શુક્રવાર, 2 નવેમ્બર, 2018

આસો સુદ અગિયારસ - પાશાંકુંશા એકાદશી અને મીંઢળ(મદનફલ)

આસો સુદ અગિયારસને पाशांकुंशा एकादशी કહેવાઇ છે. આ એકાદશીમાં શ્રી હરિના પદ્મનાભ સ્વરૂપનું પૂજન शमीपत्र એટલે કે ખીજડાંનાં પાદડાંથી કરવામાં આવે છે તથા નૈવેદ્યમાં, કાઠી-કોમમાં પ્રચલીત ચોખા-ઘી-સાકર અને દૂધથી બનતી એક મીઠાઇ "હરીસો" અર્પણ કરાય છે, આ મીઠાઇના ચોસલાં ઉપરનું પડ અરીસાની જેવું હોય છે. ઘડાયેલા હાથની કળાયેલ આ મીઠાઇમાં, વ્યક્તિનું પ્રતિબિંબ જોઇ શકાય છે એટલે એને "હરીસો" કહેવાય છે. આ એકાદશી આરોગ્ય દ્રષ્ટીકોણથી સક્કરટેટી સાથે જોડાયેલ છે. જેની ચર્ચા પૂર્વે ચૈત્ર વદ અગિયારસ એટલે કે, वरूथिनीएकादशी ના વિવરણમાં ચર્ચા થઇ ચુકેલ છે.જો કે શાસ્ત્રીય રીતે તો આ એકાદશીએ શ્રીહરિને મીંઢળ ફળનું અર્ધ્ય આપવા કહેલ છે.
     पाश અને अकुंश એ બળવાન શત્રુ કે પ્રાણીને કાબુમાં કરી એનીઉપર વિજય મેળવવાં સહાયક બને છે. પાશ એટલે ગાળિયો; એક જાતનું મજબુત બંધન, ગાળિયો નાંખતાં આવડવો જોઇએ અને ગાળિયો મજબુત પણ હોવો જોઈએ. ગાળિયાથી જ અડધી સફળતાં મળી જાય છે બાકીની અડધી સફળતાં અકુંશથી મેળવાય છે, અકુંશનો ઉપયોગ હાથીને કાબુમાં રાખવાં સદીઓથી  કરવામાં આવે છે. કલાત્મક અકુંશપર હાથીની પ્રતિકૃતિ બનાવવામાં આવે છે. અકુંશનું એક પાંખડું સીધું હોય છે જયારે બીજું વળાંક વાળું હોય છે. જાણે લોકોકતિ "સીધી આંગળીએ ઘી ના નીકળે તો, વાંકી આંગળી કાઢવું" ને અનુસરતું હોય. પાશ અને અંકુશથી માનવમનના જે દોષ છે; એને કાબુમાં કરવાનાં છે, નહી તો મનરૂપી હાથી મદમસ્ત બની ને પોતાનું ધાર્યુ કરી ઉત્પાત મચાવે છે.
      જે ક્રિયા કે કર્મથી પહેલાં સામેવાળાને અને પછી પોતાને દુઃખ થાય એ "પાપ" છે. પાપકર્મ પ્રજ્ઞાપરાધથી નિપજે છે માટે સતત બુદ્ધિથી ચિંતન કરવાથી તથા ધૃતિની સતત હાજરીથી "પાપકર્મ" માંથી મુક્ત રહેવાય છે. મનના દોષોને પાશ અને અકુંશથી કાબુમાં કરવાના ઉદેશ્યવાળી આ અગિયારસને पापाम्अकुंशा=पापांकुंशा  તરીકે પણ  ઓળખાવે છે.
      સ્વાસ્થય ની દ્રષ્ટિએ આ એકાદશી મીંઢળનું ફળ અને ખીજડાના પાન સાથે સંકાળાયેલ છે. પરંપરાગત રીતે લગ્નપ્રસંગે મદનફળ એટલે કે મીંઢળને માણેકસ્તંભ તથા વરકન્યાના કાંડે બાંધવાનો રિવાજ છે.  લગ્નનો પ્રધાન ઉદ્દેશ પ્રજાવૃદ્ધિનો છે. મીંઢળ એ એક ચમત્કારિક ઔષધિરૂપ ફળ છે. તેને સંસ્કૃતમાં મદનફળ એટલે કામદેવનું ફળ પણ કહે છે. લગ્નના ઉમેદવારોમાં ધર્મવિહિત સ્વાભાવિક કામનાનો ઉદય થઈ પ્રજોત્પત્તિની આશામાં ઉજ્જવળ પરિણામ આવે અને બેઉ શરીરમાંથી પ્રતિરોધ કરનારા પરમાણુઓ, મદનફળના સંસર્ગથી નાશ પામે તેવી ભાવના નાડાછડીમાં પરોવીને બાંધવાથી સેવાય છે. પ્રાચિનકાળમાં મરડાશિંગને પણ મીંઢળની સાથે રાખીને બંધાતી હતી. મરડાશિંગને કામદેવની પત્નિ રતિનું એક સ્વરૂપ મનહવામાં આવતું હતું. આયુર્વેદ દ્રષ્ટિકોણથી મદનફળ શરીરમાં ગયેલ તથા રહેલ વિષને, વમનદ્વારા તુરંતજ બહાર કાઢી દે છે તથા મરડાશિંગી પણ અતિસારનો પ્રતિષેધ કરનાર તથા વિષઘ્ન છે  ઉપરાંત પિત્તપ્રકોપ, મૂર્ચ્છા, પ્રમેહ માં પણ વપરાય છે, તદુપરાંત આયુર્વેદનીદ્રષ્ટિએ પણ મીંઢળ પ્રજાવૃદ્ધિનો કે ગર્ભધારણનો એક ઉપચાર છે. વૈદ્યો કે હકીમો અગાઉ લક્ષ્મણા નામક કંદનો સંતાન પ્રાપ્તિ માટે ઉપયોગ કરતાં અને ઉત્તમ પરિણામ લાવતા હતા. પણ હવે એ સંદિગ્ધ અને અપ્રાય્ય હોવાથી તેને ઠેકાણે સફેદ ભોરિંગણીના મૂળનો અને મીંઢળનો એવોજ ઔષધ તરીકે ઉપયોગ થાય છે. ચોમાસામાં જે ધાન્ય સંગ્રહ કરી રાખવાનું હોય તેમાં લીલા મીંઢળ નાખવાથી ધાન્ય સડી જતું નથી.
     शमीपत्र એટલે કે, ખીજડાના પાનનો રસ સાઁપના ઝેરને ઉતારવાનો એક ચમત્કારિક ઉપાય મનાય છે. એનાં લાકડાં યજ્ઞમાં હોમવાના કામમાં આવે છે. તે તૂરો, રુક્ષ, શીતળ, લઘુ, કડવો, તીખો તથા રેચક છે અને રક્તપિત્ત, અતિસાર, કૃષ્ઠ, અર્શ, દમ, ઉધરસ, કફ, ભ્રમ, કૃમિ, કંપ તથા શ્રમનો નાશ કરે છે.શમી નું મહત્વ વિજયાદશમી ના વિવરણ માં વિસ્તૃત આપેલ છે.
      મનને પાશમાં લેવા, પ્રથમ તો શરીરનું શોધન મદનફળ કરવું પડે અને પછી શરીર સ્વસ્થ રહે તથા મન અકુંશમાં રહે એ માટે શમીપત્રનું નિત્યસેવન કરવાનો બોધ આપતી આ પાશાંકુંશાએકાદશી એ હાર્દિક શુભેચ્છાઓ સાથે,
ડૉ. ભાવેશ આર. મોઢ ના 🙏 શ્રી હરિ 🙏.

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...