આયુર્વેદ ચિકિત્સા શાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંત
( ચ.સૂ.અ-૧)
हेतुलिङ्गौषधज्ञानं स्वस्थातुरपरायणम् |
त्रिसूत्रं शाश्वतं पुण्यं बुबुधे यं पितामहः||२४||
હેતું, લિંગ, ઔષધના જ્ઞાનવાળું ; ત્રિસૂત્રી, શાશ્વત, પુણ્ય આપનાર આયુર્વેદ ચિકિત્સાશાસ્ત્રને પિતામહે પણ જાણ્યું, સમજયું અને કહ્યું છે. એ શાસ્ત્રનો સ્વસ્થ અને રોગી વ્યક્તિએ આશ્રય કરવો.
આ સૂત્રમાં સ્વસ્થવ્યક્તિ, લાંબુજીવન સ્વસ્થતાથી જીવી શકે તે માટે તથા રોગીવ્યક્તિના ; વ્યાધિ - વિકાર, ચિકિત્સક ઝડપથી અને સારીરીતે દૂર કરી શકે એ માટે, ત્રિસૂત્રીય- હેતું લિંગ ઔષધની અનુભવસિદ્ધ જાણકારીનું મહત્વ દર્શાવેલ છે. આજે ઓ.પી.ડી. માં રોગી આવે ત્યારે સૌપ્રથમ એના લક્ષણો પરથી વ્યાધિ નું અનુમાન કરાય છે. આજે સિમ્પટોમેટીક રીલીફ આપનાર ચિકિત્સાનો આગ્રહ અને જરૂરીયાત રહે છે એટલે લક્ષણ અનુસાર ચિકિત્સા કરી લેવાય છે.
જો કે, વ્યાધિનું નિર્મૂલન અને અપુનર્ભવ માટે વ્યાધિ કેમ અને કેવીરીતે ? થયો છે, એ ચિકિત્સકે જાણવું જોઈએ અને પછી ઔષધ એટલે કે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ નિર્ધારીત કરવો શ્રેયકર અને શ્રીકર રહે છે.
હેતું ... આ વિષયે વિસ્તૃત ચર્ચા નિદાનસ્થાનના પ્રથમ અધ્યાયમાં દર્શનીય છે. અહિં ચિકિત્સા દ્રષ્ટિકોણથી... નિદાનપરિવર્જન પણ ચિકિત્સાની પ્રાથમિક અને આવશ્યક જરૂરીયાત હોય છે આથી હેતુ જાણવાં જોઇએ...
આયુર્વેદ શાસ્ત્રમાં ચિકિત્સાના ત્રણ પ્રકાર બતાવેલ છે જેમાં પ્રમુખ युक्तिव्यापाश्रय છે જેમાં વિવિધ ચિકિત્સાકર્મો અને ઔષધથી ચિકિત્સા થાય છે, ખાસ કરીને વ્યાધિ અપુનર્ભવ માટે તેમજ પ્રત્યાખ્યેય વ્યાધિ વિકાર જેમ કે, Autoimmune diseases માં વ્યક્તિ દિર્ઘાયુ રહે એ માટે सत्वावजय चिकित्सा મહત્વની બની રહે છે અને જયારે ઉપરની બે ચિકિત્સાઓ અપેક્ષાથી ઓછું પરિણામ આપતી જણાય ત્યારે दैवव्यापाश्रय चिकित्सा નું વિધાન છે.
દૈવવ્યાપાશ્રયચિકિત્સામાં પૂર્વેકૃત પાપકર્મ હેતું સ્વરૂપે રહે છે.
આ જે પાપકર્મ છે એનાથી વ્યક્તિનું મન હણાય છે, દુઃખી થાય છે જેની અસર - પ્રભાવ શરીર પર વ્યાધિ-વિકાર રૂપે પ્રગટે છે,
જેમ કે કોઇને શરીરના આભ્યંતર અવયવોમાં ગ્રંથી થયેલ હોય અને ઊંડાણથી નિદાનોની શોધ કરાય તો એ વ્યક્તિના મનમાં પણ ઘણી ગ્રંથીઓ હોવાની માહીતી મળે છે.
દૈવવ્યાપાશ્રય ચિકિત્સામાં મંત્રજાપ, મંગલક્રિયાઓ, મણિરત્ન દિવ્ય ઔષધિ ધારણ કરવી.... વિગેરે જે પણ કંઇ કરાય છે, એનો પ્રભાવ રોગીવ્યક્તિના મનને શાંત, સ્થિર અને ઉપાધિરહિત થઇ શ્રદ્ધા વિશ્વાસ પ્રગટ થવામાં સહાયક થાય છે.
મન સ્વસ્થ થતાં શરીર પણ વ્યાધિમુક્ત થાય છે...
હેતું - લિંગ- ઔષધ ત્રિસૂત્રમાં, હેતું; પ્રથમ ક્રમાંકે છે પણ ઓ.પી.ડી. માં Signs & Symptoms એટલે કે લિંગ નો પ્રથમ ક્રમાંક છે આથી ચિકિત્સકે લિંગ જાણીને એ વ્યાધિ ઉદ્ભવે છે એના પાછળના હેતુ શોધવાના રહે છે અને હેતું પ્રમાણે ઔષધ એટલે કે ટ્રીટમેન્ટ માં યુક્તિવ્યાપાશ્રય, સત્વાવજય કે દેવવ્યાપાશ્રય ચિકિત્સા કરવાથી હંમેશા ચિકિત્સાસિદ્ધિને સત્વરે પ્રાપ્ત કરે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો