શ્રીકૃષ્ણ-જન્માષ્ટમીના બીજા દિવસે પારણાંનોમના દિવસે શ્રીકૃષ્ણ-મંદિરોમાં મુખ્ય પ્રસાદ તરીકે પંજરી અપાય છે.
મૂળ તો પંચાજીરી શબ્દનું અપભ્રંશ થઇને પંજરી નામ થયેલ છે, જન્માષ્ટમીની રાતે બનતી પ્રસાદની પંજરીમાં મોટાભાગે પાંચ પ્રકારના જીરાં નાંખવામાં આવતાં નથી.
જન્માષ્ટમી નિમિતે પ્રસાદમાં અપાતી પંજરીમાં ધાણાં મુખ્ય હોય છે, એમાં ટોપરાંનું છીણ તથા બુરૂખાંડ પ્રભાવી રૂપે હોય છે અન્ય દ્રવ્યોમાં થોડી સુંઠ ઉપરાંત કાજુ, બદામ અને ચારોળી નાંખવામાં આવે છે,
ઉત્તર ભારતીય પ્રજા એમાં मखना એટલે કે કમળકાકડી (કમળ કે પોયણાંનાબીજ)ને શેકી ધાણી કરીને નાંખે છે. જયારે ગુજરાતી પ્રજા, જે પરંપરાગત પંજરી બનાવે છે, એમાં નંખાતા દ્રવ્યોના ભેદથી બે પ્રકાર થાય છે.
૧... ધાણાં, સુંઠ, સુવાંદાણાં, બુરૂખાંડ અને ટોપરાંનું છીણ તથા ઘી અથવા
૨... સૂંઠ, ખસખસ, અજમો, કોપરાંનું છીણ અને સુવાંદાણાના ભૂકામાં બુરૂખાંડ તથા સહેજ ઘી મેળવીને કરેલું મિશ્રણ હોય છે
પંજાબ સહિતના ઉત્તરભારતમાં પ્રસૃતા સ્ત્રી માટે સદ્યબલપ્રદ અને ગર્ભાશય શુદ્ધિ માટે એક વિશિષ્ટ પ્રકારની પંજરી બનાવવામાં આવે છે, જેમાં कमरकस એટલે કે ખાખરાનો ગુંદર, ઘઉંનો લોટ, ગોળ, ઘી નાંખીને પાક બનાવાય છે, એમાં ઔષધ-દ્રવ્યોમાં સુંઠ, જીરૂ, અજમો, ઇલાઇચી, મગતરીનાબીજ ઉપરાંત ટોપરાંનું છીણ, અને કાજુ, બદામ ઉમેરવામાં આવે છે.
વૈદ્યકનાં દ્રષ્ટિકોણથી જીરાં પાંચ જાતના હોય છે.
૧. સફેદ જીરૂ :- જે મારવાડ અને ગુજરાતમાં પુષ્કળ પાકે છે. સામાન્ય રીતે દાળ-શાકમાં વઘારમાં વપરાય છે.
૨. શાહજીરૂ :- રંગે કાળું, લાંબુ - પતલુ અને સુગંધીદારને સ્વાદે-સહેજ કડવું તથા તુરૂ હોય છે. ઘણાં ઔષધીયોગમાં વપરાય છે, આજકાલ કેટલીક બેકડ-બેકરીની વાનગીઓમાં ગાર્નિસીગ તરીકે પણ વપરાય છે.
૩. વિલાયતી જીરૂ :- શાહજીરૂ જેવુ જ પણ કડવાશ ઓછી હોય છે.
૪. કલોંજી જીરૂ :- આના દાણાં કંઇક ત્રિકોણકાર હોય છે. તેને હથેળીમાં ચોળતાં લીંબુ કે ગાજર જેવી વાસ નીકળે છે. કેટલીક વાર વ્યાપારી ક્લોંજીને બદલે ડુંગળીના મધરપ્લાન્ટના બીજ આપી દેતાં હોય છે, કેટલીક ખાસ રેસેપીઝ માં
સુગંધીદ્રવ્ય તરીકે ઉમેરાય છે ઇસ્લામીક રાષ્ટ્રોમાં તથા યુનાની વૈદકમાં આ ઔષધિદ્રવ્ય ઘણી વ્યાધિઓના ઔષધયોગમાં ઉપયોગી છે આથી ઉચ્ચ સન્માનીય સ્થાન ધરાવે છે.
