આજે અષાઢ સુદ અગિયારસ
શાસ્ત્ર માં पद्मा एकादशी કહેવાય છે. પૌરાણીક કથન અનુસાર આ દિવસ થી શ્રી હરિ શયન કરી જાય છે એટલે કે દેવશયની અથવા ગુજરાતી માં દેવપોઢી એકાદશી કહે છે.
8 મી થી 11 મી સદી સુધી નિર્માણ પામેલા આ દેશ ના સ્થાપત્યો માં શ્રીહરિ ના શેષશૈયાશાયી સ્વરૂપ ના પથ્થર શિલ્પ જોવા મળે છે..
ગુજરાત માં પાટણ મુકામે રાણી ની વાવ તથા મોઢેરા ના સૂર્યમંદિર ના જલકુંડ માં આ સ્વરૂપ ના દર્શન થાય છે.
દક્ષિણ ભારત ના લગભગ તમામ પૌરાણીક મંદિરોમાં શેષશૈયાશાયી શ્રી હરિ ના પથ્થર શિલ્પ કે મુર્તિ સ્વરૂપે દર્શન અવશ્ય થાય છે...
ચોમાસા ની ૠતુ માં વર્ષા ના આગમન થી શુભપ્રસંગો કે મોટા ઉત્સવો માં એકત્ર કરેલ માનવ સમુદાય ની વ્યવસ્થા અને સુખાકારી સાચવવી યજમાન માટે કપરી બને છે.
એટલે પૂર્વે ના વિચક્ષણ માનવીઓ એ પરંપરા કરી દીધી કે ચોમાસા ના ચાર મહિના ઘર માં જ રહેવું અને ગામતરાં ના કરવા ઘરે મોટા શુભ પ્રસંગો આદરી ને અન્ય ને આમંત્રવા નહી. પ્રભુ પોઢી ગયા છે એટલે એમના શયન માં ખલેલ ના પાડવી.
ઘર માં રહેવા થી કામ વિના નું માનવ મન ઉપદ્રવ કરે એટલે चर्तुमास ની ગોઠવણ કરી આ ચાર માસ દરમિયાન શરીર ના સ્વાસ્થય જાળવણી માટે ઉપવાસ અને મન ની શુદ્ધિ માટે
આધ્યાત્મિક ચિંતન, કથાશ્રવણ, પ્રભુકિર્તન, વ્રતાદી કરવું.
શ્રી હરિ કાર્તિક સુદ એકાદશી એ જાગ્રત થાય છે એટલે કે દેવઊઠી અગિયારસ જેને प्रबोधिनी एकादशी કહે છે. આ શબ્દ ઘણો સુચક અર્થ માં છે ; ચાર માસ શ્રી હરિ કાંઇ ઘસઘસાટ સૂતાં નથી પણ આરામ કે નિરાંત ની સ્થિતી માં હોય છે એટલે ઉત્તમ ચિંતન ના પરીણામે પ્રબોધ થાય છે. શ્રી હરિ ને પણ દર વર્ષે પ્રબોધ થવું પડે તો આપણે તો માનવ છીએ. स्वाध्याये न प्रमादित अव्यवम्।
પત્થર શિલ્પ માં પણ અંકિત કરાયેલ છે...
શ્રી હરિ આરામ કે નિરાંત ની સ્થિતી માં હોય છે.. એટલે ચિંતન ની દશા માં હોય છે ત્યારે નાભિ કમળ માંથી વેદ સહિત બ્રહ્માજી નું પ્રાગટય થતુ બતાવેલ છે.
કારતક માસ થી જેઠ માસ ના અંત સુધી આઠ માસ ના ગાળા માં જે પણ અર્થોપાજન માટે વ્યક્તિ એ દોડધામ કરી છે
એમાં હવે એને નિરાંત લેવાની છે...
આ ચારમાસ એને પોતાના પરીવાર સાથે ગાળવા ના છે
જે પણ કમાયું એમાં સાત્વિકતા લાવવા ચિંતન કરવાનું છે.
સુખ ના ઉપભોગ સાથે સાથે થયેલ ભૂલો હવે પછી ના વર્ષ માટે સુધારવા ની છે...
પ્રાચીનકાળ માં ગુજરાતી પ્રજા ની સમૃદ્ધિ નો મોટો આધાર વહાણવટા પર આધારીત પરદેશ ના વ્યાપાર પર હતો...
ચોમાસા માં દરીયો ખેડવો જોખમ કારક છે. અને આઠ માસ ના લાંબા પ્રવાસ બાદ પરત ફર્યા બાદ ઘરે ઉત્સવો મન ભરી ને માણવા ના હોય છે...
જુઓ ગુજરાતી પ્રજા ના મોટાભાગ ના વ્રત, અને લોકમેળા એમાં આનંદ ના ઉત્સવો ચોમાસા ના ચાર મહિના માં જ આવે છે.
ગુજરાત ને आनर्त्तप्रदेश એટલે કે નૃત્ય દ્વારા આનંદ મેળવનાર પ્રજા નો પ્રદેશ કહેવાતો...
પછી યુદ્ધ હોય કે જળમાર્ગ નો વ્યાપાર આ પ્રદેશ ની પ્રજા ને મન તો આનંદ નો ઉત્સવ જ રહેતો.
અને આજે પણ ગુજરાત માં જેની પ્રતિતિ કાનુડો રમાડવા, નવરાત્રી કે પછી તરણેતર ના લોકમેળા માં હુડો રાસ માં થાય છે.
શ્રી હરિ શેષશૈયા પર આરામ કરે છે ;
જે આફત ને અવસર માં ફેરવવા નું રૂપક છે...
ગમે એવી કપરી અને વિકટ પરિસ્થિતિઓને પણ વશ માં કરી ને પ્રભાવી અને સમૃદ્ધ થવાનું અને પછી નિરાંત લેવા નું સુચન કરે છે...
આ ચર્તુમાસ દરમિયાન ઘરપરિવાર ના સાંનિધ્યમાં રહેવાનું પણ સુચક રૂપક આ સ્થાપત્ય માં દેખાઇ આવે છે ;
શ્રી લક્ષ્મીજી અતિ સ્નેહ થી
શ્રી હરિ ને પાદસેવા કરતાં દેખાય છે જયારે અન્ય દેવાદી શ્રી હરિ ની આસપાસ ગોષ્ઠિ કરતાં પણ દેખાય છે એટલે કે અર્થોપાજન માં હડિયાપટ્ટી કરતો વ્યક્તિ પોતાના વતન માં ઘરપરિવાર ના સાંનિધ્યમાં જ નિરાંત અનુભવે છે અને એના વતનીઓ પણ એને જોઇને પ્રસન્નતા અનુભવે છે...
વ્યાપારી વર્ગ સિવાય નો બીજો મોટો વર્ગ આ પ્રદેશ માં ખેડુતો નો છે..
અષાઢ ના પ્રથમ સપ્તાહ માં વાવણી કરી દેવાય છે... પછી એની જાળવણી પરમસત્તા પર છોડી દેવાય છે..
શ્રાવણ- ભાદરવો વરસે ને ખુબ ધરતી ફુલે ફાલે છે...
આસો સુધી ખેતરે આંટા દેવા જવા નો પ્રશ્ન જ નહોતો.
આ પ્રદેશ નો રાજા રણછોડ... શ્રી દ્વારિકાધીશ જયારે કહે કે ,
कर्मण्येवाधिकारस्ते ...
પછી પ્રજા ને ચિંતા શેની ?
કર્મ માં પુરેપુરી સતર્કતા અને ભરપુર મહેનત હોતી જ એટલે પ્રભુ ને ચિંતા રહેતી..
આ પ્રજા તો ચિંતામુક્ત હોવાથી ઉત્સવઘેલી રહેતી આથી द्वारीका ને જ आनर्त्त પ્રદેશ કહેવાતો...
ખેતરો અને ઊભો મોલ ને જગતનિયંતા સંભાળી લે છે એવી પરમ શ્રદ્ધા અને વિશ્વાસ થી આ વર્ગ પણ ચર્તુમાસ માં ઘર પરીવાર ના સાંનિધ્યમાં રહી ને આધ્યાત્મિક ચિંતન તથા કથાવાર્તા, શ્રવણ કરતો હતો...
જો કે, આજે પાક વિમા ની ચિંતા કરવી પડે છે.
સરકારી રાહતો અને સબસીડીઓ થકી આ પ્રદેશ ની પ્રજા ; જાતમહેનત પર નો વિશ્વાસ અને ખુમારી ગુમાવતી જાય છે દિવસે દિવસે દિન, હિન, લાચાર અને ઉત્સાહ વિના ની ઉદાસીન બની રહી છે...
દેવશયની અગિયારસ ને આરોગ્ય ની સુખાકારી માટે દ્રાક્ષ સાથે જોડવામાં આવી છે.
વર્ષા ૠતુ નો આરંભ થયેલ છે આ ૠતુ માં વાતાવરણ ના ફેરફારો થી વાયુ અને પિત્ત ના પ્રકોપ જન્ય વિકારો થઇ શકે છે...
દ્રાક્ષ એના મધુર રસ થી પિત્ત નું અને અમ્લ રસ થી વાયુ નું શમન કરે છે.
100 ગ્રામ દ્રાક્ષ માં 18 ગ્રામ ગ્લુકોઝ હોય છે જયારે દૈનિક પોષણ મુલ્ય ના 18% જેટલું વિટામીન C તથા 22% જેટલું વિટામીન K હોય છે...
અહિંયા દ્રાક્ષ થી સુકીદ્રાક્ષ લેવી જેને કિશ્મીશ કહે છે.
વર્ષા માં પલારપાણી માં પલળેલા શાક એમાંય ખાસ કરી ને પત્રશાક... પેટ ની પાચન પ્રક્રિયા માં ખામી સર્જે છે કયારેક કૃમીજન્ય રોગ પણ કરે છે એટલે પત્રશાક કે શાક ખાવા નો નિષેધ વર્ષા માં કરાય છે...
ઉપવાસ કરવા હિતકર છે અને એમાંય દ્રાક્ષ માં રહેલ અન્ય ફરાળી ખાદ્ય ની સાપેક્ષે વધુ કુદરતી ગ્લુકૉઝ શરીર ને ઉપવાસ દરમિયાન આવશ્યક શક્તિ પુરી પાડી દે છે.
અષાઢ ની સુદ અગિયારસ થી પુનમ સુધી ના પાંચ દિવસ કુંવારીકાઓ માટે ગૌરીવ્રત નું વિધાન છે.
જયારે સૌભાગ્યવતી બહેનો માટે અષાઢ સુદ તેરસ થી અષાઢ વદ બીજ સુધી જયાપાર્વતિ વ્રત નું વિધાન છે..
આ વ્રત માં માઁ પાર્વતી ના ગુણો નું વર્ણન કરી મહાદેવ ભોળા શિવ ને આરાધવા માં આવે છે. જેને ગુજરાત માં મોળાકત કહે છે.
જેમાં ભોજન માં નમક ( મીઠું) એટલે કે લવણ રસ નો સંપૂર્ણ ત્યાગ કરી ને ઉપવાસ રહેવા ના હોય છે...
આરોગ્ય ની દ્રષ્ટિએ લવણ રસ ક્લેદ ઉત્પાદક છે. અધિક લવણ પિત્ત પ્રકોપક પણ બને છે વરસાદી વાતાવરણ માં લવણ ઓછું લેવાય તો સ્વાસ્થયવર્ધક બની રહે છે બહેનો ને ભવિષ્ય માં આર્તવદોષ સબંધી વિકારો થતાં નથી... ચૈત્ર માં જે અલૂણાંવ્રત કરાય છે એનું પણ આરોગ્ય દ્રષ્ટીએ તો આવું જ માહાત્મ્ય છે.
ઇગ્લેન્ડ ના કોઇ વિચક્ષણ અને જીજ્ઞાસું વ્યક્તિએ મહાત્મા શ્રી તીલક ને પૂછયું કે તમારે ત્યાં સારો "વર" મેળવવા બહેનો વ્રત રાખે છે તો કુંવારા પુરૂષ એવા કોઇ વ્રત કરે છે ખરાં ?
શ્રી લોકમાન્ય તિલકે ગર્વ અનુભવતાં જવાબ આપ્યો કે, મારા દેશ ની દરેક કન્યા જન્મ થી જ સદ્ ગુણી અને ચરીત્રશીલ છે એની આગળ ની જીવન યાત્રા માં સહાયક થાય એવો બત્રીસલક્ષણો જીવનસાથી મળી રહે એ માટે પ્રભુ ને પ્રાર્થના સ્વરૂપ વ્રત કરે છે...
પુરૂષો ને તો પ્રભુ પાસે આવી યાચના કરવાની આવશ્યક્તા જ નથી એમના માટે તો ઉત્તમ કન્યારત્ન પૂર્વે થી જ નિર્મિત થયેલ છે.
મનોવૈજ્ઞાનિકો એ પણ અમુક વિશ્લેષણ આધારીત તારણ કાઢેલ છે કે,
સ્ત્રીઓ એ પુરૂષો ને સમજવા પડે છે અર્થાત્ સ્ત્રીઓ એ તર્ક બુદ્ધિ થી પુરૂષો ના સ્વભાવ, પ્રકૃતિ અને ગુણો નું આકલન કરી પછી એ રીતે વર્તવું પડે તો શ્રેયકર થાય... જયારે પુરુષોએ તો માત્ર સ્ત્રીઓ ને ચાહવા ની છે પ્રેમ સન્માન અને આદર આપવા નો છે જેમ નિસર્ગ ને જોઇને ખુશ થઇ જવાય છે વિના સ્વાર્થે આનંદ ની ઉપલબ્ધી થઇ જાય છે એમ.
પણ આજે અવળું થાય છે એ થી વૈમનસ્ય ફેલાયુ છે.
સ્વયંવર ની પ્રથા પણ માત્ર સ્ત્રીવર્ગ ને જ વર પસંદ કરવાની સ્વતંત્રતા દર્શક હતી.
મોળાકત માં પુરૂષ ને નમક બાધ કેમ નહી ? એવો પણ પ્રશ્ન ઉદ્ભવે છે.. પ્રકૃતિ ના ફેરફાર ની અસર તો માનવશરીર પર તો સરખી જ થવાની ને...
તો.. જે પરીવાર માં સ્ત્રીવર્ગ ને મોળાકત હોય અને એમને માટે જે નમકવિના નું ભોજન નિર્માણ થયેલ હોય એ પુરૂષવર્ગ પણ જમી લે છે.. પ્રેમ હોવો જોઈએ. મોળાકત વ્રત કરતી દિકરી માટે આણેલા પેંડા, માવાની મીઠાઇ કે ખીર કે' દી એને એકલી એ આરોગી એમાંથી મોટોભાગ તો એનાં ભાઇઓ ખાતાં હોય છે..
એટલે બુદ્ધિ થી ભેદ દેખાય છે પણ પ્રેમ લાગણી થી બધુ સમાન જ હોય છે.
કંઇક અંશે પુરૂષ શરીર લવણ રસ ને સ્ત્રી શરીર કરતા વધુ સહી લે છે આ પણ એક કારણ છે...
લવણ રસ કલેદ ઉત્પન્ન કરે છે ઉપર થી વરસાદી વાતાવરણ આથી ખસખરજવાં જેવા ચર્મવિકારો શરીર ના સાથળ, બગલ (કાંખ), છાતી અને પેટને જોડતો ભાગ તથા પેડું-કમર ના ભાગે જે ફોલ્ડ પડતાં હોય ત્યાં પરસેવો રોકાઇ રહેવાથી વધુ થાય છે. અને આ વિકારો માં ખંજવાળ આવતાં ખંજવાળવું પુરૂષ કરતાં બહેનો માટે સાપેક્ષે વધુ શરમ સંકોચ જનક હોય છે. આથી પણ આ સમયગાળા માં લવણ નો ત્યાગ બહેનો માટે વધુ મહત્વ નો બની રહે છે.
આજે દેવશયની એકાદશી છે... દેવ ને શયન કરવા દેવા નાં છે પણ આપણે આર્થિક , સામાજીક અને શારીરિક સુખાકારી તથા ઉન્નતિ માટે ચિંતન કરવાનું શરૂ કરવાનું છે જેમાં પ્રકૃતિ પણ વરસાદી વાતાવરણ સર્જી ને સહાયક બને છે.
વિશેષ માં આ સમયકાળ દરમિયાન આરોગ્ય ની સુખાકારી માટે લવણ રસ નો ઓછો ઉપયોગ તથા દ્રાક્ષ ને પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરતાં રહીએ...
🙏 શ્રી હરિ 🙏
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો