શુક્રવાર, 26 ઑક્ટોબર, 2018

શ્રી બાપાલાલ ગ. વૈદ્ય - વ્યક્તિત્વ પરીચય.



         આજે 17મી સપ્ટેમ્બર 2020, માનનીયશ્રી બાપાલાલ ગ. વૈદ્યની 124મી જન્મજયંતી છે. બાપાજી આયુર્વેદજગતના ગુજરાતીસંશોધક,પ્રચારક તથા વિપુલ આયુર્વેદિય સાહિત્ય સર્જક છે એમને 1927 થી વનસ્પતિઓનો પરીચય તથા આયુર્વેદિય સંહિતા માં એનાં દર્શાવેલાં પ્રયોગ વિષયક પુસ્તકો લખીને જાતે પ્રકાશન કરવાની શરૂઆત કરેલ હતી. એમનાં જીવનકાળ માં 35 થી વધુ પુસ્તકો  લખેલ છે અહિંયા કેટલાક પુસ્તકો  ની યાદી આપુ છું.1. નિઘંટુ આદર્શ  ભાગ 1 - 2, 2. દિનચર્યા,  3. ઘરગથ્થું  વૈદક 4. વૃદ્ધત્રયી  ની વનસ્પતિઓ 5. અભિનવ કામશાસ્ત્ર 6. વૈદ્યકીય કાયદાશાસ્ત્ર 7. વનસ્પતિ શાસ્ત્રી  જયકૃષ્ણજી ઇન્દ્રજીનું જીવનચરિત્ર 8. ગુજરાતની વનસ્પતિઓ 9. ઉદ્બિજ્જ શાસ્ત્ર - વનસ્પતિ વર્ગીકરણ 10. ભારતીય રસશાસ્ત્ર 11. દમ - અસ્થમા
12. સંસ્કૃત સાહિત્યમાં  વનસ્પતિઓ 13. ખોરાકના તત્વો 14. આયુર્વેદ વ્યાખ્યાનમાળા 15. આયુર્વેદ વિહંગાવલોકન 16. આયુર્વેદ વૈજ્ઞાનિક દ્રષ્ટિ 17. આપણો ખોરાક 18. આરોગ્ય  પાઠાવલી
19. निघंटु  आदर्श (हिन्दी) 20. ચરક નો સ્વાધ્યાય  (ભાગ 1-2) 21.ઘરગથ્થું  દવાઓ
22. સ્વસ્થવૃત 23. અષ્ટાંગ હૃદય નું ગુજરાતી ભાષાંતર  24. સો સુંદર વનસ્પતિઓ
25. મધુપ્રમેહ  26. દ્રવ્યગુણ શાસ્ત્ર 27. નસ્ય ચિકિત્સા 28. વાડીવાડીના ઓસડીયા 29. ઘરઘરનાં  ઓસડીયા 30. Some controversial drugs in Indian medicine.
કોઇ લેખક  નાની અમથી એક પુસ્તિકા લખી લે,  તો એનાં પાછળના કવર પેજ પર  સ્વપરીચય આપવાનું ચૂકે નહી. બાપાજી એ આટલું  ઉત્તમ કક્ષા નું સાહિત્ય નું સર્જન કર્યુ  જેના માટે એમને સને 1965 માં સાહિત્ય પરિષદ  દ્વારા રણજીતરામ સુવર્ણ ચંદ્રક એનાયત કરાયો હતો. એમનું અધ્યાપન કાર્ય એટલું આત્મીયતાવાળું હતું કે, આયુર્વેદ મહાવિદ્યાલય ના દરેક સ્નાતકો દિલથી, ઉમળકાભેર એમને બાપાજી કહીને જ સંબોધતા. આ બાપાજી એ પોતાનો સ્વપરીચય કે પોતાનો ફોટોગ્રાફ  એક પણ પુસ્તક  માં આપેલ નથી કે નથી કોઇ પ્રકાશક  ને છાપવાની  અનુમતી  આપેલ.
    આથી મને એમની જીવની જણાવા, ઘણી મહેનત કરવી પડી જેમાં પી.જી સ્કૉલર ડૉ. મનિષા પરમાર (રાજકોટ), સરકારી આયુ.મે.ઓ.વૈદ્ય શ્રી પિયુષ એન. પટેલ (બારડોલી) તથા મુરબ્બી શ્રી પ્રોફેસર વૈદ્ય યજ્ઞેશ પી.વ્યાસ સાહેબ (સુરત) નો સહકાર મળ્યો એ બદલ એમનો આજીવન ૠણી રહીશ.
     બાપાજીની  જીવની વિશે થોડુંક જાણીએ.
     પંચમહાલ જિલ્લાના સણસોલી ગામે ગરબડદાસ શાહ તથા ઇચ્છાબાના ખોળે જગનિયંતા એ આયુર્વેદ ઉધ્ધારક આત્માને શરીરી રૂપે  સને 1896ની 17મી સપ્ટેમ્બરના રોજ અવતારધારણ કરાવરાયો, આ દિવ્ય સંશોધક વૃત્તિવાળા જીવનું નામ, શ્રી બાપાલાલ રાખવામાં આવ્યુ. જે સદાકાળમાટે આયુર્વેદ તથા વનસ્પતિ શાસ્ત્રના જીજ્ઞાસુ-વિદ્યાર્થીઓમાં અમર થઇ રહ્યું અને રહેશે
     બાપાજીએ પ્રારંભિક અભ્યાસ વડોદરામાં કરેલ, તબીબીશિક્ષણ મેળવવાની અદમ્યઇચ્છાથી બાપાજીએ  મુંબઈ  પ્રયાણ કર્યુ, પણ ભગવાન ધન્વંતરીની ઇચ્છા તો આ પુણ્યાત્મા પાસે આયુર્વેદ તથા વનસ્પતિ શાસ્ત્રને આ લોકમાં સંશોધિત કરી પુનઃ પ્રચાર-પ્રસાર  કરવાની હતી.

બાપાજી, મુંબઈમાં ફલ્યુની બિમારીમાં પરેશાન  થયા તેથી તબીબીઅભ્યાસ માટેની પ્રવેશપરીક્ષાના આપી શક્યા. આવતા વર્ષે  પુનઃપ્રયત્ન કરીશ  એમ નિર્ણય કરી વડોદરા પાછા  ફર્યા.

મહાન રાષ્ટ્રવાદી અને આઝાદીની ચળવળના અગ્રણીશ્રી છોટુભાઈ પુરાણીના સંપર્કમાં આવ્યા.  પુરાણીબંધુઓએ  બાપાલાલને ભરૂચની રાષ્ટ્રીય શાળામાં અધ્યાપન કાર્ય સોપ્યુ .

રાષ્ટ્રીયશાળામાં માત્ર શિક્ષણના પાઠ ભણાવવાથી આ દેશને આઝાદીના મળે એટલે આરોગ્ય અને શરીરસૌષ્ઠવ જરૂરી છે અને બિમાર પડતાં એમાંથી સારા થવા વૈધકનું જ્ઞાન પણ જરૂરી  બની રહેશે  એમ વિચારી છોટુભાઈ પુરાણીએ ,  રાજવૈદ્ય અમૃતલાલ પટ્ટણી  સાથે  બાપાલાલનો પરિચય કરાવ્યો આ વખતે આ રાજવૈદ્ય  ભરૂચ પાસે  ઝાડેશ્વર ગામમાં બિરાજતા અને ઝંડુભટ્ટજીનું શાખા દવાખાનામાં વૈદ્યક કરતાં. બાપાજીએ આ પ્રથમ ગુરૂ પાસેથી વૃધ્ધત્રયી અને લઘુત્રયીનું શાસ્ત્રીય  જ્ઞાન મેળવ્યુ. આયુર્વેદશાસ્ત્રનો એવો તે રંગ લાગ્યો  કે બંદા  ભરૂચ રાષ્ટ્રીયશાળાનું કાર્ય આટોપી પગપાળા ઝાડેશ્વર નિયમિત ગુરૂ પાસે આયુર્વેદ શાસ્ત્ર શીખવા જતાં અને રસ્તામાં આવતા જતાં આયુર્વેદસંહિતાના સૂત્રોને કંઠસ્થ કરતાં. આ પ્રખર સાધના અને ચિંતનના ફ્ળ સ્વરૂપે વિપુલ  સંશોધિત આયુર્વેદિય સાહિત્યનું નિર્માણ એમના થકી થયું . લીંબડી અને ઢસાના રજવાડામાં ઉપચાર અર્થે જયારે રાજવૈદ્ય અમૃતલાલ પટ્ટણી  જતાં ત્યારે બાપાલાલ પણ સાથે હોય જ પ્રત્યક્ષ કર્માભ્યાસ માટે, અહિંયાં પોરબંદર સ્ટેટના પ્રખર વનસ્પતિ શાસ્ત્રીશ્રી જયકૃષ્ણઇન્દ્રજીના નામનો એમને પરિચય  થયો. પછી બાપાજી એ એમને વનસ્પતિશાસ્ત્રના ગુરૂપદે સ્થાપીને  શિષ્યભાવે શિખ્યાં..  ગુરૂને  શોધી લીધા પછી બાપાજી  સંપૂર્ણ સમર્પિત થઈ ગયા ગુરૂની પુસ્તક છપાવવાની ટેક ને પોતાની માનીને એમને પણ ત્યાં સુધી પંચકેશ ધારણ કર્યા 1910 માં વનસ્પતિશાસ્ત્ર પ્રકાશિત થયું  ત્યાર બાદ જ બાપાજી એ પંચકેશ નો ત્યાગ કરેલ. ગુરૂભક્તિ માટે એમને ખુદ જયકૃષ્ણજી ના જીવનપરીચય આપતું એક પુસ્તક લખ્યું  અને પ્રકાશિત કર્યું. આ જ ગુરૂ ના પુણ્યપ્રતાપે વનસ્પતિના સંપૂર્ણ ગુણકર્મ ને આયુર્વેદ દ્રષ્ટીકોણ થી આલેખતુ  પ્રથમ પુસ્તક "નિઘંટુ આદર્શ" (સને1927-28) માં બાપાલાલે પ્રકાશિત  કર્યુ  તથા  Some controversial drugs in Indian medicine પર 1971 to 1975 સુધી નુ સંશોધનાત્મક કાર્ય દર્શાવતુ  પુસ્તક  1982  માં ચૌખમ્બા- વારાણસી  થી પ્રગટ થયુ, આ બન્ને પુસ્તકો બોટની  અને  આયુર્વેદ દ્રવ્યગુણના પી.જી  સ્કૉલર માટે  દિવાંદાડી સાબિત  થયા છે.
   ભારત  ઉપરાંત  વિદેશ માં પણ હર્બલ ડ્રગ્સ  પર થીસીસ લખવા આ પુસ્તક નો  રેફરન્સ તરીકે બહોળો ઉપયોગ થાય છે  જે ઇન્ટરનેટ ના માધ્યમ થી આજે આપણે જાણી શકીએ છીએ.
    સને 1932 માં સ્વતંત્ર્યની ચળવળમાં ભાગ  લેવા બદલ  નાસિક પાસે વીસાપુરમાં જેલવાસ  થયો.  પણ વૈદ્યનો આ જીવ  કેદીઓના સ્વાસ્થ્ય  રક્ષણ કાજે હંમેશા તત્પર.  અહીંથી પ્રેરણા પ્રાપ્ત  કરી સને 1933 માં ભરૂચ  પાસેના હાંસોટ ગામે ઘરગથ્થુ વૈદ્યક નામનું પુસ્તક લખીને પ્રકાશિત  કર્યુ.
જેની સંશોધિત આવૃતી નવજીવન ટ્રસ્ટ  અમદાવાદ  દ્વારા સને 1982 માં પ્રકાશિત  કરાઈ.

હાંસોટમાં 20 વર્ષ વૈદ્યકની પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી  આ દરમિયાન અસામાજિક વિધર્મી તત્વોને  જબ્બે કરવા,  પ્રજાને વ્યાયમશાળામાં શરીરસુદ્દઢ કરવાના પાઠ શિખવ્યા પરિણામે પ્રજા સાહસી બની અને હાંસોટમાં અસામાજીક તત્વોનો ત્રાસ નાબુદ  થયો.
   સુરતમાં સુધારાવાદી સંત સ્વામીશ્રી  આત્માનંદ સરસ્વતીની પ્રેરણાથી  એમના શિષ્યોએ  આયુર્વેદ  શિક્ષણ તથા ચિકિત્સાઅર્થે વિદ્યાલય તથા હોસ્પિટલનું નિર્માણ  કર્યુ
   બાપાલાલને આ સંસ્થાનો કાર્યભાર ખુદ  સ્વામીજીએ સોપ્યો.  બાપાલાલ  શ્રેષ્ઠ સમર્પિત  વ્યક્તિ સાબિત થયા સંસ્થાનો જબરો વિકાસ  થયો રોગીકલ્યાણ  માટે શાસ્ત્રીયઔષધીઓ નિર્માણની જરૂરિયાત  વર્તાઈ  તો પુજ્ય બાપાલાલે   આસ્ફા - આત્માનંદ સરસ્વતી ફાર્મસીનો પાયો નાંખી ને ખૂબ  જતનથી એનો વિકાસ  કર્યો.
    સુરત આયુર્વેદ વિદ્યાલયના આચાર્ય પદે 1-7-46  થી 31-10-65  સુધી રહ્યા  તથા  આયુર્વેદ ચિકિત્સકોની અને આયુર્વેદચિકિત્સાની સમસ્યાઓ નિવારવા भिषग् भारती સામાયીકનું 10 વર્ષ  સંપાદન  કર્યુ.
    નિવૃત્તિ  કોને કહેવાય  અને કયારે લેવાય  એ આ વૈદ્યને સ્વપ્ને ખ્યાલ માં જ નહોતુ.

કૉલેજ  થી નિવૃત થયા બાદ
1, આદર્શ સોસાયટી - સુરત  ને નિવાસ સ્થાન બનાવીને આયુર્વેદ પ્રચાર-પ્રસારની પ્રવૃત્તિ  ધમધમાવી જેમાં પ્રાઇવેટ આયુર્વેદ પ્રેક્ટિસ ની સાથે  આયુર્વેદ સાહિત્યનું સર્જન  કરી આયુર્વેદ અને વનસ્પતિ પ્રેમીઓનું સતત માર્ગદર્શન કર્યુ .

વનસ્પતિઓના સાક્ષાત પરિચય માટે
 अखिल भारतीय वनौषधी मंडल
 ની સ્થાપના કરી સંપૂર્ણ  સંચાલન  કર્યુ.

2500 પાના નો ગ્રંથ
"ચરક નો સ્વાધ્યાય "
પ્રાચ્ય વિદ્યામંદિર, વડોદરા થી પ્રકાશિત  થયો .
આવડા મોટા ગ્રંથ  ના એક પણ પેજ પર લેખક ની સિધ્ધિ નો પરિચય આપતો એક પણ  પેરેગ્રાફ નથી.
આને કહેવાય  નિસ્વાર્થ સમર્પિત  સેવા આ ગ્રંથ ની મહાનતા વાંચ્યા પછી ખ્યાલ માં આવે.એક જ વાક્ય માં કહુ તો , આદરણીયશ્રી કે.કા.શાસ્ત્રીજી  જે ગ્રંથના પ્રત્યેક શબ્દની કક્કાવારી પ્રમાણેની  સુચી બનાવી દે, એ ગ્રંથ કેટલો રસપ્રદ હશે.

૫ જાન્યુઆરી ૧૯૬૪ ના દિવસે સુરત આયુર્વેદ મહાવિદ્યાલય ખાતે વૈદ્ય શ્રી બાપાલાલ નો ષષ્ટિપૂર્તિ સમારંભ યોજાયેલ.

જેમાં મહારાષ્ટ્ર રાજ્યના આરોગ્યપ્રધાન શાંતિલાલ શાહના વરદ હસ્તે બાપાલાલ ને રૂપિયા ૬૦ હજારની રોકડ રકમ આપી ને અભિવાદન કરેલ
  આ પ્રસંગે બાપાજી  એ કહ્યું, આ માન મને નથી આપવામાં આવતું,  પણ જે આયુર્વેદની હું સેવા કરી રહ્યો છું તેને આપવામાં આવી રહ્યું છે. વ્યક્તિના જીવનમાં આવા પ્રસંગો ભાગ્યે જ આવે છે અને જ્યારે તે આવે છે ત્યારે તે વ્યક્તિને ધન્યભાગ્ય બનાવી જાય છે આવો આ એક મારા જીવનનો અતિશય ધન્ય પ્રસંગ છે; હું વધારે બોલી શકું એમ નથી તે આપ સૌ સમજી શકશો કવિવર ટાગોરનું પ્રસિદ્ધ સોનારતરી કાવ્ય યાદ કરતા જણાવ્યું કે,માણસની કોઈ કિંમત નથી તેની મારફતે જે સારુ કે ખરાબ થઈ રહ્યું હોય તેનું જ ઈશ્વરને ત્યાં મૂલ્યાકન થાય છે. વ્યક્તિ તો કેવળ નિમિત્ત માત્ર છે માણસે પોતાના જીવનમાં ખેતી કરવી જોઈએ જીવનની જમીનને સારી રીતે ખેડી-ખાતરીને અંદર સુંદર બીજ રોપાવા જોઈએ અને જે મોલ આવે તે તેણે સમાજને પાછો આપવો જોઈએ.

જે પુષ્પનાં દલ ખોલીને,
              રજસ્થુલને રસમય કરે,
અધિકારી એ મધુમક્ષિકા,
               એ ફૂલ તણી પહેલી ઠરે,
તુજ  સાથ  જીવતાં હે સખી !
               જે શુભ કાંઈ લાધિયું,
જીવન સુખી રે,
        તુજ વિના તે જાય કોને અર્પિયું ?
અંતે મારી સંસ્થાને કારણે મને યશ મળે છે તે હું પ્રત્યાર્પણ કરીને ધન્ય થાઉં છું.
  એમ કહેતાએ ₹.60,000 ની રોકડ રકમ ભરેલ થેલી ને સંસ્થાના પ્રમુખશ્રી પોપાવાળાને સસ્નેહ  પરત કરી. એ સમયે સાઇઠહજાર માં ₹.63.25 ના સંગ્રામ લેખે 948 ગ્રામ ગૉલ્ડ ખરીદી શકાતું જેની આજના સમય માં કિંમત આંકીએ  તો  બાપાજી સાથે એમના બતાવેલ વિદ્યાર્થીઓ પ્રત્યે અહોભાવ થઇ આવે. આયુર્વેદ જગતની આ મહાન વિભૂતિ એ સને 1983 ની દસમી ડિસેમ્બરે વિદાય લીધી
પ્રભુકૃપા એ પ્રાપ્ત શરીર  નો છેલ્લા સમય સુધી જનહિતાર્થે ઉપયોગ  કર્યો.  મૃત્યુ ના ત્રણ  દિવસ પહેલા બાપાલાલે અમેરીકા ની ભુમી પર વનોષધીના પરિચય  અને એનુ જ્ઞાન આપવા અર્થે ફરતા રહ્યા  87 વર્ષ નું શરીર  કાતિલ ઠંડી સામે ઝુકયુ માત્ર  ત્રણ  દિવસ  ની અસ્વસ્થતા બાદ  દિવ્ય આત્મા પુનઃ અંતરીક્ષ માં પાછો ફર્યો.

એમના પત્ની નું નામ જડાવબહેન હતું, સંતાનમાં એક પુત્ર પ્રફુલ્લચંદ્ર તથા પુત્રી કુસુમબેન હતાં પ્રફુલ્લભાઇ એ BAMS કરેલ અને ઘણાં આહારશાસ્ત્ર ને સંબંધિત કેટલાક પુસ્તકો લખ્યા અને બાગપ્રકાશન નામે પ્રકાશિત કરેલ. એમના પુત્ર એટલે કે બાપાજી ના પૌત્ર આનંદભાઇ હાલ સુરત માં નિવાસ કરે છે. 

ઇન્દિરા એકાદશીમાં કાળિયાકંદનું માહાત્મ્ય.



       ભાદરવા વદ અગિયારસ ને इन्दिरा एकादशी કહેવાઇ છે.
इन्दिरा એટલે સૂર્ય સમાન કાંતી આપનાર... શ્રીલક્ષ્મી નું એક નામ ઇંદિરા છે. આ અગિયારસ સાથે જોડાયેલ પૌરાણીક કથા માં, નારદ મુનિના કહેવાથી; માહિષ્મતી નગરીના રાજા ઇંદ્રસેને આ અગિયારસ નું વ્રત કરી શ્રાદ્ધ તર્પણ કર્મ કરી કરાવીને પિતૃઓની મુક્તિ કરાવી  હતી.

ૠતુચર્યા પ્રમાણે સ્વાસ્થયસંરક્ષણ અર્થે આ એકાદશી સાથે કાળિયાકંદ નું માહત્મ્ય જોડાયેલ છે. ગુજરાત માં કાળિયોકંદ આઝાદી ના સમય ની આસપાસ  લોકજીવનમાં ખ્યાતિપ્રાપ્ત હતો.

કાળિયોકંદ જેનું વૈજ્ઞાનિક નામ
Dioscorea Hispida  છે જેને
Intoxicating Yam  તરીકે પણ ઓળખાવે છે.
intoxication meaning
a strong feeling of excitement or happiness:
એટલે કે, આલ્કોહોલ જેવાં કેફી પીણાં બાદ જેવી અસર થાય છે એવી અસર આ કંદ ના સેવન બાદ થઇ શકે છે.
    ગુજરાત ની પ્રથમ વિધાનસભા માં આરોગ્યમંત્રી શ્રી મોહનલાલ પી. વ્યાસ હતાં... એમને શુદ્ધ આયુર્વેદ માટે સમગ્ર પ્રયાસો પણ આદર્યા હતાં. 1960 - 1965 સુધી માં શ્રી મોહનલાલ વ્યાસ ના આરોગ્યમંત્રી તરીકે ના પ્રયાસો આયુર્વેદ ના સમગ્ર પ્રચાર-પ્રસાર ના રહેલ હતાં  જામનગર ખાતે આયુર્વેદ યુનિવર્સિટી ની સ્થાપના માં સરકારી સરળતા કરવવા માં
એમનો બહુ મોટો ફાળો છે.
અમદાવાદ ની અખંડ આનંદ અને વડોદરા પાણીગેટની આયુર્વેદિક કોલેજ માં  આયુર્વેદિક નર્સીંગ નો કોર્સ ચાલુ કરાવેલ..
1963 માં કેન્દ્ર માં એમના નેતૃત્વ હેઠળ, "વ્યાસ કમીટી" ની ભલામણ થી શુદ્ધ આયુર્વેદ નો અભ્યાસક્રમ એમની અધ્યક્ષતા માં નક્કી કરાયેલ હતો કહેવાય છે કે, રાજ્ય સરકાર નાં આરોગ્ય મંત્રી શ્રી મોહનલાલ વ્યાસે કોઈ “કાળીયો કંદ”નો આવિષ્કાર કર્યો હતો જે ગરીબો ના ભૂખમરા નો એક ઉપાય હતો.
આ કાળીયો કંદ જે તે વખતે ખૂબ પ્રસિધ્ધ રહ્યો હશે.

 નેતાઓના મિથ્યા વચનો પર ની વ્યંગ કાવ્યકૃતિ માં એને આવરી લેવાયો છે..

નીચે આપેલ વ્યંગ કાવ્ય કૃતિ આઝાદી ના 60 મા વર્ષે લખાયેલ છે... એટલે  લગભગ 2007 માં લખાયેલ છે જે કાળિયાકંદ નું  લોકજીવન માં કેટલું માહત્મ્ય છે એ દર્શાવે છે...

સુડતાલીસ પછી,ખેડેલા ખેતરમાં
આ ઉગ્યાં વચનો,સાઠ વરસ લગ
ખોદી-ખોદી કાઢ્યાં વચનો.
વચનો મબલક ફાલે ફાલ્યાં રે,
વચનો ખોબે ખોબે ઝીલ્યાં રે,
વચનો મલયાનીલ પવનોમાં ઉગ્યાં,
વચનો વર્ષામાં ભીંજીને ફુગ્યાં;
વચનો બારે મહીનો પુગ્યાં.
વચનો અમને રે-
વચનો તમને રે,
વચનો સૌને હેતે મળીયાં
વચનો ઝીલી ઝીલીને તો આવ્યાં પળીયાં.
વચનો સુદામાને તાંદુલ,
એને કરોડ કનૈયા
ખોબા ભરી ભરીને વહેંચે;
સુદામો અકરાંતીયો ખાય.
વચનો મારાં કાળિયોકંદ;
એ તો પાંચ વરહ લગ ચાલે.
વચનો કૃષ્ણાનું અક્ષયપાત્ર.
વચનો લીલી લીંબડી રે
લીલો નાગરવેલનો છોડ;
વચનો કન્યાની માતાને માથે મોડ !
હે રણછોડ ! જે રણછોડ !
અમને આ ‘રણમાંથી છોડ.
વચનો લીલાં રે
વચનો પીળાં રે
વચનો શીળાં રે
વચનો તડકો રે–
વચનોના તડકામાં ડોસી
પેટતણા ખાડામાં ઘુંટણ ખોસી
વાહ રે સાંઈઠ વરસથી બેઠી બેઠી
‘પરસેવા’થી ન્હાય.
ડોસી ગાંડી થઈને ગાય
એને નથી કશી રે લ્હાય
એને ભાન નથી રે ક્યાંય
કે વચનો
કે વચનો એના રોમ રોમથી
ફુટી ફુટી નીકળ્યાં !

વચનો મારાં પરદેશી પાંદડું રે
એ તો ઉડી ઉડીને ચાલ્યું જાય,
આવશે પાંચ વરસ ટાણે હોંશથી હો….જી !
વચનો મારાં નસીબ આડેનું પાંદડું
એ તો ક્યારે ખસી ખસી જાય;
આવોને મારા પીર,
મારો આ હેલ્લો સાંભળોને….જી.

વચનો ખાદીનાં
વચનો દાગીના
વચનો ધોળી ટોપી પહેરે
વચનો ક્યારેક કપડાં પણ પહેરે.
વચનો ધોળાં
વચનો ટીનોપોલથી ન્હાય
વચનો મોંઘેરી મોટરમાં ફરવા જાય
વચનો બોલકણાં
વચનો ભુલકણાં
વચનો ટેક્સ ભરવાનુંય ભુલી જાય
વચનો તોય બહુ વખણાય.
વચનો ફેશન રે,
વચનો રોજ તણું ‘લેશન’ રે.

વચનો લખનારો લહીયો રહે
વચનો પઢતાં પંડીત થવાય.
વર્ષોથી ચાલ્યા આવતા જુગારમાં
હારી ગયેલા પાંડવોનાં ધરમપતનીની
ખેંચાતી રહેતી આબરુ આડે
કોઈ ને કોઈ ધોળાઓ
નવસો નવ્વાણુથીય વધુ–
અગણીત જ–
વચનો વીંટી દે…

ક્યારેક તો
વચનોના શસ્ત્રોથી
વચનો ઝઘડે.
વચનો મરી મરીને પાછાં જીવતાં થાય,
તગડાં થાય.
વચનો અજરામર રે…

વચનોને ગાદીતકીયા ગમે,
વચનો ખુરશીટેબલ પર જમે-
ખુરશી પર શીખર મંત્રણા થાય,
ચર્ચા થોકે થોકે થાય;
એનું છાપે બધું છપાય,
એની પસ્તી બહુ વખણાય !
ડોસીનું દળ્યું દળ્યું તે ઢાંકણીમાં ઉભરાય.

વચનો સૌને પાણી પાય,
વચનો સૌનું પાણી ભરે,
કહેશે, “તમને દેખીને હું તો મોહવશ, પાતળીયા મારા !”
વચનો શોક્ય બનીને રહેશે,
વચનો નીત્ય નવું કૈં કહેશે
વચનો એક દીવસ તો ધરમપત્નીને ઘરમાંથી ધક્કો દેશે.
વચનો ગાડીનો ધક્કો
વચનો ગાડીનો ડબ્બો
વચનો એંજીન ગાડીનું-ધક્કો મારીને
ચાલતી ગાડીએ ચડી જશે એકલાં હો..જી..
ડોસી સ્ટેશન પર રહી જશે એકલાં-ધુમાડો નીરખતાં રે…જી

કાળીયો કંદ ની વેલના પ્રકાંડમાં  કાંટા જેવી રચના હોય છે, પાંદડા ત્રણ-ત્રણની જોડી માં હોય છે. અને ભાલાકાર  લાંબા દેખાય છે... વેલ ની ફુટ પછી પાંચેક વર્ષ  બાદ  જમીન ની અંદર કંદ તૈયાર  થાય છે. કંદ કાળો દેખાય છે કાપતા કે બાફી ને કાપતાં પીળા રંગ નો ગર દેખાય છે કંદ પર ના રેષા સ્થૂળ હોય છે.

આ કંદ ઘણો પૌષ્ટીક હોય છે ખોરાક ના મુખ્ય ત્રણ ઘટકો કાર્બ. પ્રોટીન અને ફેટ નું ઉત્તમ સંયોજન છે. તાસીર માં ઠંડો છે. ઉપર જણાવ્યું એમ  મન પર પણ થોડીક માદક અસર કરે છે એટલે વેદનાહર પણ છે. ભાદરવા ના તાપ થી મન ને અને પિત્તના પ્રકોપ થી શરીર ને આ કંદ ઘણો રાહત અપાવે છે.

બુધવાર, 24 ઑક્ટોબર, 2018

કાગડો અને શ્રાદ્ધ


શ્રાધ્ધપક્ષમાં સોશિયલ મીડિયાના માધ્યમથી  કાગડા-વિષયક પોસ્ટોની કાગારોળ થાય છે.
     કાગડો એ માનવના સમાજજીવનનો અવિસ્મરણીય અને મહત્વનો હિસ્સો બની ગયેલ છે.
    તો, આવો જાણીએ કાગડાને સંબંધીત કેટલાંક રોચક તથ્યો...
     જયારે બાળક સાંભળીને સમજવાની શરૂઆત કરે ત્યારે સૌ પ્રથમ કાગડાની ચતુરાઇની વાર્તાઓથી એના જીવનમાં કાગડો પ્રવેશે છે. પાણીનો કૂંજો અને તરસ્યોકાગડો, શિયાળ અને કાગડાની વાર્તા કોણે સાંભળી કે સંભાળાવી નહી હોય ? પછી એ મોટો થાય એટલે એનાં રાખવા માં કાગડો આવે, કાગ ને બેસવું ને ડાળ ને પડવું, બધે કાગડા કાળાં જ હોય, આજ કાગડો બોલે મે'માન કોણ આવશે કાલા કૌઆ કાટ ખાયેગા સચ્ચી બોલ..!!! વાર્તાઓ દ્વારા નીતીશાસ્ત્ર નું શ્રેષ્ઠ જ્ઞાન અને વ્યહવારીક મહત્વ સમજાવતાં પંચતંત્રનું ત્રીજુંતંત્ર  काकोलूकीय तंत्र  માં કહે છે य उपेक्षेत शत्रु स्वं प्रसरस्तं यदृच्छया । रोग च आलस्यसंयुक्तः स शनैः तेन हन्यते॥ (श्लोक-2) આ તંત્ર માં કાગડા અને ઘુવડો વચ્ચેનાં યુદ્ધવ્યુહ માટે સંધિનું મહત્વ દર્શાવતી  કેટલીક બોધ કથાઓ સમાવિષ્ટ છે.
     સંસ્કૃતમાં કાગડાને काक તથા वायस કહેવાય છે. વાયસ શબ્દ કાગડાઓનાં સમુહ કે સર્વનામ તરીકે છે.
BAMSના પ્રથમવર્ષમાં રચનાશારીરમાં અસ્થિસંધીનો એકપ્રકાર " वायसतुंडी " થી કાગડા એ મારા જીજ્ઞાસા-જગત માં પ્રવેશ કર્યો,પછી બીજાવર્ષના દ્રવ્ય-ગુણ-શાસ્ત્રમાં તો કાગડા નું જાણે કે, સામ્રાજ્ય આવી ગયુ હોય ;
1.काकजाम्बु=જાંબુની એક ખાસ પ્રજાતિ જેમાં નાનાફળ આવેછે. 2.काकणन्तिका=ચણોઠી, 3.काकजंघा= leea macrophylla /કાળી અધેડી, અને જો એટલે કે અપામાર્ગને લોકજીવન માં કાગડાનું દાંતણ કહે છે. 4.काकतिन्दुक=ઝેરકોચલા 5.काकपीलुक=Nuxvomika 6.काकनासा=pentatropis macrophylla,कौआडोडी શીંગરોટી 7.काकमर्दनिका=માલકાંગણી 8.काकमाची=પીલુડી Solanum nigrum 9.काकमुद्गा=જંગલીમગ મૃદંગપર્ણિ 10.काकाण्डकी=જયોતિષ્મતિના ફળ કાગડાના ઇંડા જેવા 11.काकोदुम्बर=જંગલીઉંબરો 12.काकादनी= કંથારો capparis sepiaria 13.काकलक=ચોખાની એકજાત 14.काकण्डोला=canavalia ensiformis 15.काकतिक्ता=peristrophe bicaliculata પ્રાદેશિકભાષામાં પણ, ૧.કાગડાકેરી=વરૂણ, વાયવરણો ૨.કાગડોળીયો=cariospermum helicacabum ૩.કાગડીયો કુંઢેર= Hemidesmus indicus ૪.કાગમેંદી= lycium Europaeum કાગડા જેવી કદરૂપી. આ ઉપરાંત કચ્છમાં કાગસુવા, કાગગીસોડી, કાગછત્ર, કાગજીનિંબુ,  કાગજીબદામ, કાગટંગોધા, કાગકેલા જેવી ઘણી વગડાઉ વનસ્પતિના નામમાં કાગડાનું અધિપત્ય સ્વિકારાયું છે.
વૈદિક-સંહિતાકાળથી કાગડો લોકો સાથે ઘણો સંકળાયેલો છે, એથીતો આટલી બધી વનસ્પતિઓની ઓળખમાં એનાં નામનો ઉલ્લેખ કરાયો છે. ત્રીજા અને અંતિમવર્ષમાં સ્ત્રીરોગના વિષયમાં પુનઃ काकवंध्या શબ્દથી કાગડો  હાજરી પુરવાનો ભૂલ્યો નહી.
     સંસ્કૃતમાં का-પૃથ્વી માટે વપરાય છે તથા क-એ નામ કે વિશેષણને લાગતો તદ્વિત-પ્રત્યય છે, જે અલ્પતા કે વ્હાલ દર્શક છે,આમ "काक" શબ્દ કાગડાનો ગુણદર્શક શબ્દ બન્યો છે, કહેવાય છે કે, કોયલ એ કાગડાના માળામાં પોતાના ઇડાં મૂકે છે ; વનેચર એટલે કે  શ્રી હરિનારાયણભાઇ આચાર્યના પર્યાવરણ પ્રેમીઓ તથા પક્ષીવિદોમાં લબ્ધપ્રતિષ્ઠ  "પ્રકૃતિ"  મેગેઝિનમાં એક ઉલ્લેખ છે કે, "કાગડો ચાંચમાં એક લીલું ફળ જેવું દેખાતુ કોઇ પદાર્થ લઇને સાવચેતીથી માટીના કુંડામાં મુકી જાય છે, બાદમાં આચાર્યજીએ તપાસ કરીતો એ કોયલનું ઇંડુ હતું અને વજનમાં ભારે હોઇ થોડા દિવસમાં ફુટીને બચ્ચું બહાર આવે એવુ લાગતું હતુ." શ્રી વનેચરે  કાગડાના જીવનવિશે  આંખે જોયેલ અને એના વિશેની  માન્યતાઓને તટસ્થ સંશોધન કરેલ છે આ તથ્યોને પ્રકૃતિ તથા કુમાર માં લખેલ પણ છે એ મુજબ, કાક-દંપતિ નિસ્વાર્થભાવે કોયલના ઇંડા સેવે છે એટલુ જ નહિ પણ કાગડાનાં બચ્ચાં માંસભક્ષી છે, જયારે કોયલના શુદ્ધ શાકાહારી..!! એટલે કાકદંપતી પાકાં ફળ શોધીને  પણ કોયલના બચ્ચાંઓને મોટાં કરી આપે છે.
     કરૂણા-સહાનુભૂતિ એ પૃથ્વીનો ગુણ છે એટલે જ સ્તો, આ રહસ્યમય પક્ષીને काक નામ અપાયું હશે.
     માનવ સમાજમાં બાળકોને પ્રેમાળ માવજત સાથેનું સંરક્ષણ તેમજ બુદ્ધિ-ચાતુર્યના પહેલા પાઠ જે વ્યક્તિઓ પાસેથી કુટુંબમાં મળે એને ગુજરાતીમાં કાકા-કાકી કહે છે, સંસ્કૃત શબ્દકોશમાં काकी=કાગડી  લખેલ છે.એક કાગડો મૃત્યું પામે તો, અન્ય કાગડાઓ એની આસપાસ ફરતાં કાગારોળ મચાવે છે અને આખો દિવસ ભોજન પણ ગ્રહણ કરતાં નથી ! પ્રેમ-કરૂણા સિવાય આવો ભાવ પ્રગટે નહી.
     કાગડાની એક ટેવ એવી હોય છે કે,  એ ફકત માથું જ પાણીમાં પલાળે અને આ જોઇને માનવજાત  સમજે છે કે કાગડો સ્નાનાર્થે કંજૂસ છે, અપવિત્ર રહે છે शौच-શુદ્ધિનો આગ્રહી નથી એટલે પણ આ ગુણને લઈને काक કહી દિધો છે.
     કાગડો અન્ય પક્ષીઓની સરખામણીએ વધુ તર્કશીલતા અને ચાતુર્ય ધરાવે છે, 2007માં કાગડાના આ ગુણો પર એક અધ્યયન પણ અમેરિકન વૈજ્ઞાનિકોએ કરેલ, જેમાં કાગડો 1થી6 સુધીના અંકોની ઓળખ તથા દિશા અને સ્થળ શોધવામાં માહેર છે તેમજ વ્યક્તિનો તિરસ્કાર, ઘૃણા, પ્રેમ, હુમલો કરવાનો ભાવ વિગેરે પણ આ પક્ષી  જાણી લેવાની ખૂબી ધરાવે છે એમ સાબિત થયું હતું.


    કાગડાની ક્રિયાઓ અને એનાં સ્વભાવના સતત નિરીક્ષણ પરથી એની બોલીના અનુસંધાને પ્રાચિનકાળ માં શુકનશાસ્ત્ર અંતર્ગત ભવિષ્યવાણી માટે "काकतंत्र"  રચવામાં આવેલ, જેને ગુજરાતીમાં "કાગરાશી" કહે છે તથા એના જાણકાર પંડિતને "કાગરાશીયો" કહેવાય છે. કાગડા સામાન્યતઃ લીમડાના વૃક્ષની ઊંચીડાળીએ માળો કરે છે, માળો બાંધેલ ડાળી કેટલી ઊંચાઇ છે ? એ પરથી વર્ષમાં વરસાદ કેવો રહેશે એની ભવિષ્યવાણી પ્રાચીન સમયમાં કરાતી હતી.
    હિંદુસ્તાનમાં કાગડાની વિશ્વભરમાં ફેલાયેલી ૪૫ પ્રજાતીઓ પૈકી corvus macrorhynchos=હિમાલય  અને કાશીનાં ક્ષેત્રમાં જોવા મળતા જંગલનિવાસી કદમાં નાના અને સંપૂર્ણ શરીરે કાળારંગના કાગડાં  તથા corvus splendens=આપણા ઘરઆંગણે આવતો ગ્રે-કલરની ગરદનવાળો કાગડો, એમ બેપ્રજાતિ જોવામળે છે.
આપણા ઘરઆંગણે આવતો ભારતીય કાગડો વિશ્વની બધી corvusની પ્રજાતિઓમાં સૌથી સુંદર દેખાય છે એકાદ મીનીટ ધ્યાનથી એને નિરખો તો મોર-પોપટ કરતાં પણ વધુ સૌદર્ય એમાં દેખાશે, કાળાકલરમાં પણ રંગીન શેડસ જોવા મળશે. બુદ્વિ-ચાતુર્ય સાથે સૌદર્ય ધરાવતી એક માત્ર પક્ષીની પ્રજાતી એટલે ઘરઆંગણે આવતો કાગડો જેને crow કહે છે અને રાજાના શિર-તાજ ને crown કહેવાય છે..!!!
    કાગડા વિશે પુરાણોમાં ઘણી વાર્તાઓ મળે છે. તુલસીદાસેતો "काकभुंशडी" નામે એક વિશેષપાત્રના મુખે ગરૂડજીને રામકથા સંભળાવી છે, આ પણ ચિંતન કરવા જેવુ છે. રામ-રાવણના યુદ્ધમાં નાગપાશમાંથી મુક્ત કરવા દેવો એ ગરૂડજીને વિનંતી કરી છે પણ ગરૂડજી એ માનવા તૈયાર નથી થતાં કે, "સ્વયં ભગવાનશ્રીરામ નાગપાશમાં કેવી રીતે બંધાઇ  શકે ? હવે કાગડા જેવું ચાતુર્ય હોય તો, જ ગરૂડ જેવા લબ્ધપ્રતિષ્ઠિત સમર્થને  ગળે વાત ઉતારી શકાય માટે આ રૂપક તુલસીદાસે રચ્યું હશે.ભાગવતની શ્રીકૃષ્ણની લીલા માં કાક-અસૂરનું પણ વર્ણન સમાવિષ્ટ છે.કાગડાએ અમૃત ચાખ્યું, એટલે સોવર્ષનું આયુષ્ય ધરાવે છે અને એનું મૃત્યુ આકસ્મિક કારણોથી થાય પણ કાલમૃત્યું થતુ નથી એવું મિથક છે. જો કે, પશ્ચિમીજગતના પક્ષિવિદો,  કાગડાનો લાઈફ સ્પાન ઓછામાં ઓછો 7વર્ષ,  વધુમાં વધુ 30વર્ષ અને સરેરાશ વયકાળ 20વર્ષનો શોધ્યો છે. કાગડાં પણ સામાન્ય પક્ષીની જેમ જ સંભોગ કરે છે અને જુન-જુલાઇ માં 3થી5 ઇંડા મુકે છે, જેમાંથી 17થી19 દિવસે બચ્ચું બહાર આવી જાય અને 20- 22 દિવસે ઉડવા યોગ્ય થઈ જાય છે.જો કે આ પક્ષીના દિવ્ય મૈથુનક્રિયાના ઘણા મિથક પ્રચલિત છે પણ શ્રી વનેચરના સ્વનિરીક્ષણ આધારીત સંશોધન માં એ બધા મિથ્યા સાબિત થયેલ છે. काकवंध्या શબ્દ  કાગડીને જેમ સમગ્ર જીવનકાળમાં ફકત એકવાર સંતાનઉત્પતી કરનાર સ્ત્રીમાટે વપરાય છે, હવે કાકદંપતિ એક જ વારમાં સમર્થ બચ્ચાઓને જન્મ આપીને કર્તવ્ય પુરૂ કરી દે છે પછી પુનઃ પુનઃ અનેક પ્રસવ કરવાની જરૂરિયાત પણ શું રહે ? સર્વગુણ સંપન્ન  એક જ સંતાનથી દંપતિને આનંદ સાથે સંતોષ મળી જાય, તો પછી અન્ય વધુ બાળકો પેદા કરવાનીએ દંપતીને જરૂરીયાત જણાતી નથી.
    કાગડાં એ કુદરતના સફાઈ કામદારો પૈકી એક છે પણ એ અન્ય સફાઈ કામદાર-પક્ષીઓ ગીધ વિગેરે  કરતાં કદમાં નાનાં દેખાય છે એટલે પણ એને काक કહેવાયો હશે. કાગડાં સડતા, કોહવાતા દરેક ખાદ્યપદાર્થનું ભક્ષણ કરે છે, ગાય-ભેંસ જેવા પ્રાણીઓનાં નાક અને દાંત તથા જીવંત શરીરના સડતા ઘાવની સફાઈ પણ કરૂણાથી કાગડાં કરી આપતાં દ્રશ્યમાન થાય છે.
    કાગડો બુદ્ધધર્મી લાગે છે. સ્થિતપ્રજ્ઞ અને मझीमनिकायમાં માનનાર ઉપરાંત અનુસરનાર, તથા કરૂણા અને નિસ્વાર્થભાવે મદદ કરવાનો સ્વભાવયુકત..!!! કાકદંપતી  જીવનમાં એકવાર જ બચ્ચાં જન્માવે છે પણ એકબીજાનો જીવનભર સાથ નિભાવે છે, કેટલુ વફાદાર અને પ્રેમાળ દામ્પત્ય !!!
    ન્યાયનાદેવ શનિમહારાજના વાહન તરીકે પણ કાગડાને સ્થાન પ્રાપ્ત છે, વળી યમલોક-પિતૃલોકમાં પોસ્ટમેન તરીકે પણ એની ખ્યાતિ છે, વળી પુરાણોમાં ઉલ્લેખ છે કે, વ્યક્તિના મૃત્યું બાદ પ્રથમયોની કાગડાની મળે છે ! માનવ જેવા બુદ્ધિશાળી અને તર્કપ્રધાન સામાજીકજીવને પક્ષી તરીકે કાગડોની યોની માં જ જન્માવો પડે ને !  આ પૌરાણીક કથાનકો આધારીત ભાદરવાના શ્રાધ્ધપક્ષમાં કાગવાસ નંખાય છે. પિતૃઓ પ્રત્યેનો પ્રેમ અને કૃતજ્ઞતા પ્રગટ  કરવા માટે સંદેશાવાહક  કાગડા જેવું ચતુર અને કરૂણાં-સભરપ્રેમાળ પક્ષી બીજુ કયું મળી શકે ? જો કે સનાતનધર્મમાં તો આ સમાજોપયોગી પક્ષી ને રોજ वायसबली આપવાનો નિયમ છે.
    કાગડાં નાનીમાછલીઓ, દેડકાઓ, મૃતપ્રાણીપક્ષીઓ, સડેલાઇંડા વિગેરે ખાયને સૃષ્ટિને સ્વચ્છ રાખે છે. નદીકિનારે કે જંગલમાં ઉગેલા ઉંબરાના પાકાફળ ખાય છે પણ કયારેય પીપળાંના ફળ ખાતાં જોહવામાં આવતાં નથી, હમણાંથી શ્રાદ્ધ-કાગડાં અને પીપળાને જોડતી પોસ્ટસ સોશિયલમિડિયાપર ભરપુર જોવામળે છે.
પીપળાને કટકાકલમથી પણ વાવી શકાય છે, રાજકોટના પીપળાપ્રેમીઓએ આ પ્રયોગથી હજારોપીપળાં વાવ્યા છે. મોટાભાગે કુવા કે દિવાલમાં ઉગતા પીપળાં, કાગડાઓની નહી પણ કબૂતરોની હગારનું પરીણામ હોય છે.
    કાગડાઓનું માંસ ખાવાથી અમર થવાય કે બુદ્ધિશાળી થવાય એવું એક મિથક રાજાવિક્રમના સબંધમાં   છે, આયુર્વેદશાસ્ત્રમાં કાગડાનું માસ तिक्त એટલે કડવુ કહ્યું છે અને એ વિરૂદ્ધઆહારની કેટેગરીમાં આવે છે ઉપરાંત ખાદ્યની દ્રષ્ટીએ અભક્ષ્ય કહ્યું છે. કાગડા ના પ્રજનનની વિશેષતા અને લોકજીવનમાં એની ઉપયોગીતાને લઈને પૂર્વના ૠષિઓએ કાગડાંની પ્રજાતિને સંરક્ષણ આપવા કેટલાંક તથ્યો અને નિયમો


રજુ કર્યા હશે જે કાળક્રમે અપૂરતાં સ્વનિરીક્ષણ અને અતિશયોક્તિપૂર્ણ મિથ્યા શ્રુતવચનોને કારણે મિથકોમાં પરીણમ્યાં એવું લાગે છે.
    અતિબુદ્ધિચાતુર્ય ધરાવતી પણ નિસ્વાર્થભાવે લોકકલ્યાણ માટે પ્રયત્નશીલ માનવજાતીને "काक"  વિશેષણ અપાયું છે,  ચારણકુળની આઠ જાતી પૈકી એક જાતી "કાગ" છે. જેમાં ગુજરાતનું ગૌરવ, પદ્મશ્રી દુલા ભાયા કાગની,  "કાગવાણી"  એ એનો સાહિત્યક સમર્થ પુરાવો છે.
     કાગડાંના મિથકોમાં કાગડા જેટલું  બુદ્ધિચાતુર્યનો ઉપયોગ  કરીને યથાર્થ સમજીએ એ ઉદેશ્ય સાથે

 સંકલન અને રજૂઆત : ભાવેશ આર. મોઢ - કચ્છ.

મંગળવાર, 23 ઑક્ટોબર, 2018

મહાલય શ્રાદ્ધપક્ષ


     ભાદરવામાસનાં કૃષ્ણપક્ષને  महालय श्राद्धपक्ष કહેવાય છે.
श्रद्धा अस्ति अस्य इति  श्राद्धम् અથવા श्रद्धया क्रियते तत्
श्राद्धं । દંતાલીના સ્વામીશ્રી સચ્ચીદાનંદજી કહે છે, "એકલી કોરી બુદ્ધિ લાંબું જીવતી નથી, કદાચ મરે નહીં તોપણ આથમી જતી હોય છે.જયારે શ્રદ્ધા  આથમી ને પણ ફરીફરીને ઉદય પામતી હોય છે". ભાદરવામહિનામાં કરતાં શ્રાદ્ધકર્મમાં પૂર્ણ શ્રદ્ધા હોવી જરૂરી છે, માત્ર પરંપરાના નામે જે કર્મકાંડ કરવા-કરાવવામાં એનું ખાસ ઉદેશ્ય કે લાભ નથી હોતો અને બધી જ વ્યક્તિઓને પૂર્ણ શ્રાદ્ધાનો ભાવ પણ નથી પ્રગટતો.ઘણાં બહુમુલ્ય શબ્દોનો યથાર્થ કાળક્રમે લુપ્ત થતાં એ શબ્દો ઓછાં અને ઉતરતાં અર્થમાં આજે વપરાય છે, એવું જ "કર્મકાંડ" શબ્દનું પણ થયેલ છે.
   ઉપનિષદ પછીના અને પુરાણોની પહેલાનાં કાલખંડમાં श्रुती-स्मृति ઓની રચના થઇ, જેનો મુખ્ય મૂળ કે આધાર વેદની ૠચાઓ, મંત્રો અને સુક્તો જ છે, અને એના પરથી સમગ્ર સજીવસૃષ્ટિના જીવનની સુખાકારી માટેનાં નિશ્ચિત નિયમો નક્કી કરી અને એનાં પાલન કરવાની સામાજીક ફરજો સમજાવવાનો મુખ્ય ઉદેશ્ય હતો.જેમાં આજે मनुस्मृति ઘણી પ્રચલીત છે. મનુસ્મૃતિમાં શ્રાદ્ધાકર્મનું વ્યવસ્થિત અને વિસ્તૃતવર્ણન જોવા મળે છે. મનુસ્મૃતિમાં લખ્યું છે કે, ઋષિઓથી પિતૃઓ, પિતૃઓથી દેવતા અને દેવતાઓથી સંપૂર્ણ સ્થાવર- જંગમ જગતની ઉત્પત્તિ થઈ છે;
   જે यज्ञोपवित-જનોઇ ધારણ કરે છે તેને द्विज કહેવાય છે. દરેક મનુષ્ય પર  પિતૃૠણ, ૠષિૠણ અને દેવૠણ રહેલ છે, જેનું સતત સ્મરણ રહે અને એ ચુકવવા હંમેશા વ્યક્તિ પ્રયત્નશીલ અને સજાગ રહે તે માટે યજ્ઞોપવિતને ધારણ કરાય છે. "દ્વિજોને માટે દેવકાર્યથી પણ પિતૃકાર્યનું અધીક મહત્વ છે. પિતૃઓને નિમિત્તે માત્ર જલદાન કરવાથી પણ અક્ષર સુખ મળે છે." એવું મનુસ્મૃતિ લખે છે
    ગૃહસ્થ માટે, નિત્યબલીવિશ્વદેવયજ્ઞ, નિત્યશ્રાદ્ધ તથા નિત્યતર્પણ નું વિધાન શ્રુતિ-સ્મૃતીઓ જેવા માનવધર્મનીતીશાસ્ત્રોમાં કરાયેલ છે. જયારે ભાદરવામાસ ના કૃષ્ણપક્ષ માં महालय श्राद्धकर्म નું વિધાન છે. महा + आलय = વિશાળ નિવાસસ્થાન, જેમાં દિવ્યપિતૃતર્પણ કરાય છે,
    ઘરની મુખ્યવ્યક્તિએ મધ્યાહ્નના સમયે (12 થી 1 ના સમયગાળામાં) ઉપયુક્ત સ્થાનમાં, જનોઇને अपसव्य કરી, ડાબો ગોઠણ જમીનપર રહે, એ રીતે દક્ષિણદિશા તરફ મુખરાખીને બેસવું, अर्ध्यपात्र માં કાળા તલ પધરાવી, कुश-दर्भ ને વચ્ચેથી વાળી જમણાહાથની પ્રથમ-તર્જનીઆંગળી તથા અંગૂઠાની વચ્ચે રાખી पितृतीर्थ એટલે કે અંગૂઠાથી બહારની બાજુએ ધાર થાય, એ રીતે નીચેના મંત્ર બોલતાં ત્રણ-ત્રણ અંજલી, શ્રદ્ધાથી ભાવપૂર્વક  આપવાની હોય છે. અર્ધ્ય માં कृष्णतिल નું પ્રયોજન એ છે કે, कृष्ण એટલે આકર્ષણ પેદાં કરનાર, રહસ્યજાણવાની જીજ્ઞાસા પેદા કરનાર પ્રતિક રંગ છે તથા तिल- ને સંસ્કૃત માં  स्नेह નું સર્વનામ  મળેલ છે, "સ્નેહ એટલે આદરસહિતનો નિસ્વાર્થ પ્રેમભાવ" અને આપણાં ઘરનાં વડીલોને આપણી પાસેથી હંમેશા એજ એક માત્ર અપેક્ષા રહે છે. તર્પણમાં શરૂઆતની પ્રથમ ત્રણ અંજલી શ્રાદ્ધકર્મના અધિષ્ઠાત્રી દેવી સ્વધાને અપાય છે.
ॐ कव्यःअनलःतृप्यताम् इदम् स-तिलम् जलम् , तस्मै स्वधा नमः तस्मै स्वधा नमः तस्मै स्वधा नमः ।
પછીથી, પ્રત્યેકને અપાતી ત્રણ-ત્રણ અંજલીમાં પણ "स्वधा" ઉચ્ચારણ કરાય છે. स्वधा=स्व +धा ;
स्व-કુદરતીરીતે પોતીકુપણું દર્શાવવા વપરાતો પૂર્વગ છે, જયારે धा-એકાગ્રતાથી ધારણ કરવું, સ્થાપવું ના અર્થ માં વપરાય છે.બ્રહ્મવૈવર્ત પુરાણના પ્રકૃતિ ખંડમાં લખે છે કે,
स्वधा स्वधा स्वधेत्येवं त्रिसन्ध्यं य: पठेन्नर:। प्रियां विनीतां स लभेत्साध्वीं पुत्रं गुणान्वितम्।।4।।
જે વ્યક્તિ स्वधा, स्वधा, स्वधा આ પવિત્ર નામ ના ત્રિકાળ સંધ્યા ના સમયે પાઠ કરે છે એને વિનયી પતિવ્રતા અને પ્રિય પત્નિ પ્રાપ્ત થાય છે તથા એ દ્વારા સદ્ ગુણ સંપન્ન પુત્રલાભ થાય છે.

पितृणां प्राणतुल्या त्वं द्विजजीवनरूपिणी। श्राद्धाधिष्ठातृदेवी च श्राद्धादीनां फलप्रदा।।5।।
હે, સ્વધા દેવી! આપ પિતૃઓ માટે પ્રાણસમાન છો અને બ્રાહ્મણો માટે જીવનસ્વરૂપી છો આપને શ્રાદ્ધકર્મ  ની
અધિષ્ઠાત્રી દેવી કહેવાયા છે આપની કૃપાથી શ્રાદ્ધ તર્પણ આથી નું ફળ પ્રાપ્ત થાય છે. 

बहिर्गच्छ मन्मनस: पितृणां तुष्टिहेतवे। सम्प्रीतये द्विजातीनां गृहिणां वृद्धिहेतवे।।6।।
આપ પિતૃઓની તૃષ્ટિ, દ્વિજોની પ્રિતિ તથા ગૃહસ્થોની અભિવૃદ્ધિ માટે બ્રહ્માના અતઃકરણમાંથી બહાર આવી પ્રગટ થાવ.

नित्या त्वं नित्यस्वरूपासि गुणरूपासि सुव्रते। आविर्भावस्तिरोभाव: सृष्टौ च प्रलये तव।।7।।
હે સુવ્રતે ! આપ નિત્ય છો, આપનાં ગુણ-રૂપ નિત્યસ્વરૂપ છે.આપ સૃષ્ટિના ઉદ્ભવ સાથે પ્રગટ થાવ છો અને પ્રલયકાળે આપ તિરોહીત થઇ જાવ છો.
આ સ્ત્રોતમાં જ શ્રાદ્ધકર્મ માં स्वधा ના ઉચ્ચારણ નું  પ્રયોજન અને ઉદેશ્ય સમજાઇ જાય છે.

  ચંદ્રલોક કે યમલોકને પિતૃલોક કહેવાય છે. શ્રાદ્ધકર્મના દેવ તરીકે યમ છે તથા મનના દેવ તરીકે સોમ(ચંદ્ર)છે. મનએ શ્રાદ્ધાનું ઉદ્ગમ છે.આથી નીચેના મંત્રો પ્રત્યેકને ત્રણ ત્રણ અંજલી અપાય છે.
                           ॐ सोमः तृप्यताम् इदं स-तिलं तस्मै स्वधा नमः।
                           ॐ यमः तृप्यताम् इदं स-तिलं तस्मै स्वधा नमः।
                     ॐ अर्यमा तृप्यताम्  इदम् स-तिलम् जलम्  तस्मै  स्वधा नमः ।
  ऋ+यत् =अर्यमा= શ્રેષ્ઠ, ઉત્તમ;   બાર પ્રકારના જે આદિત્ય (સૂર્યદેવ) પૈકી પિતૃસંબંધી આદિત્ય અર્યમા છે.
ત્યાર બાદ પિતૃઓને નીચેના મંત્રો થી ત્રણ અંજલી અપાય છે.
               ॐ अग्निष्वात्ताः पितरः तृप्यन्ताम् इदम्  स-तिलम् जलम्  तेभ्यः  स्वधा नमः ।
               ॐ सोमपा: पितरः तृप्यन्ताम् इदम्  स-तिलम् जलम्  तेभ्यः  स्वधा नमः ।
               ॐ बर्हिषदः पितरः तृप्यन्ताम् इदम्  स-तिलम् जलम्  तेभ्यः  स्वधा नमः ।
  શ્રાદ્ધ અને તર્પણને સબંધિત મૂળ  મંત્ર-ૠચાઓ યજુર્વેદ માં જોવા મળે છે. જયારે શ્રાદ્ધકર્મ નું વિસ્તૃત  અને વ્યવસ્થિત ક્રિયાવિધીનું વર્ણન સ્મૃતિઓમાં જોવા મળે છે. રામાયણમાં રાજા દશરથનું પિંડદાન-તર્પણ- શ્રાદ્ધકર્મ સિતાજીએ, આજના બિહાર સ્થિત ગયા જીલ્લામાં આવેલ ફલ્ગુ નદીના કિનારે કરેલ હોવાનું માનવામાં આવે છે. શ્રાદ્ધકર્મ માટે ગયા ક્ષેત્ર ઉત્તમ ગણાય છે. જેની અન્ય એક પૌરાણિક કથા પ્રમાણે અહિંયા શ્રીહરિએ ગયાસૂરને મોક્ષ આપતાં જે વરદાન આપેલ છે એ પણ માનવામાં આવે છે. ગયાક્ષેત્રમાં ફલ્ગુ નદીને કિનારે विष्णुपद મંદિર આવેલ છે જેમાં  શ્રીહરિના જમણાપગનું, 40C.M. માપનું पदचिह्न અંકિત પથ્થરશિલાનું પૂજન-અર્ચન-દર્શન કરાય છે. માતૃશ્રાદ્ધ માટે ઉત્તરગુજરાત માં આવેલ સિદ્ધપુરનું બિંદુ સરોવર ખ્યાતિપ્રાપ્ત છે, અહિંયા સૌપ્રથમ સાંખ્યદર્શનના કર્તા અને માતા દેવહુતિ તથા મહર્ષિ કર્દમના સંતાન એવાં કપિલ મુનિએ પોતાની માતાનું શ્રાદ્ધકર્મ કરેલ. સાંખ્યદર્શન પચ્ચીસ તત્વોયુક્ત પુરૂષ તથા પ્રકૃતિથી જગતની ઉત્પત્તિ થયેલ છે એમ બતાવે છે. મહર્ષિ પરશુરામે પણ એમના માતૃશ્રીનું શ્રાદ્ધકર્મ આ સ્થળે કરેલ હતું એવી પૌરાણીક માન્યતાઓ છે.
  વર્ષાૠતુના પ્રારંભથી દક્ષિણાયન શરૂ થઇ જાય છે એટલે દરેક વ્યક્તિઓને અષાઢ માં આજીવિકાના સાધનોની સુરક્ષા કરવાના કામે લાગવું પડે છે અને શ્રાવણમાં ભારે વરસાદ હોય એટલે આજીવિકા રળવામાં આરામ જેવું વાતાવરણ હોય છે. ભાદરવાના કૃષ્ણપક્ષ સુધીમાં આકાશ मेघ-વાદળ વિનાનું થવા લાગે છે, સૂર્યનો પ્રખર તાપ વરતાય છે એટલે પુનઃ આજીવિકાના પ્રયત્નો શરૂ કરાય છે અને એ પ્રયત્નોમાં સિદ્ધિ અને  સુખાકારી મળે એ હેતું સૌ પ્રથમ ૠષિપંચમી નિમિત્તે ૠષિપૂજન અને ત્યારબાદ પિતૃઓનો રાજીપો મેળવવા શ્રાદ્ધકર્મ દ્વારા તર્પણનું માહાત્મ્ય નિર્ધારીત કરેલ છે અને પછી દરેક કર્મ સુપેરે થાય એ માટે આદ્યશક્તિ ની આરાધના નું પર્વ નવરાત્રીનું મહત્વ રહેલ છે.ઉતરાયણ ને દેવતાઓનો દિવસ  તથા દક્ષિણાયન ને પિતૃઓ નો દિવસ કહેવાય છે, દક્ષિણાયનમાં જગત ના પાલનકર્તા શ્રી હરિને પણ આપણે પોઢાડી દઇએ છીએ, એવાં તો આપણે દક્ષિણાયન માં કર્મયોગી બનીએ છીએ.
   ભાદરવાના કૃષ્ણપક્ષથી શરૂ થતી રોગોની માતા શરદૠતુમાં પિત્તજ વિકારોથી સ્વાસ્થયનું રક્ષણ કરવા ખીર-રોટી,  ખાવા-ખવડાવવાનું  વિધાન છે. માણસ લાગણીપ્રધાન જીવ છે એટલે વર્ષાૠતુના તુરંતબાદ, ગાય-કૂતરાં જેવાં પશુઓ તથા ઘરઆંગણે આવતાં પક્ષીઓને પડતી આહાર-અછતને ધ્યાનમાં રાખી એમનું  પોષણ કરવા શ્રાદ્ધકર્મ સાથે કાગવાસ ને પણ જોડી દીધી છે.
       સંકલન અને રજૂઆત : ભાવેશ આર. મોઢ - કચ્છ

શ્વાસ-દમ ના દરદીઓને શરદપુનમ માં અપાતી ઔષધિય ખીર...

શરદપુનમે જ, મન મોર બનીને થનગનાટ કરે, નવરાત્રમાં તો માઁ આદ્યશક્તિની ભક્તિ સાથે ગરબે ઘુમવાનું છે. થોડી યાચના છે એટલે કંઇક દીનભાવ છે. શરદપુનમે તો પ્રકૃતિ ચારે તરફ સૌંદર્ય છલકાવે છે. એ અસ્તિત્વના આનંદની અનુભતી માનવ મનને રાસ રમવા પ્રેરે છે. અહિં કુદરત માનવને રાજા બનાવે છે એટલે મન કહે છે, બસ વહેંચતા જાવ, છલકાવતાં જાવ. એ આનંદને પ્રતિકાત્મક રીતે દર્શાવવા ચાંદનીમાં રાસ રચાવવો અને પછી દૂધપૌંઆ ખાવા છે ને ખવડાવવા છે.
     આપણી સંસ્કૃતિના મહંદઅંશે તહેવારો અને પરંપરાઓ પૌરાણિકકાળનાં કથાનકો પર આધારીત છે પણ, શરદોત્સવ તો વેદકાલીન છે.વેદોમાં પણ શરદૠતુની મહત્તા સર્વત્ર નજરે પડે છે. આસો એટલે કે,अश्विनमाह  આ મહિનામાં अश्विनीनक्षत्र ઇશાનકોણમાં ઉદય પામે છે. આસોની પુનમે ચંદ્ર, અશ્વિનીનક્ષત્રમાં હોય છે. અશ્વિનીનક્ષત્ર તથા એને સબંધીત મેષ રાશીને જ્યોતિષશાસ્ત્રમાં ગણતરીની દ્રષ્ટિએ પ્રથમ સ્થાન પ્રાપ્ત થયેલ છે.વેદકાલીન સાહિત્યમાં આરોગ્યનાં દેવ અને દેવોનાં પણ વૈદ્ય अश्विनीकुमारौ ને બતાવેલછે સૂર્યના આ બે જોડીયા દિકારાઓને, શરદઋતુ તથા અશ્વિનમાસના દેવ તરીકે માનવામાં આવે છે. પ્રકૃતિના સ્વભાવથી શરદૠતુ એ  "રોગોની માતા" છે, તો આનંદ-ઉત્સવના તહેવારોની ૠતુ પણ છે. આસોની પૂનમમાં ચંદ્ર એની સોળેય કલાઓથી પૂર્ણરૂપે ખીલે છે.
      શરદપૂર્ણિમા નો ચંદ્ર, પૃથ્વીની થોડો વધુ નજીક આવે છે, "આનંદ પ્રગટે તો બે વચ્ચેનું અંતર ઘટે છે."
      શિતલ-શુભ્ર-તેજસ્વી ચાંદની માનવમનને ઉલ્લાસ અને આનંદથી ભરી દે છે, પછી કેમ, મન મોર બની ને, થનગનાટ ના કરે..? કહેવાય છે કે, શ્રીકૃષ્ણે શરદનીપુનમે મહારાસ રચ્યો હતો. શરદમાં બસ આનંદ, જ આનંદ વહેંચાય છે. અરે ! એમ કહો કે આનંદ જ છલકે છે. વસુંધરા નવિન ફળ-ફુલથી લચી પડી છે, જાણે એ પણ પરીપકવ મધુરાં ફળોને વહેંચી જ રહી.હોય છે. નદીઓના જળ પણ નિર્મળ થઈ રહ્યાં છે, ને કહી રહ્યાં છે , લઈ લ્યો આનંદ કરો. પવન પણ પોતાની મોજમાં વહી રહ્યો છે, એ પણ શિતલ સ્પર્શથી આનંદ વહેંચી રહ્યો હોય છે. દિવસે સુરજનો પ્રખર તાપ પણ વર્ષામાં થયેલા ભેજ અને હાનિકારક તત્વોનો નાશ કરીને માનવને સુખ આપવા એનું તેજ વહેંચી રહ્યો  છે. અને પુનમના ચાંદનું તો, પૂછવુ જ શું ?
આમ, શરદમાં ૨૪ કલાક પ્રકૃતિ, પોતાની પાસે રહેલ પાંચેયતત્વોની ઉત્તમોત્તમ સપંદાને, સૃષ્ટિના કલ્યાણ માટે વહેંચી જ રહી હોય છે.
     આયુર્વેદસંહિતાગ્રંથોમાં શરદૠતુનો સમાવેશ "विसर्गकाल" અંતર્ગત કરેલ છે. આ સમયકાળ દરમિયાન  પ્રકૃતિ દ્વારા માનવસહિત સ્થાવર-જંગમ તમામ સજીવસૃષ્ટિના બળ અને ઉત્સાહ વધે છે. પ્રકૃતિ પોતાની પાસે રહેલ સપંદાનો વિસર્ગ એટલે કે વહેંચવાનો આનંદ મેળવે છે. ત્યારે માનવજાત પણ પાછળ શું કામ ને રહે ? એ પણ આનંદ-ઉત્સવો મનાવીને શુભેચ્છાઓ વહેંચીને સુખ માણે છે.
      શરદની પુનમને कोजागरी પૂર્ણિમા કહી છે. માઁ લક્ષ્મીનું "શ્રી" સ્વરૂપ, માનવને સુખ અને સમૃદ્ધિ   આપવા નાદ કરે છે, ...कोःजागृत ? કહેવાય છે ને ,जो सौवत है, वो खोवत है, जो जागत है, वो पावत है ।
જાગૃત વ્યક્તિને असात्मयेन्द्रियार्थ જન્ય દોષ થતો નથી જેથી એ સંતાનને પામતો નથી, ને સંતોષ સાથે સમૃધ્ધ બની આનંદીત રહે છે. પશ્ચિમીજગતના વૈજ્ઞાનિકો એ સંશોધન કરીને જાહેર કર્યુ કે, માનવ-મન ચંદ્રનાપ્રકાશ-ચાંદની પ્રત્યે વધુ આકર્ષીત રહે છે. પુર્ણચંદ્રની ચાંદનીના પ્રભાવથી માનવ મસ્તિષ્કમાં   Serotonin (a monoamine neurotransmitter, and is popularly thought to be a contributor to feelings of well-being and happiness.) જેવા મનઃપ્રસાદક સ્ત્રાવનું સિક્રિએશન પુરતાં પ્રમાણમાં થાય છે. જેથી માનવચિત્ત પ્રસન્નતા ને અનુભવે છે. આધ્યાત્મિક  દ્રષ્ટિકોણથી ચિત્ત માં, સત્વ તથા રજસ્ ગુણની પ્રબળતા વધે છે એટલે પૂર્ણિમાના દિવસે ખુલ્લા આકાશની નીચે ચાંદનીમાં નિંદર કે તંદ્રા આવવી મુશ્કેલ છે. આપણા વિચક્ષણ પૂર્વજોએ આ તથ્યનો લાભ લેવા પૂનમની રાતે ભક્તિ-આરાધના કરવા પ્રભુભજનના આયોજન  ગોઠવ્યા છે. શરદપુર્ણિમાને દિવસે ચંદ્ર સોળેય કલાએ ખીલ્યો હોય, પ્રકૃતિનું સૌદર્ય આહ્લાદક હોય, ત્યારે આવા આલોકીક અમૃત-આનંદનું સુખ છોડી ને, કોણ માનવ નિંદરને માણશે ? એમ છતાંય અમુકના માટે હાકલ જરૂરી છે એ શું કામને રહી જાય, પ્રકૃતિદત્ત આનંદની આ લ્હાણી માંથી ? એટલે શરદપુનમને  "કોજાગરીપૂર્ણિમા" કહેવાઇ છે.
     શરદપુનમે શ્વાસના રોગીઓને ઔષધિયખીર ખાવા પ્રેરણા અપાય છે. આયુર્વેદચિકિત્સાશાસ્ત્રમાં શ્વાસરોગ ના પાંચ પ્રકારો વર્ણવેલ છે, જે પૈકી સૌથી વધું જોવા મળતા શ્વાસ-દમ-હાંફણીના પ્રકારમાં એક तमकश्वास છે. ચરકસંહિતાના ચિકિત્સાસ્થાન,અધ્યાય-૧૭માં તમકશ્વાસની વિશેષ સંપ્રાપ્તિ સહિતનું વર્ણન કરેલ છે, જેમાં લખે છે કે, તમકશ્વાસ કફવાતાત્મક છે, પરંતુ જયારે તમકશ્વાસમાં પિત્તનો અનુબંધ થાય ત્યારે  એને પ્રતમક અથવા સંતમક કહેવાય છે. આ શ્વાસવ્યાધિનો વિશિષ્ટ પ્રકાર ચરકસંહિતામાં જ જોવા મળે છે. પ્રતમકશ્વાસમાં જવર(તાવ) સાથે મુર્ચ્છા આવે છે તથા સામાન્ય રીતે શ્વાસની બિમારીમાં ઉષ્ણઆહાર-ઔષધ પદાર્થ અને ઉપક્રમો યોજાય છે, પણ અહિંયા પિત્તના લક્ષણો હોવાથી શિતપદાર્થ અને શિતલ પરિચર્યાઓ  લાભદાયી રહે છે. સંતમક શ્વાસ, અંધારામાં રહેવાથી વધે છે, દરદીને પણ ઘોર અંધકારમાં પડયો હોય એવુ લાગે છે આવા સમયે શરદપુનમ ની શિતલ તેજસ્વી ચાંદની સંતમકશ્વાસના દરદી ને સુખ આપે છે.
     શરદપુનમના દિવસે શિતલ-તેજસ્વી ચાંદનીમાં પ્રતમક કે સંતમકશ્વાસના રોગીને બેસાડવાથી તથા દૂધની બનાવેલ ઔષધિયખીર ખાવા આપવાથી ફાયદો જણાય છે. જો કે, પ્રયોગ પૂર્વે તમકશ્વાસમાં પિત્તનો અનુબંધ છે કે કેમ ? એ નિશ્ચિત કરી લેવું જરૂરી છે. શરદપુનમે ઔષધિયખીર બનાવવા, ૧.દશમૂળકવાથ સુકો ભૂકો ૧૦૦ગ્રામ, ૨.સુંઠ-૧૦ગ્રામ, ૩.કાળાંમરી-૧૦ગ્રામ, ૪.અરડૂસીનાંપાંદડાની ચટણી આશરે ૨૦ગ્રામ ૫.અર્જુનનીછાલ-૧૦ગ્રામ, ૬.તાલીસપત્રચુર્ણ-૧૦ગ્રામ, ૭.વંશલોચન ખાતરીપૂર્વકનું હોય તો, ૧૦ગ્રામ, ૮.ઇલાયચી-૨૦ગ્રામ, ૯.લીંડીપીપર-૧૦ગ્રામ. આ તમામ વસ્તુઓને સ્ટીલનાં મોટાં વાસણમાં એકત્રકરવી, એમાં આશરે આઠ સ્ટીલનાગ્લાસભરી પાણી મેળવીને મધ્યમ તાપે 30 મીનીટ ઉકાળી લેવું અને પછી એ મિશ્રણને ગરમાગરમ જ ગાળી લેવું, ત્યારબાદ એમાં,  ગાળેલમિશ્રણ જેટલું જ  દેશી ગાયનું  દૂધ ( સાંજે દોહ્યેલું હોય એવું ) મેળવવું તથા ૨૦૦ગ્રામ ગાંગડા સાકર (ખાંડ નહી) તથા 100 ગ્રામ હાથછડના ચોખા જો ના-મળે તો પૌંઆ પણ ચાલશે, પછી ધીમાં તાપે હલાવતાં જવુંને ઉકાળવું, ચોખા કે પોંઆ સારી રીતે બફાઇ જાય એટલે નીચે ઉતારી લેવું. સ્ટીલના થાળી જેવા પહોળા વાસણમાં ખૂલ્લા આકાશ નીચે ચંદ્રની ચાંદની સીધી બનાવેલ ખીરમાં પડે એ રીતે રાખવું, ખીરનું પાત્ર અન્ય એક પાણી ભરેલ પાત્રમાં તરતું રાખવું જેથી. કિડીઓ ચઢે નહી તથા આસપાસની લાઇટનાં બલ્બ વિગેરે બંધ રાખવા જેથી એનાં પ્રકાશમાં ઉડતી જીવાત ખીરમાં ના પડે. ચંદ્રોદય થી મધ્યરાત્રી એટલે કે લગભગ રાત્રીના બાર વાગ્યા સુધી અને જો શકય બને તો, સુર્યોદયપૂર્વે બ્રહ્મમુહર્ત એટલે કે આશરે સાડાચાર વાગ્યા સુધી ખીરને ચંદ્રના કિરણોથી પોષીત થવા દેવી, ખીરના પાત્ર પાસે બેસીને श्रीसुक्त પણ શાંત અને મધુરસ્વરે ગાવાથી વિશેષ લાભ મળે છે. પ્રસાદ સ્વરૂપે ખીર ગ્રહણ કરતાં પહેલાં એમાં તુલસીદલ તથા એક થી બે ચમચી કુદરતી મધ મેળવી દેવું. સ્વસ્થ વ્યક્તિ પણ, આ ઔષધિય ખીર આરોગી શકે છે. પ્રયોગકર્તાએ સંધ્યાથી સુર્યોદય સુધી કોઇપણ ખાદ્ય, આહાર તરીકે ના લેવું, જેથી ખીરનો મહત્તમ લાભ, પૂર્ણ પાચન દ્વારા શરીરના અણું એ અણુંને મળે છે, ખીર ખાધા પછી પણ જયાં સુધી સારી રીતે ભૂખ ના લાગે ત્યાં સુધી માત્ર જલસેવન કરવું પણ અન્ન ના લેવું,  દર્દીએ પાતળાં શ્વેત કપડાં પહેરીને  ચાંદનીમાં બેસવું, શરીરનો શક્ય હોય એટલો ભાગ વસ્ત્રના આવરણરહીતનો રાખવો જેથી વધુમાં વધુ  ચાંદની ખૂલ્લાં શરીરમાં પ્રવેશે છે. સગવડ હોય તો ખીરને ચાંદીનાં પાત્રમાં ચાંદનીમાં રાખવી. ખીરના પાત્ર પર વસ્ત્ર કે જાળીદાર ઢાંકણ ઢાંકવું નહી. ખીરપાત્ર પાસે બેસીને ગામગપાટાં મારવાં, મોબાઇલમાં સર્ફિંગ કરવું કે અન્ય ઇલેકટ્રોનીકસાધનોથી ઘોંઘાટીયું ગીત-સંગીત વગાડવું નહી પણ શાંત બેસવું અથવા આવડે એ મંત્રજાપ કરવાં કેમ કે, આ ઇલેકટ્રોનીકસ સાધનોમાંથી નીકળતા ઇલેકટ્રોમેગેનેટીક વેવ્સ, એ ચંદ્ર તરફથી આવતાં કૉસ્મીક એનર્જીક ફોટો વેવ્સને કાઉન્ટર કરી નષ્ટ કરે છે.
     શરદપુનમે આનંદરૂપી અમૃત મેળવતાં, આસોમાસના અને આરોગ્યતા-પ્રદાન કરતાં દેવયુગ્મ અશ્વિનીકુમારૌ ને અથર્વવેદના કાંડ ૧૯ના, ૬૭માં સુક્તમાં કરાયેલ આ પ્રાર્થના કરીએ,
पश्येम शरदः शतम् । जीवेम  शरदः शतम् । बुध्येम शरदः शतम् । रोहेम शरदः शतम् । पूषेम शरदः शतम्
भवेम शरदः शतम् । भूयेम शरदः शतम् । भूयेसी: शरदः शतम् ।
      शरीरम् आद्यं खलु धर्मसाधनम् । કવિકાલીદાસ એ ઉપનિષદનું આ સૂત્ર અતિ પ્રચલિત કર્યું છે, અહિંયા ધર્મ નો અર્થ "સ્વભાવ અને ધ્યેય" કરવાનો છે. આથી મનુષ્ય માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ  પુરૂષાર્થચતુષ્ટયની સિદ્ધિ  માટે, નિરોગી શરીર જ સાધન રૂપ છે.
    સર્વે મિત્રો, સો-શરદૠતુઓ સુધી कोजागरःपूर्णिमा નો આનંદ લ્યો એવી હાર્દિકશુભેચ્છાઓ સાથે...
સંકલન અને રજૂઆત: ડૉ. ભાવેશ આર. મોઢ - કચ્છ.

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...