બુધવાર, 19 જૂન, 2019

ખીચડો

મિત્રો,
 આજે 14 જાન્યુઆરીએ  ઉતરાયણનો તહેવાર  ઉજવાશે ,  પરંપરાગત  રીતે  ઉત્તરાયણ નિમિત્તે ગુજરાત ના લગભગ દરેક ઘરમાં સાત ધાન્ય ભેળવીને ખીચડો બનાવવામાં આવતો હતો. ...

પણ,   આજે જલેબી  ફાફડા  કે ઉંધીયાનુ ચલણ વધી ગયુ છે, પહેલા ગોળ-તલ  ની ચીકી કે લાડુ  ઘરે બનાવાતા  અત્યારે  વેરાયટીના નામે હલકી ગુણવત્તાની ઘણી બધી જાતની ચીકી  બજારમાંથી તૈયાર  લવાય  છે. 
એમ ઉતરાયણનો ખીચડો  પણ ઘણી અલગ-અલગ ધાન્ય-કઠોળ તથા તીખો કે  મીઠો  બનાવવામાં આવે છે ..

     એ બધામાં પ્રાચીન અને પરંપરાગત તથા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ  લાભદાયી સાત ધાન્યનો,  અહીં તીખો ખીચડો બનાવાની રીત વર્ણવી  છે .

કારણ કે, આખો દિવસ ધાબા ઉપર પતંગ ઉડાડીને અને ઠંડો પવન ખાઈને ગળું પકડાઈ ગયું હોય તો ગરમ ગરમ અને તીખો ખીચડો ખાઈને બીજા દિવસે ફરી
’એ કાપ્યો છે… ’ની બૂમો પાડવા તૈયાર થઈ જવાય…

Real Traditional KHICHDO

સામગ્રી :-
૧ કપ  જુવાર
૧/૪    કપ ઘઉં
૧/૪    કપ દેશી ચણા
૧/૨     કપ ચોખા
૧   ચમચી મગ
૧   ચમચી મઠ
૨   ચમચી  લીલીતુવેર ના દાણા 
૧ કપ  ડુંગળી ઝીણી  સમારેલી
૧/૨    કપ લીલુ લસણ ઝીણું સમારેલુ
૮ – ૧૦ લીલા મરચા ઝીણાં સમારેલા
૧/૨    કપ કોથમીર સમારેલી
મીઠું સ્વાદ પ્રમાણે
તલનું તેલ

૧/૨  ચમચી  હિંગ

ખાસ નોંધ : જો ચોખાને બદલે કમોદ, બંટી, કોદરી, ચેણો, મોરૈયો આ પણ ચોખાની જ જાતો છે   એમાંથી કોઇ  એક મળી જાય તો બેસ્ટ રહેશે મોરૈયા સિવાયના કમોદ, બંટી, કોદરી, ચેણો  વિગેરેને પણ છડવા  એટલે કે ફોતરા દૂર કરવા પડશે,  જો તેનાં તાંદળા  તૈયાર  મળે તો છડવા ની ઝંઝટ નહી રહે.  કમોદ, બંટી વિગેરે એક પ્રકારની  ચોખાની જાત જ છે,  જે ડાયાબીટીસ  તથા કોલેસ્ટેરોલના દર્દીને બ્રાઉનરાઇસ  કરતા પણ વધુ હિતકારી છે.

રીત:-
જુવાર, ઘઉં, ચણાને હુંફાળા પાણીમાં ૭ – ૮ કલાક પલાળો. મગ અને મઠ ૪ – ૫ કલાક પલાળો. પલળી જાય એટલે તેમાંથી પાણી નિતારી બધું જ ધાન્ય (ચોખા / મોરૈયા સિવાય) અને કઠોળને ભેગું ખાંડણીમાં નાખીને ફોતરા ઉખડે તે રીતે છડી નાખો. (હળવે હાથે ખાંડી લો). હવે તેને બે – ત્રણ દિવસ તડકામાં સૂકવીને એકદમ કોરો થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લો.
જ્યારે આ ખીચડો બનાવવો હોય ત્યારે તેને ફરી ૫ – ૬ કલાક પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ તેમાં પાંચ ગણું પાણી, ચોખા/મોરૈયો , લીલી તુવેરના દાણા કે સુરતી લાલચોળ પાપડી ના દાણા તથા મીઠું ઉમેરી તપેલીમાં બાફી લો.
હવે એક પહોળા વાસણમાં તેલ, મૂકી તેમાં હિંગ નાખી ડુંગળી, લીલું લસણ, લીલા મરચાં સાંતળો, પછી તેમાં ચપટી હળદર નાખી ખીચડો વઘારી લો. સારી રીતે હલાવીને મિક્સ કરીને ગેસ બંધ કરો. ઉપર સમારેલી કોથમીર નાખી… ગરમ ગરમ ખીચડો તલના તેલ, દહીં અને લીલા મરચા સાથે ખાવાની મજા જ અનેરી છે.

"કળકળતો  ખીચડો"  શબ્દ સૌ કોઈ  એ સાંભળ્યો  હશે એ ઉતરાયણ  પહેલા સામુહિક  કે સામાજિક  શુભ કાર્ય   ના કરવા માટે  લાલબત્તી સમાન  હોય છે .
પણ ઉતરાયણના દિવસે ગરમાગરમ  ખીચડો  ખાઈને  શુભ કાર્ય  ની શરૂઆત  કરાય છે. 
જયોતીષ ની દ્રષ્ટિએ  સુર્ય  ધન રાશી  છોડી (धन+अर्क ધનાર્ક પૂરાં ) મકર રાશીમાં પ્રવેશ  કરે છે એટલે કે સૂર્યની મકરસંક્રાતી  થાય છે.. સૂર્ય હવે ઉત્તર  તરફ  આગળ વધશે .. એટલે ઉતરાયણ  જેથી   તેનો તાપ ધીમી ગતિએ  વધે છે. સમગ્ર વાતાવરણ  માં નવુ ચૈતન્ય  ફેલાઈ  જાય છે અને આ શરૂઆત  પૂર્ણ  પણે ફાગણ પૂર્ણિમા સુધી   ખીલી ઉઠે છે ..
       આયુર્વેદશાસ્ત્રમાં આ હેમંત,  શિશિરની ઋતુમાં જે ઠંડા પવનો તથા સુકાઅં વાતાવરણ થી વાયુને પ્રકોપિત કરે છે આથી (શિયાળામાં) ગુરૂ પણ પૌષ્ટિક અને સ્નિગ્ધ ગુણવાળો ખોરાક લેવાની સલાહ આપવામાં આવી છે.  એ પ્રમાણે આ ખીચડામાં સાત પ્રકારનાં ધાન્ય વપરાય છે . જે કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીનથી ભરપૂર છે. જરૂરી  તમામ  પોષક તત્વો થી પૂર્ણ  આ સાત ધાનનો ખીચડો   ડાયાબીટીસ  અને હાયપર ટેન્શન તથા હૃદયરોગી  પણ સમ્યક માત્રા માં ખાઇ શકે પણ દિવસે. ...
પછી થોડી પતંગ ચગાવવાની  કસરત પણ કરવી જરૂરી છે.  આ સિઝન માં કેલ્શિયમના સ્રોત રૂપ તલનું તેલ શરીરને શક્તિ આપે છે તથા શીત વાતાવરણ  ને લઈ ને પ્રકુપીત  થતા વાતદોષ નુ પણ શમન કરે છે.

આ ખીચડો  આયુર્વેદીય  દ્રષ્ટિએ  વાત દોષનું શમન કરે છે  તથા કફને સ્ત્રોતસ માંથી ઉત્કલેષ કરી કોષ્ઠ માં લાવે છે. જેથી સ્વસ્થવૃતના નિયમ પ્રમાણે  વસંતની શરૂઆતમાં કફદોષ  ને બહાર  કાઢવા પંચકર્મ પૈકી વમનકર્મ કરાય છે એ જ રીતે  આ પ્રકાર નો  ખીચડો  ખાવાથી કંઈક અંશે  મીની પંચકર્મ જેવો પણ  લાભ મળી શકે  છે .

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...