રવિવાર, 4 ઑગસ્ટ, 2019

મહર્ષિ ચરક જયંતી


શ્રાવણ સુદ પંચમીના દિવસે આયુર્વેદ અનુરાગી મિત્રો ,
મહર્ષિ ચરકજયંતી ની ઉજવણી 
કરે છે.
મહાન વ્યક્તિઓની નિસ્વાર્થ ભાવે જનકલ્યાણઅર્થે  કરાયેલા કાર્યો  પ્રત્યે ધન્યવાદ અને કૃતજ્ઞતા પ્રગટ કરવા આપણે એમની જયંતીઓ ઉજવતા હોઇએ  છીએ.
      આયુર્વેદ ક્ષેત્રે  આ પ્રકારની જાગૃતિ  અને ઉત્સાહ  નહિવત્ છે. આયુર્વેદ ક્ષેત્રના ૠષિતુલ્ય કર્મયોગી વૈદ્યોની જયંતીઓ તો, શું ? નામ પણ કોઈક - કોઈક  ને યાદ હોય છે...!! 
      મહર્ષિ ચરકજયંતીની ઉજવણી પણ છેલ્લા પાંચેક 
વર્ષથી કરાય છે. જેમાં ફેસબુક અને વોટસેપ જેવા માધ્યમોનો સારો એવો ફાળો છે. બાકી તો મોટાભાગના  કેલેન્ડર-પંચાગમાં પણ ચરકજયંતીનો નામોલ્લેખ  પણ જોવા મળતો નથી.
જીજ્ઞાસાવશ મને પણ શ્રાવણ સુદ પાંચમ  એટલે
      મહર્ષિ ચરકની જન્મજયંતી કયા શાસ્ત્રોલ્લેખ  આધારે નક્કી  કરાઇ છે ? એ જાણવાની  તાલાવેલી થઈ  અને જે કંઈપણ જાણકારી  મળીએ આશ્ચર્યમિશ્રિત આનંદદાયક છે. ગમતાંનો કરીએ ગુલાલ.
         મહર્ષિ ચરકને શેષનાગનો અવતાર માનવામાં આવે છે. એથી શ્રાવણમાસની સુદપક્ષની નાગપંચમીને ચરકજયંતી તરીકે  ઉજવવામાં આવે  છે. આયુર્વેદના અભ્યાસુઓને સોળમી સદી માં રચાયેલ ભાવપ્રકાશમાંથી શેષનાગનું ગુપ્તવેશે મહર્ષિ ચરકના સ્વરૂપે પૃથ્વી પરનું અવતરણ દર્શાવતી વાર્તા જાણવા મળે છે. પંડિત ભાવમિશ્રે  એમના સમયની આ પ્રચલિત લોકકથા આધારીત, આ કથાનકનો સમાવેશ એમના ગ્રંથમાં કર્યો હોય એવુ કેટલાક તજજ્ઞોનુું 
માનવું છે.
योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन।
योऽपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्रांजलिरानतोऽस्मि 
      આ શ્લોક દ્વારા બારમી સદીમાં વિજ્ઞાનભિક્ષુ  જણાવ્યુ છે કે, વ્યાકરણ મહાભાષ્ય, આયુર્વેદચિકિત્સા શાસ્ત્ર તથા
યોગશાસ્ત્ર એમ ત્રણેય ગ્રંથોના  કર્તાને પાતંજલી ૠષિને માનવામાં આવે છે. જો કે, આઠમી સદીમાં વાકયપ્રદીપના બ્રહ્મકાંડમાં ભર્તુહરિ કહે છે, 
      कायवाग्बुद्धिविषया ये मलाः समवस्थिता ।
    चिकित्सालक्षणः अध्यात्मशास्त्रस्तेषां विशुद्धये ।
       અગીયારમી સદી માં ચક્રપાણિ દત્ત લખે છે કે,
          पातंजलमहाभाष्य चरकप्रतिसंस्कृतैः ।
       मनोवाक्कायदोषाणां हन्त्रेः अहिपतये नमः ।।
     અષ્ટાધ્યાયી વ્યાકરણના કર્તા પાણિની ૠષિ સંધ્યાપુજન વખતે અંજલીથી અર્ધ્ય આપતા હતા ત્યારે આકાશ માંથી એક સર્પનું બચ્ચુ એમની એ અંજલી / ખોબામાં આવી પડ્યું  અને પછી થી એ મહામેઘાવી મનુષ્ય તરીકે પ્રસિદ્ધિ પામેલ જે 
" પાતંજલી " નામે વિદ્યમાન થયેલ, આ કથાનક  પરથી પાતંજલી નામ તથા એમનો સર્પકુળ સાથેનો સબંધ સમજી શકાય છે. ઉપરોક્ત શ્લોકોના વિવેચનમાં સ્થાપિત કરાયુ છે
કે, મહર્ષિ ચરક અને પાતંજલી એક જ વ્યક્તિ  છે એટલે મહર્ષિ ચરકને પણ શેષનાગના અવતાર માનીને શ્રાવણ સુદ પંચમી ને ચરકજયંતી તરીકે મનાવાય છે.
        સંસ્કૃત પરીભાષામાં " નાગ " શબ્દ હાથી માટે વપરાય છે. પણ વધુ ઊંડાણથી તપાસતા જણાયુ કે, જે વિશાળ આકારના કારણે અતિપ્રભાવશાળી દેખાય; અલૌકિક વ્યક્તિત્વ  અને પ્રભુત સામર્થ્યને કારણે  તુરંત જ કોઈપણ જાતના વિવાદ - શંકા વિના એની પ્રતિષ્ઠા આ લોકમાં સ્થાપિત  થઈ  જાય અને માનવજાત દ્વારા સ્વીકારી લેવાય  એને  " નાગ " ની ઉપમા આપવામાં આવે છે. 
એજ પ્રમાણે વિશાળકાય  સર્પમાં તક્ષક, વાસુકિ, અનંત કે શેષ ને પણ "નાગ"  ઉપમા અપાયેલ છે. કાશ્મીર અને હિમાલયનાં કેટલાક વિશાળ પ્રાકૃતિક પહાડ અને  ઝરણાં-ધોધ ને પણ  " નાગ " ઉપમાથી નવાજેલા  છે. જેમ કે, અનંતનાગ, નિલનાગ પર્વત,  કોકરનાગ ઝીલ  વિગેરે.
     વ્યાકરણ મહાભાષ્યના કર્તાનો સમય કાળ ઇ.સ પૂર્વે બીજી સદી અને ચરકસંહિતાનો રચના કાળ ઇ.સ.ની પહેલી સદી તથા યોગશાસ્ત્રનો રચનાકાળ  ઇ.સ. ની ચોથી સદી છે એટલે ત્રણેયના કર્તા એક જ વ્યક્તિ ના હોઇ શકે પણ એક સમાન નામધારી જુદાં-જુદાં વ્યક્તિઓ હોઇ શકે છે.
આજે જે ચરકસંહિતા પ્રસિદ્ધ છે એમાં કોઇપણ જગ્યાએ  મહર્ષિ ચરકનો કર્તા તરીકે મૂળ સંહિતામાં ઉલ્લેખ નથી.
પણ, ત્રીજી સદીમાં કાશ્મીર પ્રદેશના દ્રઢબલ નામના મહર્ષિએ ચરકસંહિતામાં ચિકિત્સાસ્થાનના ૧૭ તથા સિદ્ધિ તેમજ કલ્પસ્થાનના ૧૨ - ૧૨  એમ આશરે  ત્રીજાભાગની ચરક સંહિતાની પુર્તિ  અને પ્રતિસંસ્કાર કરેલો. ટીકાકાર અને અનુવાદકારોએ આ સંહિતાના અધ્યાયોના અંત માં,
" અગ્નિવેશે રચેલા અને ચરક દ્વારા પ્રતિસંસ્કાર કરાયેલ..."
એવી નોંધ  મુકી છે, જેનાથી કાળક્રમે આ સંહિતા, ચરકસંહિતાના નામે પ્રસિદ્ધ થઇ હશે.
       માનનીય વૈદ્ય શ્રી બાપાલાલ ગ. શાહ એ  "ચરક" નામ પર ઊંડુ ચિંતન કર્યુ છે. એમને " ચરક " શબ્દના જુદાં-જુદાં  અર્થ  અને સબંધિત ઇતિહાસ પર સારો એવો  પ્રકાશ પાડયો  છે.
ઉદેશ્ય પૂર્ણ જવું  (યાત્રા કરવી) એના માટે સંસ્કૃતમાં  गम्  ધાતુ પરથી શબ્દો  બન્યાં છે. પણ સહજ જીજ્ઞાસાવશ, અનાયાસે પહોંચી જવુ એના માટે चर् ધાતુ પરથી શબ્દો બન્યા છે જેમ કે, ચર પરથી " ચરણ " શબ્દ અને એક જાતી
"ચારણ "  चर्  ધાતુના હાર્દને સમજાવવા પુરતું છે. દેશી રજવાડાઓની ઇતિહાસ ગાથાઓ ગાવાંનો,  લખવાંનો અને ફેલાવાંનો યશ આ ચારણ કવિઓને જાય છે.
યજુર્વેદની એક શાખાનું નામ " ચરક " છે. જેના પ્રવર્તક મહર્ષિ  "વૈશમ્પાયન ૠષિ" હતા અને એમના શિષ્યોને પણ "ચરક" વિશેષણથી સંબોધવામાં આવતા હતાં. આખી ચરકસંહિતામાં ચરકના ગુરૂનો ઉલ્લેખ કયાંય જોવા મળતો નથી, પણ આયુર્વેદજગતમાં કેટલાક વિદ્વાનો ચરકના ગુરૂ  તરીકે 
" વૈશમ્પાયન" ને ગણાવે છે.
         ઇતિહાસના ઊડાણમાં જોઇએ તો, રાજા પુષ્પજીતના સલાહકાર તથા રાજવૈદ્ય જયસ્વામી તથા ઇ.સ. ૭૮ માં રાજા કનિષ્કના રાજવૈદ્ય તરીકે  "ચરક" નામોલ્લેખ આવે છે. જો કે, મૂળ ચરક સંહિતાના કર્તાથી આ જુદી વ્યક્તિઓ હતી.
ટૂંક માં, " ચરક "  એ કોઈ એક વ્યક્તિ વિશેષ માટે વપરાયેલ શબ્દ નથી પણ એનો અર્થ યાયાવર ૠષિઓના સમુહ વિશેષણ તરીકે  સ્વીકારી લેવાયેલો હતો.
        દુનિયા આખીમાં, અર્જુન અને ભગવાન શ્રીકૃષ્ણનાં સંવાદ રૂપ સર્જાયેલી  ભગવદ્ ગીતા વિશે વિદ્વાન-સમાજમાં કુતુહલ અને જીજ્ઞાસાને લઈને  જેટલા વિવેચન - ટીકાઓ લખાયેલ છે, એટલી વિશ્વની કોઇ પણ સંસ્કૃતિના ધર્મ કે દર્શન ગ્રંથ પર આજ સુધી લખાયેલ નથી અને આવું  પરમ સૌભાગ્ય આયુર્વેદશાસ્ત્રના ગ્રંથોમાં,  અગ્નિવેશ અને ભગવાન આત્રેયના સંવાદ રૂપ સર્જાયેલી  ચરકસંહિતાને પણ મળ્યુ  છે, ૪૩ જેટલા ટીકાકારોએ ચરકસંહિતા પર વ્યાખ્યાઓ-ટીકાઓ રચાઇ છે.
ચિકિત્સાના આ ગ્રંથના વિષયો  અને વિવેચનમાં સનાતન સત્યની ઝાંખી થાય છે, સૂત્રાત્મક સત્યનું ચિંતન અને વિવેચન  બુદ્ધિપ્રતિભાશાળી વિદ્વાનોનો સહજ સ્વભાવ અને કર્મ હોય છે.
      ગુજરાતી પ્રજા પણ મૂળ માં તો,  વિશ્વપ્રવાસી છે એટલે સહજ જીજ્ઞાસુ સ્વભાવ ધરાવે છે. ચરકસંહિતાનો સૌથી વધુ ગુજરાતી અનુવાદ અને વિવેચન વાળા ગ્રંથો ગુજરાતના વૈદ્ય સમાજે જ આપેલ છે. સો પ્રથમ ગુજરાતી ભાષામાં ટીકા સાથે ચરકસંહિતા ગ્રંથ સ્વરૂપે  પ્રકાશીત  કરવાનો શ્રેય અમદાવાદના  વૈદ્યશ્રી જેઠાલાલ દેવશંકર  દવે ને જાય છે, એમને વિક્રમ સંવત ૧૯૭૨  એટલે કે, ઇ.સ. 1916  માં બે ભાગ માં ચરકસંહિતા પ્રકટ કરી હતી. હિન્દીમાં ચરકસંહિતા સને 1920 માં, પહેલીવાર  પ્રકાશિત  કરાયેલ. આયુર્વેદ અનુરાગીઓને આયુર્વેદશાસ્ત્રાભ્યાસમાં સરળતા  કરવા માટે  હસ્તપ્રતોને ગ્રંથસ્થ  કરનાર પોરબંદરના આદરણીય યાદવજી ત્રિકમજી મહારાજે  ચક્રપાણીની ટીકા સાથે ચરકસંહિતાને નિર્ણય સાગર પ્રેસ, મુંબઈથી સને 1933 માં પ્રકાશિત  કરેલ. 1949 માં શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદિક સોસાયટી જામનગર  તરફથી ડૉ. પ્રાણજીવનદાસ મહેતા ની આગેવાનીમાં, વિશ્વવંદનીય ચરક સંહિતાના હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી એમ એક સાથે ત્રણ  ભાષામાં ટીકા - અનુવાદ સાથે ૬ દળદાર ભાગોમાં  પ્રકાશિત  કરાયેલ.  આ સંસ્થા  દ્વારા  ચરકસંહિતા  નુ સંપૂર્ણ અને દરેક પાસાને આવરી લેતું વિસ્તૃત વિવેચન કરાયુ  છે. આયુર્વેદના પ્રચાર - પ્રસાર માટે  ગુજરાતીમાં તમામ મૂળ આયુર્વેદ સંહિતાગ્રંથોને  પ્રકાશિત  કરવાનો  શ્રેય ભિક્ષુ શ્રી અખંડઆનંદ સ્વામીજીની સંસ્થા,  સસ્તું  સાહિત્ય વર્ધક કાર્યાલય અમદાવાદને છે. શુદ્ધ આયુર્વેદના કર્માભ્યાસી, આગ્રહી અને પ્રચારક રાજવૈદ્ય શ્રી પ્રભાશંકર નાનભટ્ટ ગઢડાવાળાના માર્ગદર્શન હેઠળ સને 1959 માં ચરકસંહિતા પરની  ત્રણ પ્રખ્યાત  ટીકાઓ; અગીયારમી સદી ની ચક્રપાણિ દત્તની આયુર્વેદ દીપિકા, પંદરમી સદીમાં ગંગાધર કૃત જલ્પકલ્પતરૂ  તથા સત્તરમીસદીની યોગીન્દ્રનાથ સેનની ચરકોપસ્કાર  ટીકાઓના ગુજરાતી  વિવેચન સાથે પાંચ ભાગમાં ચરકસંહિતા
પ્રકાશિત  કરાઇ હતી. શ્રી ઝંડુભટ્ટજીની આયુર્વેદ ચિકિત્સા પ્રણાલીના વૈદ્ય શ્રી અમૃતલાલ પ્રા. પટ્ટણીએ ચરકસંહિતાનું ઊડું  ચિંતન  કર્યુ  હતું  અને  ઉદારતાથી એમના વિદ્યાર્થીઓને ચરકસંહિતાનો આસ્વાદ પાટણ ના શેઠ ઉ.પી.આયુર્વેદ મહાવિદ્યાલયના વિદ્યાર્થી ઓને  કરાવતાં હતાં, એવા જ એમના એક વિદ્યાર્થી - શિષ્ય ને, આધુનિક  યુગના ચરક તરીકે આપણે જાણી એ  છીએ, જામનગરના વૈદ્ય. સી.પી. શુકલા સાહેબ.
મારી જાણ માં શ્રી ચંદ્રકાન્ત પ્ર.શુકલા સાહેબે  ચરકસંહિતા  પર ઊંડુ ચિંતન કરીને આધુનિક ચિકિત્સા વિજ્ઞાનની સરખામણી માં સફળ આયુર્વેદ ચિકિત્સા કરી શકાય એવા ઘણા આર્ટિકલ  Ayu નામની આયુર્વેદ યુનિ. જામનગરથી પ્રકાશિત થતી જર્નલ  માં લખ્યા છે. પોસ્ટગ્રેજ્યુએશન ના વિદ્યાર્થીઓને હિન્દી અંગ્રેજી માં ચરકસંહિતા ના સૂત્રો ને આધુનીક તબીબી વિજ્ઞાન ના દ્રષ્ટિકોણથી સમજાવતાં કેટલાય વ્યાખ્યાનો આપેલ છે. પણ એ બધાને આવરી લેતું કોઇ  પુસ્તક હજુ સુધી  પ્રકાશિત  થયેલ નથી જે દુઃખ સાથે દુર્ભાગ્ય છે.
માનનીય શ્રી બાપાલાલે  પણ આયુર્વેદનો શાસ્ત્રોકત અભ્યાસ  વૈદ્ય શ્રી અમૃતલાલ પ્રા. પટ્ટણી પાસે ઝાડેશ્વર (ભરૂચ) માં જ કરેલ અને એમણે એ વિદ્યાૠણ ચુકવવા અર્થે, "ચરકનો સ્વાધ્યાય ભાગ-1" શ્રી સયાજી સાહિત્યમાળા, પુષ્પ 350, સને 1973, તથા ચરકનો સ્વાધ્યાય ભાગ-2 શ્રી સયાજી સાહિત્યમાળા, પુષ્પ 354, સને 1979 માં 1900 પાનાંની વાંચન સામગ્રી માં ચરકસંહિતા પર વિશ્લેષણાત્મક વિવેચન કરેલ છે. વૈદ્ય શ્રી બાપાલાલ ગ. શાહ ની જન્મભૂમીના અને સમકાલીન, ડૉક્ટર માંથી રાજવૈદ્ય તરીકે ખ્યાતિ પ્રાપ્ત આયુર્વેદ અનુરાગી સંશોધક અને પ્રકાશક એવાં શ્રી રસીકલાલ જેઠાલાલ પરીખે સને 1980 માં સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય તરફ થી, ચરક(સંક્ષિપ્ત) નામે લોકભોગ્ય શ્રેણીનું સરળ ભાષામાં પુસ્તક પ્રગટ કરેલ. રાજકોટના વૈદ્ય શ્રી હિરાલાલ ગોરધનદાસ સુરાણી એ, ચરકસંહિતા - ચિકિત્સકની દ્રષ્ટિએ... નામની પુસ્તિકા લખેલ જેમાં સંપૂર્ણ ચરકસંહિતાનું
વિહંગાવલોકન સમાવિષ્ટ છે.
    ચરકસંહિતા ના સંશોધન, પ્રકાશન, અને પ્રત્યક્ષ કર્માભ્યાસ થકી પ્રચાર પ્રસાર માં દેશ માં અન્ય રાજય અને ભાષામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે,
     મહર્ષિ ચરકજયંતીના શુભ અવસરે, આયુર્વેદ અનુરાગીઓ આધુનીક પરીપેક્ષ્યમાં ચરકસંહિતા નું નૃત્ય અધ્યયન, સ્વાધ્યાય અને પ્રત્યક્ષ કર્માભ્યાસ કરશે જ એવી અંતર ની ઊર્મીઓ સાથે, હાર્દિક શુભેચ્છાઓ સહ અભિનંદન...



ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...