૫. ઓથમી જીરૂ :- આને ઇસબગુલ તરીકે ઓળખે છે, કબજીયાત દૂર કરનાર OTC પ્રોડકટ તરીકે ખ્યાતીપ્રાપ્ત છે.
આ પાંચેય દ્રવ્યોનો આહાર ને જીર્ણ કરવાનો એટલે કે સારી રીતે પચન કરાવી આપવાના ગુણ તથા વર્ણ-રૂપ માં થોડી થોડી સમાનતા હોવાથી પાંચ-જીરાંની સંજ્ઞા પ્રાપ્ત થયેલ છે.
જે ખાધેલ ખોરાકને જીર્ણ કરે એ જીરૂ , સંસ્કૃતમાં એને जीरक કહે છે ભાવપ્રકાશ ગ્રંથ માં जीरक ના रूक्षं कटुकं दीपनं लघु संग्राहि पित्तलं मेध्यं गर्भाशय-विशुद्धिकृत् ज्वरघ्नं पाचनं बल्यं वृष्यं रुच्यं कफापहम् चक्षुष्यं पवन-आध्मान-गुल्मः छर्दिः अतिसार हृत् આ જે ગુણ-કર્મ વર્ણવેલ છે એ આયુર્વેદશાસ્ત્ર વર્ણિત પાંચ જીરક : કલોંજી, સુવાં, શાહજીરૂ, જીરૂ અને અજમાં ને સમાન રીતે લાગુ પડે છે,
આ જન્માષ્ટમીએ નીચે દર્શાવેલ પંજરી બનાવો ખાવ અને ખવડાવો, આ રેસેપીમાં મુખ્ય પાંચ દ્રવ્યોમાં સુંઠ, સુવાં, ધાણાં, જીરૂ અને અજમો છે, જે આયુર્વેદ દ્રષ્ટિકોણથી ઉત્તમ દિપન-પાચન તથા વાતાનુલોમન કરનારાં દ્રવ્યો છે, આ ૠતુમાં જે પાચન સંબંધિત સમસ્યાઓ થાય છે એમાં ઔષધિય કાર્ય કરે છે. આ પાંચ પૈકી દરેક દ્રવ્યનો પાચન સંસ્થાન પર કાર્ય કરવા નો સ્વતંત્ર અને વિશિષ્ટ ગુણધર્મ છે.
પંજરી બનાવવા માટે 50 ગ્રામ જેટલા ધાણાંને એકાદ ચમચી દેશી ગાયના ઘી માં શેકી લ્યો, શેકતી વખતે જ એમાં એક-એક ચમચી જીરૂ, સુવા, સૂંઠ, અજમો નાંખી લેવો, સમગ્ર મિશ્રણ શેકાતાં એક ખાસ પ્રકારની મનભાવન વાસ આવવા લાગે એટલે ગેસ-ચૂલા પરથી પાત્રને નીચે ઉતારી ઠંડું થવા દેવું, પછી આ મિશ્રણને મિક્ષ્ચરમાં ઝીણું દળી લેવું, કુલ મિશ્રણથી અડધા ભાગે ટોપરાંનું છીણ તથા સાકરનો ભૂકો અથવા બુરૂખાંડ મેળવી લેવી, એક - એક ચમચી ચારોલી, કાજુ, બદામ અને એલચીનો ભુક્કો ઉમેરવાંથી આ પંચાજીરી એટલેકે, પંજરીના આહ્લાદક સુગંધ સાથે આલોકીક સ્વાદમાં અભિવૃદ્ધિ થશે.


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો