બુધવાર, 19 જૂન, 2019

ચૈત્રી પડવો, શકસંવત

ચૈત્ર સુદ એકમ...

ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ...

ગુજરાતી માસ પ્રમાણે કારતક માસ થી દર ત્રીજા માસે નવરાત્રી આવે છે...

એટલે વર્ષ દરમિયાન પોષ, ચૈત્ર, અષાઢ અને આસો એમ ચાર નવરાત્રી આવે છે...

આરોગ્ય અને સુખાકારી ની દ્રષ્ટિએ આ સમયગાળો ૠતુસંધિ નો હોય છે...

ૠતુસંધિ માં શારીરીક બળ ઘટે અને જો આહાર - વિહાર માં સંયમ ના જળવાય તો વ્યાધિવિકાર થી મનુષ્ય ગ્રસ્ત થાય છે...
માટે માઁ શક્તિ ની ઉપાસના અને ભક્તિ કરવા માં આવે છે...

ચાર નવરાત્રી પૈકી  ચૈત્ર તથા આસો નવરાત્રી નો પ્રચાર- પ્રસાર વધુ છે...

 ચૈત્ર માં વસંતઋતુ હોય છે એટલે કફ દોષ જન્ય વ્યાધિ વધુ પીડા આપે છે...
અને એનાથી પણ  વિશેષ આસો માં શરદઋતુ હોય છે જેમાં પિત્તજન્ય વ્યાધિઓ માનવજાત ને પીડે છે...

 વેદના થાય એટલે માઁ નું સ્મરણ થાય... માઁ વિના કોણ ઉગારે ?

या देवी सर्व भूतेषु शक्तिरुपेण संस्थिता  नमःतस्यै नमः तस्यै ।

ચૈત્ર સુદ એકમ થી નવો શકસંવત શરૂ થાય છે
આજે શકસંવત ૧૯૪૦ નો પ્રારંભ છે...

શક પ્રજા મધ્ય એશિયા માંથી સ્થાનાંતર કરી ને હિંદ માં પશ્ચિમ થી પ્રવેશ કરેલ હતો...

સિંધુ નદી ના કિનારે આ સાહસીક અને વ્યાપારી પ્રજા... ઘણી પ્રગતિશીલ અને સમૃદ્ધ બની હતી...

ગુજરાત માં કચ્છ અને ત્યાંથી દક્ષિણભારત માં મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ માં ફેલાઇ હતી...
ઇ.સ. ના 78 માં વર્ષ થી શકસંવત ની શરૂઆત થાય છે...

શક રાજાઓ માં કનિષ્ક અને શાલીવાહન નું નામ અતિપ્રસિદ્ધ છે..

મહારાષ્ટ્ર ના પ્રતિષ્ઠાનપુર જે આજે पैठाण તરીકે જાણીતું છે એ શાલિવાહન કે સાતવાહન શક શાસક સાથે ઐતિહાસિક સંબધ ધરાવે છે...

વિક્રમસંવત ના ૧૩૫ વર્ષ પછી શકસંવત ની શરૂઆત થાય છે...

કેટલીક પૌરાણીક કથા બતાવે છે... વિક્રમાદિત્ય બીજા એ મહારાષ્ટ્ર ના પ્રતિષ્ઠાનપુર પર આક્રમણ કરેલ અને શાલિવાહન એ એને પરાસ્ત કરેલ એટલું જ નહી એના સૈન્યને ખદેડતા છેક નર્મદા કિનારા સુધી પાછળ પડેલ ... અંતે સંધિ કરાઇ જેમાં ભારત નો ઉત્તર ભાગ વિક્રમાદિત્ય તથા દક્ષિણ ભાગ શાલિવાહન ના આધિપત્ય નીચે રહ્યો...

ઉત્તર ભારત માં વિક્રમસંવત ની શરૂઆત કાર્તિક સુદ એકમ થી થાય છે...

શાલિવાહન શક શાસક ના પ્રભાવ હેઠળ દર વર્ષે  શકસંવત નો પ્રથમ  દિવસ  ગુડીપડવો તરીકે ઉજવાય છે..

ગુજરાતી માં સુદ એકમ ને પડવો કહે છે...

ગુડી ને બ્રહ્મસ્તંભ પણ કહેવામાં આવે છે  બ્રહ્મસ્તંભ કે ધ્વજારોહણ નો દેખાવ ગુડી-ઢીંગલી જેવો હોવાથી કાળક્રમે લોકબોલીમાં ગુડી શબ્દ આરૂઢ થઇ ગયો...

ગુડીપડવા ના દિવસે.. એક વાંસ ની ટોચે  લાલ કે કેસરી રેશ્મીવસ્ત્ર બાંધવા માં આવે છે.. એક તાંબા ના કળશ પર પંચભૂત કે પંચદેવ ના પ્રતિક રૂપ પાંચ ઉભી લીટી કુમકુમ થી દોરાય છે.. સ્વસ્તિક પણ કરે છે.. આ કળશ ને રેશ્મી વસ્ત્ર  બાંધેલા વાંસ ની ટોચે  ઊંધો મુકાય છે...

 આ બ્રહ્મસ્તંભ ને સાકર ના હાર જેને ગુજરાત માં હારડા કહે છે અને નવા જન્મેલા બાળકો ને હોળી ના સમયગાળામાં ભેટ આપવા નો રીવાજ છે...

તથા નિમપત્ર ની માળા પહેરાવાય છે... ત્યાર બાદ ઘર ના આંગણે આ બ્રહ્મસ્તંભ રોપવામાં કે ધ્વજારોહણ કરવામાં આવેછે એનું પૂજન શ્રદ્ધા, ભક્તિ, ઉત્સાહ થી કરાય છે...

ગ્રીષ્મકાળ માં પિત્તવિકારો માં નિમપત્ર તથા સાકર નુ સેવન  શિતતા પ્રદાન કરે છે... એટલે  તાજા નિમપત્ર તથા સાકર પ્રસાદ રૂપે ગ્રહણ કરાય છે...

સિંધી પ્રજા ચૈત્ર સુદ બીજ ના દિવસે સુખ - સમૃદ્ધિ ના આરાધ્ય દેવ દરિયાલાલા ( झुलेलाल) ની જન્મજયંતી ઉજવે છે..

 જેને ચેટીચંડ કહેવાય છે...

 સિંધીભાષા માં ચૈત્ર ને ચેટી તથા ચંદ્ર ને ચંડ બોલવામાં આવે છે...

 ચૈત્રી સુદ  બીજ નો ચંદ્ર એટલે ચેટીચંદ...

મહાશિવરાત્રી થી શરૂ થયેલ વસંતોત્સવ ચેટીચંડ પર પુરો થાય છે...

માનવ ઉત્સવપ્રિય છે..
આનંદ તો છલકાવવાનો જ એમાંય પ્રકૃતિ પણ
નવા પુષ્પો ની સુગંધો,
ફળો ના સુમધુરા સ્વાદ ,
રંગબેરંગી પતંગીયા,
પક્ષીઓ ના કર્ણપ્રિય કલરવ થી વસંત ને લાવે છે...
એટલે પ્રાણી માત્ર ની પંચેન્દ્રીય આ વિષયો નો આનંદ લઇને ઉત્સાહિત થઇ જાય છે...

સર્વે મિત્રો ને શુભેચ્છાઓ સહ અભિનંદન...

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...