणाल-तन्तुसद्दशीं नाभि-हृद मध्य संस्थिताम् । 
यः त्वां संचिन्तयेत्  देवी ! तस्य मृत्युः न जायते ॥ ५
अष्टकं शीतलादेव्या यः पठेन्मानवः सदा । 
विस्फोटकभयं घोरं कुले तस्य न जायते ॥ ६
श्रोतव्यं पठितव्यं च नरैः  भक्तिसमन्वितैः । 
उपसर्ग-विनाशाय परं स्वस्त्ययनं महत् ॥ ७
शीतला अष्टकम् एतत् हि  न देयं यस्य कस्यचित् । 
दातव्यं हि सदा तस्मै भक्ति-श्रद्धा अन्वितो हि यः ॥ ८
પ્રસ્તૃત ઇમેજ એ.. ખેડબ્રહ્મા માં તાલુકા માં આવેલ શીલવાડ ગામના પ્રાચિન જાળી મંદિરની છે.  આ ઇમેજ માં શીતલામાતાની ચારભુજા વાળી પૌરાણીક કાળની મુર્તિ દ્રશ્યમાન થાય છે. રાજવૈધ રસીકલાલ જે પરીખની સાબરકાંઠાની વનસ્પતિ પુસ્તકના કવરપેજ પર છાપેલી છે. खरवाहन दिग्म्बरी सूपडु तारे माथ । 
निमकलश हाथ धर्यो मार्जरी चोथे हाथ ।।
પ્રાકૃત ગુર્જર ભાષામાં લખાયેલ આ ઉક્તિ શીતલામાતાનું વર્ણન કરે છે અને આ ઉક્તિ એ શીતલાના રોગીના ઉપચાર નું પણ નિર્દશન કરે છે. આથી શીતળા સાતમે ઠંડુ એટલે કે શીતળ તથા લૂખુ સુકૂ એટલે કે વાસી ખાવાનો રીવાજ સ્થાપીત થયેલ છે. શીલવાડ, ખેડબ્રહ્મા થી પૂર્વ તરફ  વિજયનગર - પોળો જંગલ તરફ જતાં રાજય ધોરીમાર્ગ 147 પર આવેલ આ ગામ માત્ર 76 મકાનોની વસ્તી ધરાવે છે અને વિજય નગરથી ખેડબ્રહ્મા તરફ આવતી હરણાવ નદીના દક્ષિણ કાંઠે આવેલ છે સામા કાંઠે  દેરોલ નામે ગામ આવેલ છે બંન્ને કાંઠે પ્રાચીન મંદિરો જોવા મળે છે, સંભવતઃ જૈનમંદિરો હોવાનું અનુમાન છે.. ખેડબ્રહ્મા થી શીલવાડ આશરે 10 કિ.મી ના અંતરે આવેલ છે ( ગૂગલ  મેપ માં Silvad નામે સર્ચ કરવું ) 







રવિવાર, 4 ઑગસ્ટ, 2019

મહર્ષિ ચરક જયંતી


શ્રાવણ સુદ પંચમીના દિવસે આયુર્વેદ અનુરાગી મિત્રો ,
મહર્ષિ ચરકજયંતી ની ઉજવણી 
કરે છે.
મહાન વ્યક્તિઓની નિસ્વાર્થ ભાવે જનકલ્યાણઅર્થે  કરાયેલા કાર્યો  પ્રત્યે ધન્યવાદ અને કૃતજ્ઞતા પ્રગટ કરવા આપણે એમની જયંતીઓ ઉજવતા હોઇએ  છીએ.
      આયુર્વેદ ક્ષેત્રે  આ પ્રકારની જાગૃતિ  અને ઉત્સાહ  નહિવત્ છે. આયુર્વેદ ક્ષેત્રના ૠષિતુલ્ય કર્મયોગી વૈદ્યોની જયંતીઓ તો, શું ? નામ પણ કોઈક - કોઈક  ને યાદ હોય છે...!! 
      મહર્ષિ ચરકજયંતીની ઉજવણી પણ છેલ્લા પાંચેક 
વર્ષથી કરાય છે. જેમાં ફેસબુક અને વોટસેપ જેવા માધ્યમોનો સારો એવો ફાળો છે. બાકી તો મોટાભાગના  કેલેન્ડર-પંચાગમાં પણ ચરકજયંતીનો નામોલ્લેખ  પણ જોવા મળતો નથી.
જીજ્ઞાસાવશ મને પણ શ્રાવણ સુદ પાંચમ  એટલે
      મહર્ષિ ચરકની જન્મજયંતી કયા શાસ્ત્રોલ્લેખ  આધારે નક્કી  કરાઇ છે ? એ જાણવાની  તાલાવેલી થઈ  અને જે કંઈપણ જાણકારી  મળીએ આશ્ચર્યમિશ્રિત આનંદદાયક છે. ગમતાંનો કરીએ ગુલાલ.
         મહર્ષિ ચરકને શેષનાગનો અવતાર માનવામાં આવે છે. એથી શ્રાવણમાસની સુદપક્ષની નાગપંચમીને ચરકજયંતી તરીકે  ઉજવવામાં આવે  છે. આયુર્વેદના અભ્યાસુઓને સોળમી સદી માં રચાયેલ ભાવપ્રકાશમાંથી શેષનાગનું ગુપ્તવેશે મહર્ષિ ચરકના સ્વરૂપે પૃથ્વી પરનું અવતરણ દર્શાવતી વાર્તા જાણવા મળે છે. પંડિત ભાવમિશ્રે  એમના સમયની આ પ્રચલિત લોકકથા આધારીત, આ કથાનકનો સમાવેશ એમના ગ્રંથમાં કર્યો હોય એવુ કેટલાક તજજ્ઞોનુું 
માનવું છે.
योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन।
योऽपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्रांजलिरानतोऽस्मि 
      આ શ્લોક દ્વારા બારમી સદીમાં વિજ્ઞાનભિક્ષુ  જણાવ્યુ છે કે, વ્યાકરણ મહાભાષ્ય, આયુર્વેદચિકિત્સા શાસ્ત્ર તથા
યોગશાસ્ત્ર એમ ત્રણેય ગ્રંથોના  કર્તાને પાતંજલી ૠષિને માનવામાં આવે છે. જો કે, આઠમી સદીમાં વાકયપ્રદીપના બ્રહ્મકાંડમાં ભર્તુહરિ કહે છે, 
      कायवाग्बुद्धिविषया ये मलाः समवस्थिता ।
    चिकित्सालक्षणः अध्यात्मशास्त्रस्तेषां विशुद्धये ।
       અગીયારમી સદી માં ચક્રપાણિ દત્ત લખે છે કે,
          पातंजलमहाभाष्य चरकप्रतिसंस्कृतैः ।
       मनोवाक्कायदोषाणां हन्त्रेः अहिपतये नमः ।।
     અષ્ટાધ્યાયી વ્યાકરણના કર્તા પાણિની ૠષિ સંધ્યાપુજન વખતે અંજલીથી અર્ધ્ય આપતા હતા ત્યારે આકાશ માંથી એક સર્પનું બચ્ચુ એમની એ અંજલી / ખોબામાં આવી પડ્યું  અને પછી થી એ મહામેઘાવી મનુષ્ય તરીકે પ્રસિદ્ધિ પામેલ જે 
" પાતંજલી " નામે વિદ્યમાન થયેલ, આ કથાનક  પરથી પાતંજલી નામ તથા એમનો સર્પકુળ સાથેનો સબંધ સમજી શકાય છે. ઉપરોક્ત શ્લોકોના વિવેચનમાં સ્થાપિત કરાયુ છે
કે, મહર્ષિ ચરક અને પાતંજલી એક જ વ્યક્તિ  છે એટલે મહર્ષિ ચરકને પણ શેષનાગના અવતાર માનીને શ્રાવણ સુદ પંચમી ને ચરકજયંતી તરીકે મનાવાય છે.
        સંસ્કૃત પરીભાષામાં " નાગ " શબ્દ હાથી માટે વપરાય છે. પણ વધુ ઊંડાણથી તપાસતા જણાયુ કે, જે વિશાળ આકારના કારણે અતિપ્રભાવશાળી દેખાય; અલૌકિક વ્યક્તિત્વ  અને પ્રભુત સામર્થ્યને કારણે  તુરંત જ કોઈપણ જાતના વિવાદ - શંકા વિના એની પ્રતિષ્ઠા આ લોકમાં સ્થાપિત  થઈ  જાય અને માનવજાત દ્વારા સ્વીકારી લેવાય  એને  " નાગ " ની ઉપમા આપવામાં આવે છે. 
એજ પ્રમાણે વિશાળકાય  સર્પમાં તક્ષક, વાસુકિ, અનંત કે શેષ ને પણ "નાગ"  ઉપમા અપાયેલ છે. કાશ્મીર અને હિમાલયનાં કેટલાક વિશાળ પ્રાકૃતિક પહાડ અને  ઝરણાં-ધોધ ને પણ  " નાગ " ઉપમાથી નવાજેલા  છે. જેમ કે, અનંતનાગ, નિલનાગ પર્વત,  કોકરનાગ ઝીલ  વિગેરે.
     વ્યાકરણ મહાભાષ્યના કર્તાનો સમય કાળ ઇ.સ પૂર્વે બીજી સદી અને ચરકસંહિતાનો રચના કાળ ઇ.સ.ની પહેલી સદી તથા યોગશાસ્ત્રનો રચનાકાળ  ઇ.સ. ની ચોથી સદી છે એટલે ત્રણેયના કર્તા એક જ વ્યક્તિ ના હોઇ શકે પણ એક સમાન નામધારી જુદાં-જુદાં વ્યક્તિઓ હોઇ શકે છે.
આજે જે ચરકસંહિતા પ્રસિદ્ધ છે એમાં કોઇપણ જગ્યાએ  મહર્ષિ ચરકનો કર્તા તરીકે મૂળ સંહિતામાં ઉલ્લેખ નથી.
પણ, ત્રીજી સદીમાં કાશ્મીર પ્રદેશના દ્રઢબલ નામના મહર્ષિએ ચરકસંહિતામાં ચિકિત્સાસ્થાનના ૧૭ તથા સિદ્ધિ તેમજ કલ્પસ્થાનના ૧૨ - ૧૨  એમ આશરે  ત્રીજાભાગની ચરક સંહિતાની પુર્તિ  અને પ્રતિસંસ્કાર કરેલો. ટીકાકાર અને અનુવાદકારોએ આ સંહિતાના અધ્યાયોના અંત માં,
" અગ્નિવેશે રચેલા અને ચરક દ્વારા પ્રતિસંસ્કાર કરાયેલ..."
એવી નોંધ  મુકી છે, જેનાથી કાળક્રમે આ સંહિતા, ચરકસંહિતાના નામે પ્રસિદ્ધ થઇ હશે.
       માનનીય વૈદ્ય શ્રી બાપાલાલ ગ. શાહ એ  "ચરક" નામ પર ઊંડુ ચિંતન કર્યુ છે. એમને " ચરક " શબ્દના જુદાં-જુદાં  અર્થ  અને સબંધિત ઇતિહાસ પર સારો એવો  પ્રકાશ પાડયો  છે.
ઉદેશ્ય પૂર્ણ જવું  (યાત્રા કરવી) એના માટે સંસ્કૃતમાં  गम्  ધાતુ પરથી શબ્દો  બન્યાં છે. પણ સહજ જીજ્ઞાસાવશ, અનાયાસે પહોંચી જવુ એના માટે चर् ધાતુ પરથી શબ્દો બન્યા છે જેમ કે, ચર પરથી " ચરણ " શબ્દ અને એક જાતી
"ચારણ "  चर्  ધાતુના હાર્દને સમજાવવા પુરતું છે. દેશી રજવાડાઓની ઇતિહાસ ગાથાઓ ગાવાંનો,  લખવાંનો અને ફેલાવાંનો યશ આ ચારણ કવિઓને જાય છે.
યજુર્વેદની એક શાખાનું નામ " ચરક " છે. જેના પ્રવર્તક મહર્ષિ  "વૈશમ્પાયન ૠષિ" હતા અને એમના શિષ્યોને પણ "ચરક" વિશેષણથી સંબોધવામાં આવતા હતાં. આખી ચરકસંહિતામાં ચરકના ગુરૂનો ઉલ્લેખ કયાંય જોવા મળતો નથી, પણ આયુર્વેદજગતમાં કેટલાક વિદ્વાનો ચરકના ગુરૂ  તરીકે 
" વૈશમ્પાયન" ને ગણાવે છે.
         ઇતિહાસના ઊડાણમાં જોઇએ તો, રાજા પુષ્પજીતના સલાહકાર તથા રાજવૈદ્ય જયસ્વામી તથા ઇ.સ. ૭૮ માં રાજા કનિષ્કના રાજવૈદ્ય તરીકે  "ચરક" નામોલ્લેખ આવે છે. જો કે, મૂળ ચરક સંહિતાના કર્તાથી આ જુદી વ્યક્તિઓ હતી.
ટૂંક માં, " ચરક "  એ કોઈ એક વ્યક્તિ વિશેષ માટે વપરાયેલ શબ્દ નથી પણ એનો અર્થ યાયાવર ૠષિઓના સમુહ વિશેષણ તરીકે  સ્વીકારી લેવાયેલો હતો.
        દુનિયા આખીમાં, અર્જુન અને ભગવાન શ્રીકૃષ્ણનાં સંવાદ રૂપ સર્જાયેલી  ભગવદ્ ગીતા વિશે વિદ્વાન-સમાજમાં કુતુહલ અને જીજ્ઞાસાને લઈને  જેટલા વિવેચન - ટીકાઓ લખાયેલ છે, એટલી વિશ્વની કોઇ પણ સંસ્કૃતિના ધર્મ કે દર્શન ગ્રંથ પર આજ સુધી લખાયેલ નથી અને આવું  પરમ સૌભાગ્ય આયુર્વેદશાસ્ત્રના ગ્રંથોમાં,  અગ્નિવેશ અને ભગવાન આત્રેયના સંવાદ રૂપ સર્જાયેલી  ચરકસંહિતાને પણ મળ્યુ  છે, ૪૩ જેટલા ટીકાકારોએ ચરકસંહિતા પર વ્યાખ્યાઓ-ટીકાઓ રચાઇ છે.
ચિકિત્સાના આ ગ્રંથના વિષયો  અને વિવેચનમાં સનાતન સત્યની ઝાંખી થાય છે, સૂત્રાત્મક સત્યનું ચિંતન અને વિવેચન  બુદ્ધિપ્રતિભાશાળી વિદ્વાનોનો સહજ સ્વભાવ અને કર્મ હોય છે.
      ગુજરાતી પ્રજા પણ મૂળ માં તો,  વિશ્વપ્રવાસી છે એટલે સહજ જીજ્ઞાસુ સ્વભાવ ધરાવે છે. ચરકસંહિતાનો સૌથી વધુ ગુજરાતી અનુવાદ અને વિવેચન વાળા ગ્રંથો ગુજરાતના વૈદ્ય સમાજે જ આપેલ છે. સો પ્રથમ ગુજરાતી ભાષામાં ટીકા સાથે ચરકસંહિતા ગ્રંથ સ્વરૂપે  પ્રકાશીત  કરવાનો શ્રેય અમદાવાદના  વૈદ્યશ્રી જેઠાલાલ દેવશંકર  દવે ને જાય છે, એમને વિક્રમ સંવત ૧૯૭૨  એટલે કે, ઇ.સ. 1916  માં બે ભાગ માં ચરકસંહિતા પ્રકટ કરી હતી. હિન્દીમાં ચરકસંહિતા સને 1920 માં, પહેલીવાર  પ્રકાશિત  કરાયેલ. આયુર્વેદ અનુરાગીઓને આયુર્વેદશાસ્ત્રાભ્યાસમાં સરળતા  કરવા માટે  હસ્તપ્રતોને ગ્રંથસ્થ  કરનાર પોરબંદરના આદરણીય યાદવજી ત્રિકમજી મહારાજે  ચક્રપાણીની ટીકા સાથે ચરકસંહિતાને નિર્ણય સાગર પ્રેસ, મુંબઈથી સને 1933 માં પ્રકાશિત  કરેલ. 1949 માં શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદિક સોસાયટી જામનગર  તરફથી ડૉ. પ્રાણજીવનદાસ મહેતા ની આગેવાનીમાં, વિશ્વવંદનીય ચરક સંહિતાના હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી એમ એક સાથે ત્રણ  ભાષામાં ટીકા - અનુવાદ સાથે ૬ દળદાર ભાગોમાં  પ્રકાશિત  કરાયેલ.  આ સંસ્થા  દ્વારા  ચરકસંહિતા  નુ સંપૂર્ણ અને દરેક પાસાને આવરી લેતું વિસ્તૃત વિવેચન કરાયુ  છે. આયુર્વેદના પ્રચાર - પ્રસાર માટે  ગુજરાતીમાં તમામ મૂળ આયુર્વેદ સંહિતાગ્રંથોને  પ્રકાશિત  કરવાનો  શ્રેય ભિક્ષુ શ્રી અખંડઆનંદ સ્વામીજીની સંસ્થા,  સસ્તું  સાહિત્ય વર્ધક કાર્યાલય અમદાવાદને છે. શુદ્ધ આયુર્વેદના કર્માભ્યાસી, આગ્રહી અને પ્રચારક રાજવૈદ્ય શ્રી પ્રભાશંકર નાનભટ્ટ ગઢડાવાળાના માર્ગદર્શન હેઠળ સને 1959 માં ચરકસંહિતા પરની  ત્રણ પ્રખ્યાત  ટીકાઓ; અગીયારમી સદી ની ચક્રપાણિ દત્તની આયુર્વેદ દીપિકા, પંદરમી સદીમાં ગંગાધર કૃત જલ્પકલ્પતરૂ  તથા સત્તરમીસદીની યોગીન્દ્રનાથ સેનની ચરકોપસ્કાર  ટીકાઓના ગુજરાતી  વિવેચન સાથે પાંચ ભાગમાં ચરકસંહિતા
પ્રકાશિત  કરાઇ હતી. શ્રી ઝંડુભટ્ટજીની આયુર્વેદ ચિકિત્સા પ્રણાલીના વૈદ્ય શ્રી અમૃતલાલ પ્રા. પટ્ટણીએ ચરકસંહિતાનું ઊડું  ચિંતન  કર્યુ  હતું  અને  ઉદારતાથી એમના વિદ્યાર્થીઓને ચરકસંહિતાનો આસ્વાદ પાટણ ના શેઠ ઉ.પી.આયુર્વેદ મહાવિદ્યાલયના વિદ્યાર્થી ઓને  કરાવતાં હતાં, એવા જ એમના એક વિદ્યાર્થી - શિષ્ય ને, આધુનિક  યુગના ચરક તરીકે આપણે જાણી એ  છીએ, જામનગરના વૈદ્ય. સી.પી. શુકલા સાહેબ.
મારી જાણ માં શ્રી ચંદ્રકાન્ત પ્ર.શુકલા સાહેબે  ચરકસંહિતા  પર ઊંડુ ચિંતન કરીને આધુનિક ચિકિત્સા વિજ્ઞાનની સરખામણી માં સફળ આયુર્વેદ ચિકિત્સા કરી શકાય એવા ઘણા આર્ટિકલ  Ayu નામની આયુર્વેદ યુનિ. જામનગરથી પ્રકાશિત થતી જર્નલ  માં લખ્યા છે. પોસ્ટગ્રેજ્યુએશન ના વિદ્યાર્થીઓને હિન્દી અંગ્રેજી માં ચરકસંહિતા ના સૂત્રો ને આધુનીક તબીબી વિજ્ઞાન ના દ્રષ્ટિકોણથી સમજાવતાં કેટલાય વ્યાખ્યાનો આપેલ છે. પણ એ બધાને આવરી લેતું કોઇ  પુસ્તક હજુ સુધી  પ્રકાશિત  થયેલ નથી જે દુઃખ સાથે દુર્ભાગ્ય છે.
માનનીય શ્રી બાપાલાલે  પણ આયુર્વેદનો શાસ્ત્રોકત અભ્યાસ  વૈદ્ય શ્રી અમૃતલાલ પ્રા. પટ્ટણી પાસે ઝાડેશ્વર (ભરૂચ) માં જ કરેલ અને એમણે એ વિદ્યાૠણ ચુકવવા અર્થે, "ચરકનો સ્વાધ્યાય ભાગ-1" શ્રી સયાજી સાહિત્યમાળા, પુષ્પ 350, સને 1973, તથા ચરકનો સ્વાધ્યાય ભાગ-2 શ્રી સયાજી સાહિત્યમાળા, પુષ્પ 354, સને 1979 માં 1900 પાનાંની વાંચન સામગ્રી માં ચરકસંહિતા પર વિશ્લેષણાત્મક વિવેચન કરેલ છે. વૈદ્ય શ્રી બાપાલાલ ગ. શાહ ની જન્મભૂમીના અને સમકાલીન, ડૉક્ટર માંથી રાજવૈદ્ય તરીકે ખ્યાતિ પ્રાપ્ત આયુર્વેદ અનુરાગી સંશોધક અને પ્રકાશક એવાં શ્રી રસીકલાલ જેઠાલાલ પરીખે સને 1980 માં સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય તરફ થી, ચરક(સંક્ષિપ્ત) નામે લોકભોગ્ય શ્રેણીનું સરળ ભાષામાં પુસ્તક પ્રગટ કરેલ. રાજકોટના વૈદ્ય શ્રી હિરાલાલ ગોરધનદાસ સુરાણી એ, ચરકસંહિતા - ચિકિત્સકની દ્રષ્ટિએ... નામની પુસ્તિકા લખેલ જેમાં સંપૂર્ણ ચરકસંહિતાનું
વિહંગાવલોકન સમાવિષ્ટ છે.
    ચરકસંહિતા ના સંશોધન, પ્રકાશન, અને પ્રત્યક્ષ કર્માભ્યાસ થકી પ્રચાર પ્રસાર માં દેશ માં અન્ય રાજય અને ભાષામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે,
     મહર્ષિ ચરકજયંતીના શુભ અવસરે, આયુર્વેદ અનુરાગીઓ આધુનીક પરીપેક્ષ્યમાં ચરકસંહિતા નું નૃત્ય અધ્યયન, સ્વાધ્યાય અને પ્રત્યક્ષ કર્માભ્યાસ કરશે જ એવી અંતર ની ઊર્મીઓ સાથે, હાર્દિક શુભેચ્છાઓ સહ અભિનંદન...



નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...