બુધવાર, 19 જૂન, 2019

વ્યાસ પૂર્ણીમા


અષાઢી પુનમ, જેને વ્યાસપુર્ણિમા તથા ગુરૂપુર્ણિમા તરીકે  ઉજવવા માં આવે છે.
આયુર્વેદશાસ્ત્રની દ્રષ્ટિએ આ દિવસનું માનવજીવનમાં મહત્વ અને સાંસ્કૃતિકપરંપરા ના દ્રષ્ટીકોણથી એના ઇતિહાસ વિશે થોડુક જાણવાનો પ્રયાસ કરીએ.
મહાભારતની પુરાણતરીકે ગણના કરવામાં આવી છે.
હરિવંશપુરાણમાં મહાભારતની કથાઓ જોવા-જાણવા મળે  છે. મહાભારત એ મહાકાવ્ય તરીકે પ્રતિષ્ઠિત છે. આ ગ્રંથમાં ભારતવર્ષનો ક્રમીક ઇતિહાસ, રોચક પદ્યમાં અને વાર્તાઓ સ્વરૂપે વર્ણવેલ છે. મહાભારતની એક  કથા પ્રમાણે,
ૠષિ પરાસર અને યમુના નદીના કિનારે વસતી એક માછીમારની કન્યા સત્યાવતીના પુત્ર મહર્ષિ વેદવ્યાસ  હતા. આ કથાનક જ ઘણું કહી જાય છે. આ દેશનો કહેવાતો બૃદ્ધિવાદી વર્ગ,  વર્ણવ્યવસ્થાને હિંદુ-સંસ્કૃતિનું પાતક ગણે છે એમના માટે મહર્ષિ વેદવ્યાસનું કથાનક બોધ રૂપ છે,
જો તટસ્થ રીતે ચિંતન કરાય તો,
મહર્ષિ વેદવ્યાસ કુશાગ્ર બુદ્ધિના હોઇ,  વળી વેદનું જ્ઞાન જનસામાન્યમાં સુલભ અને સરળ બને એ માટે વેદ ને ભણવામાં જાણવામાં સુવિધા અને સરળતા રહે એ માટે, ચાર ભાગમાં વિભાજન કર્યુ. એમનું આ કાર્ય અષાઢ ની પુનમના દિવસે પૂર્ણ  થયેલ. આથી વ્યાસજીને વેદવ્યાસ તરીકે ની ઓળખ આપતું નામ પ્રજા તરફથી મળેલ.
      ઐતિહાસીક સાહીત્યમાં  વ્યક્તિ, માટેના વૈદિક કે પૌરાણિક નામ, એ એનાં વ્યક્તિત્વની પ્રજામાં જે છાપ હતી એ પ્રમાણે  ઇતિહાસમાં લખાયા નોંધાયેલા છે.
      જ્ઞાનપ્રકાશનો એ દિવસ એટલે કે અષાઢની પુનમને ત્યારથી વ્યાસપુર્ણીમા કહેવાય છે.
      સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત અષાઢથી થઈ જાય છે. શ્રાવણ - ભાદરવો  બરાબર વરસે  અને આસો ઉતારતાં નદી - નાળા અને વસુંધરા બધુ જ નિર્મળ થઈ જાય છે.
       સર્વત્ર વાતાવરણ શિતળતા - સૌમ્યતા, નવપલ્લવિતતા-જીવંતતા છવાઇ જાય છે.
       પ્રાચિન સમયમાં પર્યાવરણનું સંતુલન વિચક્ષ પ્રજાપાલકો  તથા આજ્ઞાકારી પ્રજાના કારણે સમ્યક જળવાઈ રહેતું એટલે ચોમાસુ પણ બરાબર જામતુ હશે.
       ચોમાસા દરમિયાન પ્રજાના દરેક વર્ગનું કામકાજ વરસાદના કારણે રોકાઇ રહેતુ હોય છે એટલે કામ- ધંધા વિના નવરાં બેઠા કરવુ એ શું !?
      વરસાળા ના સમયે બીજું કાર્ય ના હોય ત્યારે,  ભુખ પણ વધુ લાગે અને વર્ષા તથા શરદમાં જઠરાગ્નિ પણ સ્વાભાવિક રીતે મંદ થાય છે તથા નવા પાણી અને ભેજવાળા વાતાવરણને લઈને ધાન્ય તથા શાકભાજી પણ પાચનમાં ગુરૂ અને વિષ્ટંભી બને છે, આથી ભોજન માં સતર્કતા ન રહે તો, એ ખાદ્ય,  સ્વાસ્થ્યને હાનિ પહોંચાડનાર પણ થઇ શકે છે. આ સમસ્યાનો ઉકેલ તથા સર્વ પ્રજા સહર્ષ સ્વીકારી લે, એવો ઉપાય ભૂતદયાપ્રિતીવાળા  મહર્ષિઓએ શોધી કાઢયો. જેને લોક માં
" ચર્તુમાસ " કહેવાય છે...
      અષાઢ  પુનમના દિવસે  મહર્ષિ વ્યાસનું વેદ ને સામાન્નુંય પ્રજા માટે સરળભાષામાં તૈયાર કરવાનું કાર્ય પૂર્ણ થયું હશે
પછી  જીજ્ઞાસુ  પ્રજા,  પ્રજ્ઞાવાન બનવા માટે મહર્ષિ  પાસે ગઇ હશે ; ત્યાં એમનું પૂજન કરી અને વેદની જ્ઞાનગંગાનું આચમન  કરવવા પ્રાર્થના કરી હશે. 
        કથાશ્રવણથી અને જ્ઞાન દ્વારા આવતી સમજથી મળતાં સુખનો આસ્વાદ માણવામાં ભોજન પણ ભૂલી જવાય છે,
અથવા શ્રવણના આ કાર્ય માટે લઘુભોજન પણ પર્યાપ્ત  રહે છે.
         ચર્તુમાસ દરમિયાન ઉપવાસ થઇ જવાથી શરીરનું સ્વાસ્થ્ય જાળવાઇ રહે છે અને  કથાશ્રવણથી જ્ઞાન અને ચિંતન દ્વારા  મન પણ વિકાર રહિત સ્વસ્થ બને છે.
         કથાવાર્તાનું શ્રવણ કરવાનો મહિનો  એટલે જ આ મહિના નું નામ પણ શ્રાવણ  આપાયું છે  અને  આ મહીના માં
કથાવાર્તા આદી સાંભળીને એ પ્રમાણે અનુસારવામાં આવે તો
પોતાનુ જ કલ્યાણ થાય જ છે માટે શ્રાવણ પછી નો માહ  ભાદ્રપ્રદ ( ભદ્ર એટલે કલ્યાણ ; પ્રદ એટલે  આપનાર)  જેનું લોકબોલી માં નામ ભાદરવો થયું...
       આજે પણ સંસ્કૃતિની આ પરંપરા આ દિવસે થતાં ગુરૂ પૂજન થી આંશિક તો જળવાઈ રહી છે.
       ગુરૂ નું પૂજન, જે ગુરૂ એ લોકકલ્યાણ માટે જે  કાર્ય કરેલ છે એના અભિવાદન અને ધન્યવાદ કરવાં, સ્તુતી-પૂજન કરાય છે, સાથે સાથે એ દ્વારા  મુખ્ય  ઉદેશ્ય તો ગુરૂ પાસેથી, એ ગુરૂ એ જે જાણ્યું મેળવ્યું,   એ  જ્ઞાન અનુભવ  આપણને પણ મેળવવા આપણા સાધનાપથમાં ગુરૂ માર્ગદર્શન આપે એવી યાચના સ્વરૂપનો હતો. ગુરૂ એ જે પુરુષાર્થ  કરીને મેળવ્યું એ હવે એમના માર્ગદર્શન હેઠળ ઉત્સુક વ્યક્તિઓ એ એજ માર્ગે કે વિધીથી આગળ વધી વ્યક્તિગત અનુભવ કરી ને જાતે મેળવવાનો રહેતો.
આપણી સંસ્કૃતિ ના ઉચ્ચ મુલ્યો જુઓ.!.
શિષ્ય,
ગુરૂ માટે અહોભાવ થી કહે છે,
गुरुः ब्रह्माः गुरुः विष्णुः गुरुदेवोः महेश्वराः
गुरुः साक्षात् परमब्रह्माः तस्मै श्री गुरवे नमः ।।
ત્યારે ગુરૂ કહે છે,
ॐ सहनाववतु सहनौभुनक्तु सहवीर्यम्  करवावहै,
तेजस्विन् अवधीतम् अस्तु , मां विद्विषावहै।

સદ્ ગુરૂ પાસે જ્ઞાન પ્રાપ્તિ હેતુંથી આવનાર શિષ્ય માટે,
ગુરૂનો સમગ્ર પ્રયાસ રહેતો હતો... तत् त्वम् असि ।
મે માણ્યું છે અને મેળવ્યું છે, તું પણ અનુભવ કર તને પણ જરૂરથી મળશે કારણ કે હું અને તું તે(પરમતત્વ)જ છીએ.
આ હતી આપણી  ગુરૂ-શિષ્ય પરંપરા...
ગુરૂ જે સત્ય મેળવ્યુ ; એ જ્ઞાન પોતાના શિષ્યને મેળવવા તેઓ માત્ર માર્ગદર્શન કરતાં... અને એ જ શિષ્ય, જયારે જ્ઞાન - સત્યનો સાક્ષાત્કાર કરે, એટલે એ અન્યને એ પોતાના અનુભવ બતાવે એમ પરંપરા ચાલતી રહેતી... દરેક વ્યક્તિ આમ ૠષિૠણ ઊતરતાં રહેતાં...
પણ, કાળક્રમે એમાં સ્વ-પ્રતિષ્ઠાનો લોભ અને ધનલાલસા વધતા સંપ્રદાયો થયાં, શિષ્યોની જગ્યાએ ઘેટાંવૃતિવાળાં અનુયાયીઓ-ભક્તો આવવા લાગ્યાં, જ્ઞાન અનુભવ મેળવવા માર્ગદર્શન તો દૂર રહ્યું , અનુયાયીઓને સિદ્ધગુરૂ ની કૃપા અને સીધા ચમત્કાર માં લોભ રહેવા લાગ્યો, સામે સ્વઘૌષીત સિદ્ધ ચમત્કારી ગુરૂઓને નામે ધતુરાઓએ આવનાર લોભીઓને કંઠીઓ બાંધી દાન નામે ઉઘરાણા ફરજીયાત કર્યા...

જે ગુરૂ શિષ્ય પરંપરા ,  જીવંત " શ્રીફળ" હતું 
એ આજે મૃત પરંપરા -રીવાજ નું "ગડગડીયુ" થઈને રહી ગયું.
       મહર્ષિ વ્યાસનો જન્મ યમુના નદીના દ્વિપ-ટાપુમાં થયેલ એટલે द्वैपायनः તથા વર્ણ એમનો શ્યામ હતો પણ આકર્ષક વ્યક્તિત્વ હતું એટલે कृष्णद्वैपायनः નામે ૠષિ મંડળમાં પ્રસિદ્ધ થયા. આયુર્વેદની ચરકસંહિતાની સંભાષાઓમાં ૠષિ  કૃષ્ણદ્વૈપાયન નામોલ્લેખ જોવા મળે છે. આ નામધારી ૠષિ સુપ્રજનન શાસ્ત્ર  (જેનેટીક એન્જીનિયરીંગ) ના ઉત્તમ જ્ઞાતા હતા. મહાભારતની કથામાં પણ, માતા સત્યાવતીના આગ્રહ થી, એમના પ્રયાસ થકી પાંડુ, ધૃતરાષ્ટ્ર  અને વિદુરનો જન્મ થયેલ, ત્યારબાદ ગાંધારીના પણ 100 પુત્રો(કૌરવ) અને એક પુત્રીના જન્મ પાછળ  એમની જ ચિકિત્સાકર્મોનું યોગદાન રહ્યું હતુ.
       મહર્ષિ વેદવ્યાસજીની જ્ઞાન પીરસવાની શૈલી શ્રેષ્ઠ અને સહજ - સરળ હશે એટલે આજે પણ કથાકારના સ્ટેજને વ્યાસપીઠ  કહેવાય છે.
       ગુરૂ પુર્ણિમાનો એક જ સંકલ્પ...
       જીજ્ઞાસાથી જાણીશું , પછી એનો કર્માભ્યાસ  કરીને જે નિષ્કર્ષ  મેળવીએ,  એ  અન્ય માટે કલ્યાણકારી બને એ રીતે નિસ્વાર્થ જણાવીશું  અને જરૂર પડે તો એને માર્ગદર્શન  કરવા કોઇપણ અપેક્ષા રહિત સહાયક બનશું.
ટૂંક માં, 
    ગમતાંનો કરીએ  ગુલાલ, ગમતું અલ્યા ગુંજે ના ભરીએ
        શરીર મૃત્યુધર્મા એટલે કે નાશવંત છે, પણ એ જ શરીરને મળેલ કે અપાયેલ નામ આ સંસારમાં અમર થઇ જાય છે.
સદીઓ વિતી ગઇ પણ " મહર્ષિ  વેદવ્યાસ " નામ અમર છે અને રહેશે.

                           

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...