બુધવાર, 19 જૂન, 2019

ખાદ્ય અને ભોજન નો સમય

ભૂખ લાગે ત્યારે જમી લેવું ને 
થાકી જવાય ત્યારે સુઈ જવું....
આ,  જગતનું માનવજાત માટે અને સમસ્ત પ્રાણીજગત માટે સનાતન સત્ય છે.
આયુર્વેદમાં પણ ચરક સંહિતાના વિમાનસ્થાન અને સૂત્રસ્થાનમાં આહાર બાબતે ઊંડાણપૂર્વક ચિંતન કરીને સૂત્રોનું વિવેચન  કરવામાં આવ્યું છે.

આજે જે પણ આહારદ્રવ્યો અને ભોજનગ્રહણકાળ બાબતે જે પણ  માન્યતાઓ પ્રવર્તે છે એ મુખ્યત્વે પશ્ચિમી  નેચરોપથીના સિદ્ધાંતો આધારિત છે.

આપણે આ વિષયની એટલે કે
વર્તમાનમાં,ભોજન ક્યારે લેવું ?  કેવી રીતે કરવું ? તથા
ભોજન માં શું લેવું ?

એની વિવેચન ની શરૂઆત ચરકસંહિતાના વિમાનસ્થાન અધ્યાયપહેલો - રસવિમાન તથા અધ્યાય બીજો- ત્રિવિધકુક્ષીયવિમાન આધારિત કરીએ...

રસવિમાન અધ્યાયની  શરૂઆતમાં મધુરાદિ છ પ્રકારના રસો તથા દોષો ની સંખ્યા વિગેરેની ચર્ચા કરી છે, ત્યારબાદ આહારવિધિ ના આઠ વિશેષ આયતનો એટલે કે  પ્રકૃતિ, કરણ, સંયોગ, રાશિ, દેશ,  કાળ, ઉપયોગ સંસ્થાન અને ઉપયોક્તા એટલે કે આહાર કરનારનું સ્વરૂપ કે લક્ષણ બતાવેલ છે.

આ અધ્યાય માં ઉપયોક્તા એટલે કે ભોજનકરનારાની બાબતે સૂત્રમાં મહત્વની વાત "ઑકસાત્મ્ય" ની જોવા મળે છે.

આહારવિધિ ના જે મુદ્દા જણાવેલ છે,
એ આજના સમય માટે ઘણાં જ મહત્વના છે
જો આ આઠેય મુદ્દાઓને બરાબર સમજીને અનુસરવામાં આવે તો, દુનિયામાંથી 90 ટકા રોગોની વિદાય થઈ જાય.
1.. ઉષ્ણ અને સ્નિગ્ધ ભોજન જમવું
2.. માપસર ભોજન લેવું 
3.. પહેલાંનું જમેલું પચી જાય પછી જ જમવું
4..વીર્ય વિરુદ્ધ આહાર દ્રવ્યો એકત્ર કરી ખાવા નહીં
5.. ઇષ્ટ સ્થાન માં બેસીને જમવું .
6.. બહુ ઉતાવળે જમવું નહી તેમજ બહુ ધીમે પણ જમવું નહીં.
7.. એકાગ્રચિત્તે જમવું.
8.. પોતાના સાત્મ્ય અને અસાત્મ્ય તરફ લક્ષ્ય રાખીને જમવું.

આ રસવિમાન અધ્યાયની દરેકે - દરેક વિષયવસ્તુને સારી રીતે સમજી લેવામાં આવે તો હાલની ભોજનસબંધી તમામ સમસ્યાઓનો યોગ્ય અને કાયમી નિકાલ આવી શકે એમ છે.

અધ્યાય-૨ માં વિશેષ મહત્વની બાબત, વ્યાધિ-વિકાર ની ઉત્પત્તિ થવા વિશે જણાવતા કહે છે કે ,
ભોજન કરતી વખતે વ્યક્તિ એ 
હોજરી- आमाशय ના ત્રણ ભાગો કલ્પિત કરીને,
એક ભાગ મૃત એટલે કે ઠોસ આહારદ્રવ્યો માટે,
બીજો ભાગ દ્રવ એટલે કે પ્રવાહી આહાર દ્રવ્યો માટે,
અને ત્રીજો ભાગ વાત, પિત્ત તથા કફ માટે રાખવો જોઈએ...
સાથે-સાથે માત્રા યુક્ત ભોજનનું લક્ષણ શું હોય ?
એની વિસ્તૃત ચર્ચા કરેલ છે.
જો આ પ્રમાણે આહાર ના લેવામાં આવે તો સૌ પ્રથમ આમ-પ્રદોષજ વ્યાધિઓની ઝાડા ઊલટી વિગેરેની ઉત્પત્તિ થાય છે અને એનું વિસ્તૃત વર્ણન કરાયેલ છે.

આયુર્વેદ ચિકિત્સાના મૂળભૂત સિદ્ધાંતોમાં વ્યક્તિના શરીરની અગ્નિ અને આમવિષનો દરેકે દરેક વ્યાધિ- વિકારોમાં ઊંડાણપૂર્વક ચિંતન કરવામાં આવેલ છે.

આથી અહીંયા જે ત્રિવિધકુક્ષીયવિમાન અધ્યાય અંતર્ગત તથા રસવિમાન અધ્યાયમાં વર્ણવેલ બાબતો વ્યક્તિના અગ્નિને સમ્યક રાખવાનું અને આમવિષ ઉત્પન્ન જ ના થાય તે માટેની તકેદારી સૂચવતા સૂત્રોનો સંગ્રહ આપેલ છે.

દરેક સંહિતામાં સૂત્રસ્થાનનું આગવું મહત્વ રહેલું છે.
કેમકે, એ સંહિતાના અન્ય સ્થાનોના અધ્યાયોમાં આવતી મહત્વની બાબતો..., 
                        ચિકિત્સાની દ્રષ્ટિએ ચિકિત્સક અથવા અભ્યાસુઓને હાથવગી રહે, કંઠસ્થ રહે એ માટે ટૂંકમાં પણ સચોટ રીતે તથા મોટાભાગે પદ્યમાં સૂત્રોનો સંગ્રહ કરીને સૂત્ર સ્થાનનું નિર્માણ કરેલ છે.

ચરક સંહિતાના સૂત્ર સ્થાનમાં પણ અધ્યાય 5 - માત્રાશિતીયમાં  આહાર અંગે વિવેચન કરવામાં આવ્યું  છે,  અધ્યાયની શરૂઆત માં અગ્નિ બળ પ્રમાણે જ વ્યક્તિએ ભોજન માં આહારની માત્રા લેવી તથા  ખાદ્ય પદાર્થોની રોજિંદા આહારમાં કેટલા લેવા કયાં - કયાં લેવા, સ્વાસ્થ્ય માટે પથ્ય અને હિતકારી પદાર્થો ની ચર્ચા કરેલ છે.
આ અધ્યાયમાં દિનચર્યાનું વર્ણન પણ આવે છે. દિનચર્યાની શરૂઆત અંજનથી થયેલ છે, અંતમાં વસ્ત્ર ધારણ, રત્ન ધારણ તથા સ્વાસ્થ્ય અને સુખ પ્રાપ્તિના માર્ગોની પણ ચર્ચા કરેલ છે.પણ સમગ્ર દિનચર્યામાં "ઊષઃપાન કે સવારે ભોજન લેવું કે કેમ ?"
  એનો કોઈપણ જાતનો ઉલ્લેખ નથી, 
માત્ર ભાવપ્રકાશ સંહિતામાં એ સમયના હઠયોગક્રિયાઓના બહોળા પ્રચારથી પ્રભાવિત થઈ આચાર્ય ભાવમિશ્રે ઊષઃપાન નું વર્ણન કરેલ છે,
 મૂળ આયુર્વેદના ગ્રંથોમાં સવારે પાણી પીવાનો ક્યાંય ઉલ્લેખ કરાયેલ નથી.

અધ્યાય-૬ તસ્યાશિતીય  માં  વરસની છ ઋતુઓમાં સ્વાસ્થય અને સુખાકારી બની રહે એ માટે શું આહાર અને વિહાર કરવો એની ચર્ચા કરેલ છે પણ
દિવસના સવારમાં, મધ્યાહન કાળે કે સાંજના  સમયે  આહાર લેવો કે કેમ ? એ વિશે ઉલ્લેખ નથી.

સુત્ર સ્થાનના અધ્યાય ૨૬ આત્રેય ભદ્રકાપ્યીય એ અંતર્ગત આહારના મધુર વિગેરે ૬ રસ તથા વિરુદ્ધ આહારઓનું વિસ્તૃત વર્ણન કરેલ છે. 
અધ્યાય 27માં અન્નપાન વિધિ અંતર્ગત જુદાજુદા આહાર દ્રવ્યો ના ગુણધર્મો વર્ણવેલ છે. અને  અધ્યાય 28 માં વિવિધાશિતપિતીય  અંતર્ગત
"ધાતુઓને આહાર પોષણ ની જરૂર રહે છે"  એ મુખ્ય મુદ્દા અનુસાર ધાતુ પ્રદોષજ વિકારોનું વર્ણન કરેલ છે અધ્યાયના અંતે
" પ્રજ્ઞા અપરાધ એ બધા અનર્થોનું મૂળ છે" તથા "અજ્ઞાનીઓને જ રોગો થાય છે " દર્શાવેલ છે
એ માટે આહારની વિધિમાં જણાવેલ 8 હેતુઓ તથા અપથ્ય નો ત્યાગ કરવા વિશે ઉપદેશ આપેલ છે

છેલ્લે "કર્મજન્ય રોગો ની ઉત્પત્તિ ટાળી શકાતી નથી"
એમ કહેલ છે.

ટૂંકમાં,
મૂળ આયુર્વેદિય સંહિતાઓનો આહાર બાબતે દ્રષ્ટિકોણ
 "અગ્નિ ની સાપેક્ષે માત્રાવત્ ભોજન કરવાનો છે." 
એટલે કે ભુખ લાગે તો જમવું અને જમતી વખતે આહારવિધિ ના આઠ મુદ્દાઓનું પાલન થવું જરૂરી છે.
 જો એમ નહીં થાય તો રોગોની ઉત્પત્તિ થશે.

આજે જે આહાર બાબતે ગેરમાન્યતાઓ પ્રવર્તે છે
જેમકે સવારે ભરપેટ ભોજન કરવું અને સાંજે હળવું ખાવુ તથા દિવસના અમુક અમુક સમય પાચનતંત્ર ભોજન પચાવવા સક્ષમ છે. આવી બાબતો આયુર્વેદ ચિકિત્સા ગ્રંથોમાં ચરક, સુશ્રુતે કે વાગભટ્ટે નિર્દેશ કરેલ નથી. એમને તો માત્ર કહ્યું છે કે અગ્નિબળ ની સાપેક્ષે માત્રાવત્ ભોજન કરવું...

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...