શનિવાર, 10 ઑક્ટોબર, 2020

શારદીય નવરાત્ર - 1

આજથી શરૂ થતો શારદીય-નવરાત્રનો માઁ આદ્યશક્તિની આરાધનાનું પર્વ આપના માટે સર્વ પ્રકારે મંગલમય અને આનંદપ્રદ રહે એવી હાર્દિકશુભેચ્છાઓ સહ...જાણીએ નવરાત્રનું માહાત્મ્ય

   ગરબા અને ડાંડીયાં..., 

વિશ્વભરમાં ગુજરાતની પ્રજાની ઓળખ બની ગઇ છે. 

આ નવરાત્રનો ઉત્સવએ એની મૂળ ઉત્પત્તિનું કારણ છે. 

"નોરતાં" અને "ગરબાં" શબ્દની વ્યુત્પત્તિ કરનાર અને આ શબ્દો કયાંથી અને કયારથી પ્રચલિત થયા છે..? એની શોધ કરનાર સૌપ્રથમ વ્યક્તિ અંગ્રેજવિદ્વાન "ટર્નર" હતો, એણે ઇ.સ.1931માં જણાવ્યું કે, મૂળ સંસ્કૃતમાં "નવરાત્ર" શબ્દ દ્વન્દ્વ સમાસ છે. જેનું અપભ્રંશ થઈને પહેલાં નવરાત્રી અને પછી લોકબોલીમાં "નોરતાં" થયું !!! 

૧૪મી સદીના ચારણ-સાહિત્યમાં નોરતાં શબ્દ મળે છે અને એજ રીતે ઘડાં માં રાખેલા દીવાં માટે વપરાતાં શબ્દ "गर्भदीप" પર થી "ગરબો" પ્રચલીત થયો...

છેલછબીલો-મોજીલો ગુજરાતી પણ, એ ગુજરાતી ઉદ્યમી-ચતુર અને વ્યાપારી હોવાથી, માઁ આદ્યશક્તિની ભક્તિને રાત્રીના ઉત્સવ તરીકે ઉજવવાનું શરૂ કર્યું. દિવસે ધંધા-વ્યવસાયને લીધે, ઉપરાંત શરદઋતુમાં દિવસે સૂર્યનો તાપ પણ આકરો લાગે છે એટલે ઉત્સવનો ઉત્સાહ ના રહે અને ભક્તિની મજામાં ડિસ્ટર્બન્સ થાય તો આરાધનામાં ધ્યાન રહે નહી એટલે રાત્રે ઉજવણી નક્કી કરી હશે, આથી  આ પર્વ નવરાત્ર નામે ઓળખાયો.

દૈત્યગુરૂ-ઉશનસના પૌત્ર અને રેવા-નર્મદાનદીના તીરે નિવાસતા લોકઋષિ-માર્કન્ડેય એ ઋષિકૌષ્ટુક સાથે જે સંવાદ કરેલ એ "માર્કન્ડેય પુરાણ" તરીકે પ્રસિદ્ધ થયેલ અને આ, વાસ્તવિક ઐતિહાસિક ઘટના જ હતી કેમ કે,

આ પુરાણમાં વર્ણવેલ સ્થળો આજે પણ સ્થાનિક નામ સાથે નર્મદાનદીને કિનારે સ્થિત છે.

અતિપ્રસિદ્ધ અને શ્રદ્ધાનું કેન્દ્ર એવું,  દેવીકવચ તથા "દુર્ગાસપ્તશતી" માર્કન્ડેયપુરાણની જ રચના છે. 

ઇ.સ.502માં મૈત્રકરાજાઓના શાસનકાળમાં નવરાત્રને "દેવીસત્ર" તરીકે ઉજવણી કરાતી હતી એવાં ઉલ્લેખવાળા તામ્રપત્રો મળેલછે.

5000વર્ષ પહેલાની સિંધુસંસ્કૃતિના ઉત્ખનનમાં, હડપ્પા અને મોહેં- જો-દરોમાંથી પણ દેવીશિલ્પો મળેલ છે,

1500વર્ષ પૂર્વે, સમ્રાટ ચંદ્રગુપ્ત પણ માઁ દુર્ગાનાં આસ્થાવાન પરમભક્ત હતાં એમણે દુર્ગામંદિરો તથા રાજયના ચલણીસિક્કામાં દુર્ગાની મુર્તિ અંકિત કરાવેલ હતી.

હિંદુ-વર્ષ કેલેન્ડર પ્રમાણે કાર્તિક માસથી દર ત્રણમાસે નવરાત્ર આવે છે તથા છ-ઋતુઓ પૈકી ચાર ઋતુઓનો પ્રારંભ પણ આ નવરાત્રના સમય દરમિયાન થાય છે.

૧.પોષ નવરાત્રમાં શિશિરનો પ્રારંભ, 

૨.ચૈત્ર નવરાત્રમાં વસંતનો પ્રારંભ, 

૩.અષાઢ નવરાત્રમાં વર્ષાનો પ્રારંભ, 

૪.આસો નવરાત્રમાં શરદનો પ્રારંભ.

આયુર્વેદ ચિકિત્સાશાસ્ત્રના દ્રષ્ટિકોણથી, ઋતુબદલાય ત્યારે અંત પામતી ઋતુ અને આરંભ થતી ઋતુ વચ્ચેના સમયગાળાને "ઋતુસંધિકાળ" કહે છે, આ ઋતુસંધિકાળમાં માનવશરીર એ વાતાવરણમાં થતા ફેરફારની અસર તળે સ્વાભાવિક રીતે થોડુંક નબળું પડે છે એમાંય જો આ સમયગાળા દરમિયાન આહાર-વિહારમાં સંયમ ના રખાય અથવા પ્રજ્ઞાપરાધ એટલે કે, જાણતાં હોવા છતાંય ભુલ કરવાથી, વિકાર-રોગલક્ષણો પ્રગટ થાય છે. 

આથી બદલાતી ૠતુઓના ઋતુસંધિકાળ દરમિયાન તન સાથે મનનું સ્વાથ્ય જાળવવા તેમજ વ્યાધિમુકત રહેવા, આપણા ઋષિતુલ્ય વિચક્ષણ પૂર્વજોએ જનસામાન્યનું આરોગ્ય જળવાઈ રહે, તે માટે આહાર-વિહારમાં સંયમની સાધના કરવાં હેતું, નવરાત્ર દરમિયાન માઁ આદ્યશક્તિની ઉપાસનાની પરંપરા ગોઠવી હશે. 

સાંપ્રતકાળમાં ચૈત્રનવરાત્ર જેને "શાકંભરીનવરાત્ર" કહે છે તથા આસો નવરાત્ર જેને "શારદીયનવરાત્ર" કહે છે, એની ઉજવણી અને ઉપાસનાવિશેષ જોવા મળે છે. જો કે, આયુર્વેદ ચિકિત્સાશાસ્ત્ર મુજબ વસંતના પ્રારંભમાં તથા શરદના પ્રારંભમાં શરીરમાં દોષોના સંચયજન્ય પ્રકોપને કારણે રોગચાળો થાય છે એટલે શોધન ચિકિત્સાકર્મનું પણ આ બે ઋતુઓ અંતર્ગત વિશેષ વિવેચન કરાયું છે વળી શરદને તો રોગોનીમાતા ગણી છે "शारदि रोगाणाम् माता"

વેદકાલીન સંસ્કૃતિમાં કોઈને દીઘાયુના આશિર્વાદ વચન રૂપે પણ "સૌ શરદ ઋતુ જીવો" शतम् शरदं जीवितः કહેવાતું હતું. 

વસંત તથા શરદના ઋતુસંધિકાળના સમય દરમિયાન પ્રજા, આહારમાં સંયમ અને આધ્યાત્મિક અનુષ્ઠાન દ્વારા મનના વેગો પર કાબું રાખે તો, પ્રજ્ઞાપરાધજન્ય અસાત્મય-ઇન્દ્રિયાર્થને કારણે થતાં શારીરિક-માનસિક રોગોમાંથી મુક્ત રહી શકે છે અને સુખી તથા સમૃદ્ધ બની શકે છે. આથી ચૈત્રમાં શાકંભરી નવરાત્ર તથા આસોમાં શારદિય નવરાત્ર  પ્રસિદ્ધ છે. 

છ-ઋતુઓ પૈકી ચૈત્રમાં આવતી વસંતઋતુ અને આસોમાં આવતી શરદઋતુમાં વાયરલ રોગો-વ્યાધિવિકારોનું પ્રમાણ સવિશેષ જોવા મળે છે.

દુઃખ પડે તો, સૌ પહેલાં माँ જ યાદ આવે, 

માટે શરદ-વસંતના વ્યાધિરૂપ દુઃખોને દૂર કરવા માઁ આદ્યશક્તિની જ આરાધના કરવી પડે, એ કુદરતી નિયમે પણ આ બે ૠતુઓનાં નવરાત્ર લોકમાં સવિશેષ પ્રચલિત અને પ્રસિદ્ધ છે.

માઁ દુર્ગાએ વિવિધ સ્વરૂપે જે મહિષાસુર અને એના જુદાં-જુદાં રાક્ષસ-યોદ્ધાઓનો નાશ કરેલ એના આનંદોત્સવ સ્વરૂપે નવરાત્ર મનાવાય છે. એ દર્શાવતાં કેટલાંક કથાનકો પુરાણોમાં જોવાં મળે છે.

આ લેખ ના ભાગ - 2 માં નવરાત્ર ના નવરાત્રી દરમિયાન થતાં માઁ દુર્ગાના નવ સ્વરૂપો વિશે જાણીશું...


ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...