રેંટિયો એ મિલોનો હરીફ નથી, મિલોનું સ્થાન રેંટિયો લઈ લે એવી કલ્પના પણ નથી. જે સશક્ત માણસને પોતાની પૂરી શક્તિ અને પૂરા સમયના ઉપયોગ પૂરતું કામ મળી રહે છે તેને તે કામ કરતો અટકાવવાનો રેંટિયાનો ઉદ્દેશ નથી. એટલે બીજા ધંધા અથવા ઉદ્યોગમાં જે રોજી મળે તેને રેંટિયામાંથી મળતી
રોજીની સાથે સરખાવવામાં ભારે ભૂલ થાય છે. રેંટિયો સરવાળે દેશનું ધન અવશ્ય વધારે છે. હિંદુસ્તાનના ખેડૂતવર્ગનો ખેતીમાંથી બચતો છ મહિના જેટલો સમય આજે નિરર્થક જાય છે અને પરિણામે બેકારીનો તથા દારિદ્રયનો મોટો પ્રશ્ન ઊભો થાય છે. તે પ્રશ્નનો તાત્કાલિક, વ્યવહારુ ને કાયમનો ઇલાજ રેંટિયો છે. રેંટિયો પણ પૂજનીય ગાય છે. ગાય વિનાનું ઘર જેમ ન શોભે તેમ રેંટિયા વિનાનું ઘર ન શોભે. ગાય તો કોઇ વેળા પાટું પણ મારે છે, ગાય ખાણ માગે છે, રેંટિયો તો એવો પરોપકારી છે કે પાટુ મારે જ નહિ; તેને ખાણ જોઇએ જ નહિ તેની પાસેથી ઊજળું દૂધ જેવું સૂતર તમારી ઇચ્છાએ લઈ શકો છો. ગાય પોતાની શક્તિ પ્રમાણે દૂધ આપે છે. જયારે રેંટિયો આપણી શક્તિ પ્રમાણે સૂતર આપે છે, રેંટિયાની રક્ષા એ પણ ગૌરક્ષા છે. રેંટિયાની રક્ષા કરનારે જેમાં તાણાવાણો બંને હાથના જ છે તેવી ખાદીનો જ ઉપયોગ કરવો ઘટે. રેંટિયો દાખલ કરવાનો અર્થ એટલો જ નથી કે, તે બધાં કુટુંબમાં દાખલ થયો એટલે પત્યું ખરો અર્થ તો એ છે કે, તે બરોબર ચાલે અને તે કુટુંબ ખાદી પહેરતું થઈ જાય. રેંટિયાની અને કાંતણની પ્રવૃત્તિનો મર્મ એ છે કે,
આપણે સૌ સરખા છીએ. આપણી સૌની સ્થિતિ એક જ છે. રેંટિયામાંથી આપણે એ જ શીખવાનું છે કે, આપણે આ હિંદુસ્તાન ચાલીશ કરોડમાંના એક થઇને તેમની જેમ રહેવાનું છે. આપણા રાષ્ટ્રધ્વજની મધ્યમાં આપણે રેંટિયાને સ્થાપ્યો છે. પહેલવહેલો ત્રિરંગી ઝંડો રચાયો ત્યારે તેની વચ્ચે રહેલા રેંટિયાના ખાલી પૈડાનો
અર્થ એ હતો કે, હિંદની સર્વ કોમો મળી સમજીને સંપથી કામ કરે.આપણી કરોડોની વસતીની એક્તા અને અહિંસક તાકાતનું પ્રતીક છે. ધ્વજના જુદાં જુદાં રંગો જેમના સૂચક છે તે સર્વને રેંટિયાથી કંતાયેલો કાચાં સૂતરનો તાંતણો બાંધી રાખવાને સમર્થ છે. મારી દ્રષ્ટિએ તો મેક ઇન ઇંડિયાનો સૌપ્રથમ દિલથી પ્રયત્ન ગાંધીજીએ જ કરેલ છે. એટલે તો આ મહાન વ્યક્તિ કહી શકે કે, ” મારૂ જીવન એજ મારો સંદેશ આપણે ગાંધીજીના જીવનમુલ્યો આધાર પુરૂષાર્થ કરવાને બદલે એમની પુજા કરવાનું ચાલુ કર્યું છે. એ પણ આપણાં જરૂરીયાતના સમયે સ્વાર્થ સાધવા પુરતું જ. ગાંધીજીની છબી આજે સ્વકેન્દ્રિત અને સ્વાર્થી વ્યક્તિઓની વિવિધ ઇચ્છાઓ પુરી કરવાની માત્ર ચલણીનોટ બની ગઇ છે.
શ્રાવણ-ભાદરવામાં, ભેજ - બફારાને લીધે શરીર પર રોકાઇ રહેતા પરસેવાંને લઇને ખાજ ખૂજલીના રોગીઓ વધી જાય છે જો આવાં રોગીઓ આજીવન સૂતરથી બનેલા કપડાં પહેરે તો ખાજ ખૂજલી થી છૂટકારો મળી જાય...
સંકલન અને રજૂઆતઃ ડૉ. ભાવેશ આર. મોઢ - કચ્છ.
બુધવાર, 19 જૂન, 2019
રેંટિયાબારસ
ગુજરાતી કેલેન્ડર અને પંચાગમાં આજે રેંટિયા બારસ લખેલ જોવા મળે છે, ભાદરવા વદ બારસને રેંટિયાબારસ શું કામ કહેવાઇ?
એ કદાચ આજે મોટાભાગનાં ગુજરાતીઓ કદાચ જાણતા નહી હોય.
ગાંધીજી, સત્યના પ્રયોગો’ નામના પુસ્તકમાં લખે છે કે, હું સંવત ૧૯રપના ભાદરવા વદ ૧રને દિવસે એટલે સને ૧૮૬૯ના ઑક્ટોબરની રજી તારીખે, પોરબંદર- સુદામાપુરીમાં જન્મ પામ્યો."
૧૯૧૫માં મહાત્માગાંધીજી જયારે સ્વદેશ પાછા આવ્યા અને સ્વરાજની લડતના મંડાણ કર્યા જોતજોતામાં એમની લોકપ્રિયતા વધવા લાગી અને આવા લોકપ્રિય નેતાનો, એમના ચાહકોએ એમનો જન્મદિવસ ઉજવવાની ઇચ્છા પ્રગટ કરી હતી, દેશ અને હવે દુનિયામાં પણ ગાંધીજયંતી તો અંગ્રેજી તારીખ પ્રમાણે બીજી ઑક્ટોબરે જ મનાવાય છે. પણ સ્વદેશીનાં પ્રખરે આગ્રહી એવાં મહાનગુજરાતી વ્યક્તિએ પોતાના જન્મદિવસને ગુજરાતી તિથિ અને સ્વદેશી રીતે અર્થસભર ઉજવણી કરવાની ચાહકોને આગ્રહપૂર્વક જણાવ્યું,
એટલે ગાંધીજીના જન્મદિનએ ગુજરાતીતિથિ પ્રમાણે ભાદરવા વદ બારસને,
રેંટિયાબારસ તરીકે આઝાદી પહેલા ઉજવવામાં આવતી હતી. શ્રી કાકાસાહેબ કાલેરકરના આ વિષયે સંસ્મરણો "જીવતા તહેવારો" નામના પુસ્તકમાં નોંધાયેલા છે. એ વખતે રેંટિયાબારસના દિવસે ગાંધીજીના જન્મદિવસની ઉજવણીએ દિવસે રેંટિયો ચલાવી, ખાદી કાંતીને સ્વદેશી-સ્વનિર્મિત વસ્તુઓનું ખરીદ- વેચાણ કરાતું. આ રીતે અન્ય પ્રજાને પણ સ્વદેશી વસ્તુઓ બનાવવા તથા વાપરવાનું મહત્વ સમજવાનો પ્રયત્ન, જાતે આચારણ કરીને એમના ચાહકો કરતા હતાં.
ગાંધીજી, સત્યના પ્રયોગોમાં પ્રકરણ-39માં લખે છે કે, "સન ૧૯૦૮ સુધીમાં રેંટિયો સાળ મે જોયાં હોય એવું મને સ્મરણ નથી, હિંદ સ્વરાજમાં રેટિયોની મારફતે હિંદુસ્તાનની કંગાલીયત મટે એવું મે માન્યું ને જે રસ્તે ભૂખમરો ભાગે તે રસ્તે સ્વરાજ મળે, એ તો સહું સમજી શકે તેવી વાત ગણાય."
ગાંધીજીએ જયારે આશ્રમ સ્થાપ્યો ત્યારે આશ્રમવાસીઓએ હાથવણાટની ખાદીનાવસ્ત્રો પહેરવા, એવો ઠરાવ કરેલ એટલે આશ્રમમાં કાઠિયાવાડ તથા પાલનપુરથી સૌપ્રથમ હાથસાળ લાવીને વસાવાઇ હતી.હાથસાળ એ કપાસમાંથી તૈયાર થતાં કાચાંસૂતરના તાંતણામાંથી કાપડને વણીને તૈયાર કરવાનું યંત્ર હોય છે એમાં 18 પ્રકારના જુદાં જુદાં મૂળભૂત હિસ્સાં હોય છે જેના તાલમેળથી વસ્ત્ર તૈયાર થાય છે. કપાસમાંથી સુતરાઉકાપડ બનાવવાનો ઉલ્લેખ છેક વેદકાળમાં જોવા મળે છે. આઝાદી પૂર્વે આ દેશમાં 12થી પણ વધારે કપાસની જાતો વાવવામાં આવતી હતી અને કપાસમાં લાંબાતારનું રૂ પેદા કરવાનું સંશોધન,
ગૃત્સમદ ઋષિના ફાળે જાય છે. ભારદ્વાજ ઋષિના પુત્ર મૃત્સમદ જેમનું કુળ શુનહોત્ર હોવાથી શૌનક-ગૃત્સમદ ઋષિ કહેવાય છે એમને ૠગ્વેદના દ્વિતીય-મંડળની પુનઃરચના કરી હતી તથા કપાસમાંથી સૂત્ર નિર્માણ કરી
વસ્ત્રનિર્માણકલાના તથા એ માટેના યંત્રોનો આવિષ્કાર કરેલ હતો. આ વાતનો સંદર્ભ માજી ધારાસભ્ય(1952-56) શ્રી બાબુભાઇ પ્ર. વૈદ્ય કૃત "શાકુન્તલેય ભરત” નામના પુસ્તકમાં મળે છે,
ચક્ર પરથી ચરખો અને કૂવામાંથી સિંચાઇ માટે પાણી કાઢવા વપરાતાં "કોસ" ના હિન્દી નામ રેંહટ પરથી એની જેવી રચના ધરાવનાર, રૂ ની પૂણીમાંથી સૂતરને કાંતવાના સાધનને રેંટિયો કહેવાયો. સૌપ્રથમ કપાસના જીંડવા માંથી રૂ ની પૂણી બનાવાય છે પછી એ પૂણીમાંથી રેંટિયાની મદદથી સૂતરના તાર કાંતવામાં આવે છે
પણ ગાંધીજી લખે છે કે, સૂતર તે સુ-તર હોવું જોઈએ, રૂ માંથી ગમે તેવો ધાગો તાણી કહાડ્યો તેને સૂતર કોઈ નહિ ગણે સૂતર એ છે વણી શકાય. તે વળદાર રેસા વિનાનું અને એકધારું હોવું જોઈએ તે કીટીથી રહિત હોવું જોઈએ. જ્યારે સૂતર સહેજે સીધું નીકળવા માંડશે ત્યારે પ્રભુની ઝાંખી હૃદયમાં થશે ને પ્રભુ સૂતરના તાર ઉપર નાચતો જોવામાં આવશે. રેટિયાથી જે સૂતર કાંતાય છે એમાં થતી પ્રાથમિક ક્રિયાઓ વધુ મૃદુ હોવાથી રેસાની સ્થિતિસ્થાપકતા વધુ પ્રમાણમાં જળવાઈ રહે છે. વળી હાથે કાંતરનારના કોમળ સ્પર્શ તથા તેના હાથના અનુભવજન્ય વિવેકને લીધે મિલના "મ્યુલ" યંત્ર કરતાં પણ રેંટિયા પર કંતાયેલા સૂતરમાં લચકતા વધુ આવી શકે છે. આ દેશનો ઇતિહાસ છે કૈ, વીશ વાર ( અંદાજે 18 મીટર લંબાઇ) નો એક આખો તાકો કેવળ વાંસની ભૂંગળીમાં સમાઈ શકે એવી વસ્ત્રનિર્માણ કળા આ દેશે હસ્તગત કરી હતી, તેને આજનાં કોઈ પણ યંત્રો આંબી શક્યાં નથી. નેપાળ તરફ બનતાં રત્નકંબલ લગભગ પાંચ વારનાં હતાં અને તેમાં સુવર્ણના સૂક્ષ્મ તારો
ગૂંથવામાં આવતા, કૌશયની કારીગરી કરવામાં આવતી અને સાથેસાથ વિવિધ રત્નો વડે કિનારોને પાલવ પર મઢવામાં આવતા. બે કારીગરો આ રત્નકંબલ લગભગ એક વર્ષે તૈયાર કરતા હતા અને આવું ભવ્ય રત્નકંબલ છ તસુની પેટિકામાં ગોઠવાઈ શકતું હતું. જે પાટણનાં પટોળાં સદ્દશ હતાં, ઢાકાની મલમલ, કશ્મીરની પશ્મી
શાલ, વારાણસીની સાડીઓ, ભાગલપુરનાં કૌશય વસ્ત્રો, મદુરાની ધોતી, સૌરાષ્ટ્રના કામળા, સિંધ પ્રદેશના પટ્ટક વગેરે અનેક વસ્તુઓ હાથશાળમાં બનતી હતી અને ભારતની તમામ જરૂરિયાત હાથશાળ વડે પૂરી થતી હતી; એટલું જ નહિ પણ ભારતના વસ્ત્રઉદ્યોગ પરદેશોમાં અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ ભવ્ય ભૂતકાળ ની પુનઃ સ્થાપિત કરવાં ગાંધીજીએ રેંટિયોને પ્રાધાન્ય આપ્યું સૌ પ્રથમ રેંટિયો વિજાપુરથી પ્રાપ્ત થયો અને ઍની પાછળની સંઘર્ષકથા વિશે સત્યના પ્રયોગોમાં પ્રકરણ-40માં જણાવેલ છે. ગાંધીજી લખે છે કે તક આપવામાં આવે તો માણસ માત્ર સરખી રીતે પોતપોતાનો આધ્યાત્મિક વિકાસ સાધવાને સમર્થ થાય. આ મહાન સત્યનું રેટિયો પ્રતીક છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...
પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ હિમાલયના પુત્રી સાથે જોડાયેલ છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...
-
અસ્તિત્વ ની દોડ ... .... રોજેરોજ નવી આવતી ટેકનોલોજી, એની ઉપયોગ કરવામાં થોડા વખત પછી થતી સરળતા તથા "સરવાળે સસ્તું પડે છે" એવો...
-
પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ હિમાલયના પુત્રી સાથે જોડાયેલ છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...
-
ગુજરાતમાં આઝાદી પૂર્વે આયુર્વેદના મહાવિદ્યાલય તથા આયુર્વેદચિકિત્સાપદ્ધતિનો પ્રચાર-પ્રસાર કરતી માસીક પત્રીકાઓનો રસપ્રદ ઇતિહાસ છે. ગુજરા...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો