બુધવાર, 19 જૂન, 2019

મધ

મધ…
વૈદ્યક ચિકિત્સા જગત માં
મધની સમસ્યા મોટી છે.
મધ ગરમ થવા ન દેવાય. !
ગરમ વસ્તુઓ સાથે ન મેળવાય. !
ગરમ વસ્તુ સાથે મધ ખવાય નહિ. !
મધ ખાધા પછી પણ ગરમ પાણી ન પિવાય. ! આમવાળા તાવ કે કોઈ રોગમાં પણ મધ ન અપાય કેમ કે એમાં તો ગરમ ઉપચારો કરવા જ પડે મધ ઉપર ગરમ ઉપચાર થઈ ન શકે’ !!

આવો શાસ્ત્રનો અભિપ્રાય છે.
मधु च उष्णम् उष्णर्यस्य च मधु मरणाय ।

બીજી બાજુથી ઘણા ઉકાળા મધનાખીને પિવાય છે અને એ ઉકાળા ગરમ હોય છે છતાં એ પીવાથી કોઈને નુકસાન થયું નથી એવી રજૂઆત થઈ છે; પરંતુ આ વાત બરાબર નથી. ઉકાળા ગરમ ગરમ હોય છે ત્યારે નહિ, પણ ઠરવા આવે ત્યારે તેમાં મધ મેળવાય છે… મેદ ઘટાડવા માટે મધ સાથે ગરમ પાણી મેળવીને પીવામાં આવે છે… એમાં પણ પાણી કોકરવરણું કહેવાય એટલું જ ગરમ લેવાનુ હોય છે.

આજનું વિજ્ઞાન પણ સ્વીકારે છે કે મધને ૪૦ સે. થી વધારે ગરમ કરી શકાતું નથી. ચોમાસામાં એકઠા કરેલાં મધમાં પાણીનો અંશ રહી જાય છે. એથી એ મધ વહેલું બગડી જાય છે, ખાટુ થઈ જાય છે. એથી મધને સાચવવા માટે મધનું વાસણ ગરમ પાણીમાં મુકીને તપાવવામાં આવે છે… મધમાંથી પાણીનો અંશ ઊડી ગયા પછી એને શીશીઓમાં ભરવામાં આવે છે. વિજ્ઞાને સ્વીકૃત કરેલી આ રીત છે.

  ( સાંપ્રત  કાળ માં મધ માં ક્રિસ્ટલ નો વિવાદ સામે આવેલ જેનુ કારણ સ્પષ્ટ રીતે પતંજલી વાળા આપી  શકાયા નહોતા.. પણ અહિંયા કદાચ  40 સે. થી વધુ ગરમી માં સ્ટોરેજ  અને પછી નીચા તાપમાને  ફ્રિજ  કે મોલ ની ઠંડક  માં સ્ટોરેજ  કરવાના કારણે  મધ માં ક્રિસ્ટલાઝેશન જોવા મળતુ હશે. . comment by Dr.Bhavesh R.Modh )

મધ ઉષ્ણતા સહી શકતું નથી. એનાં કારણો આપતાં સુશ્રુત લખે છે કે ,
उष्णैः न तु उष्णवीर्यैः किंतु उष्णस्पर्शे  અને એવું પણ કારણ બતાવતા  જણાવે છે કે મધમાખીઓમાં ઝેર હોય છે એથી એમણે એકઠું કરેલું મધ વિષાન્વિત હોય છે. બીજું એ કારણ છે કે અનેક પુષ્પો ના રસોમાંથી સંગ્રહાવેલું હોવાથી મધ સુકુમાર મનાયુ છે.

મધ વમન કરાવવા માટે તૈયાર કરેલા કવાથમાં નાખવામાં આવે છે અને એ ક્વાથ ગરમ પીવાનો હોય છે. ત્યારે શાસ્ત્રમાં જ પ્રશ્ન ઉઠાવાયો છે કે ગરમ વસ્તુઓ સાથે મધ કેમ મેળવી શકાય ? એ નુકસાન ન કરે? ત્યારે  જવાબમાં કહેવાયું છે કે અહીં એ દોષયુક્ત નથી કારણ કે મધનુ  પાચન થયા પહેલાં જ વમન કરી નાખવાનું છે અને એનો ઉપયોગ દોષોને બહાર કાઢવા માટે જ છે.

મધ ગરમ થવાથી બગડે એટલે રાસાયણિક રીતે શું વિકૃતિ થાય છે અને શરીરમાં જઈને કઈ રીતે મારક નીવડે છે એ બન્ને  પ્રયોગ ના વિષયો છે; પરંતુ દરદી ને નુકસાન. ન થાય એવી રીતે. પ્રયોગ કરવાની કોઈ પદ્ધતિ શોધી કાઢવી જોઈએ.

મધ અંગેનો બીજો પ્રશ્ન એ છે કે,
મધ અને ઘી નો સમાન માત્રામાં સંયોગ મારક નીવડે છે. ચરકે  વિમાન સ્થાનમાં લખ્યું છે કે સંયોગથી વિશેષ ગુણ ઊભો  થાય છે જે પહેલેથી બેમાંથી એકેય  દ્રવ્ય માં ન હતો. મધ અને ઘી  ભેગા થવાથી વિષરૂપ બને છે, જ્યારે મધ અથવા ઘી  બેમાંથી એકેય એકલું વિષરૂપ નથી .

ચરકે સૂત્રસ્થાન ૨૬મા અધ્યાયમાં સંયોગ ઉપરાંત સમમાત્રાને કારણ તરીકે ઉમેરી છે. અને કહ્યું છે કે મધ અને ઘી સમાન માત્રામાં લેવાથી વિરૂદ્ધ નીવડે છે. આ વિરોધનું અને એમાં વિષભાવ આવવાનું શું કારણ છે તે શાસ્ત્રોએ ક્યાંય કહ્યુ નથી; પરંતુ ડલ્હણની ટીકા ઉપરથી એક તર્ક કરી શકાય છે કે દ્રવ્ય રસથી કામ કરે છે, ગુણથી કામ કરે છે અને વીર્યથી પણ કામ કરે છે. જેમકે મધ કષાય રસવાળું છે એટલે પિત્તને જીતે છે. મધુર હોવાથી વાતને જીતે છે, એવી જ રીતે મધ રૂક્ષ હોવાથી કફ્ને જીતે છે. પરંતુ સુશ્રુતે રૂક્ષ, સ્નિગ્ધ, શીત, ઉષ્ણ, મૃદુ,તીક્ષ્ણ વગેરે આઠ વીર્ય પણ કહ્યાં છે. ઘી સ્નિગ્ધ છે, મધ રૂક્ષ છે;  ઘી શીત છે, મધ ઉષ્ણ  છે. આમ બેવડી રીતે ઘી અને મધ પરસ્પર વીર્ય વિરૂદ્ધ બને છે. મધ યોગવાહી છે, એટલે પ્રમાણમાં એકેય ઓછાવત્તા હોય તો બંને એકબીજાને મદદરૂપ થાય છે, પણ સમપ્રમાણ માં હોય તો એકબીજાના વિરોધી જ નીવડે છે એટલે મધ અને ઘીનો  સમપ્રમાણ માં સંયોગ વિરૂદ્ધાહારમાં બનતાં વિષરૂપ ગણ્યો છે.

આમ છતાં અત્યાર સુધી આપણે આપ્તવાક્ય તરીકે સ્વીકારીને ચાલ્યા છીએ. એમાં કારણ ની દ્રષ્ટિ એ  કોઈ વિશેષ તર્ક ચલાવશે તો એ આવકાર પાત્ર બનશે ..
- લેખક વૈદ્ય શ્રી બાલકૃષ્ણ હરિરામ દવે. . આયુર્વેદ ની ધરતી અને ધાવણ  પુસ્તક. . .

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...