ગુરુવાર, 8 નવેમ્બર, 2018

શુભ દિપાવલી - શારદાપૂજન અને મેરાયાં ની પરંપરા.

 

આજે દિપાવલી, વિક્રમસંવત-૨૦૭૫નો અંતીમ દિવસ,
અંતથી આરંભ કરવો, એ ગુજરાત અને ગુજરાતીપ્રજાની સદીઓ જુની ખાસિયત અને આગવી ઓળખ બની ગયેલ છે. આવતીકાલથી વિક્રમસંવત-૨૦૭૬ નું નવું વર્ષ શરૂ થશે. ગુજરાતનો વ્યાપારીવર્ગ આજે આવનારા નવાવર્ષના ખાતાવહી- ચોપડાંઓનું પૂજન કરશે. ધંધા-વ્યાપારની સમૃદ્ધિ, એ સતત એના નિરીક્ષણ અને એ પ્રમાણે નવા સુધારા-વધારા પર આધારિત  છે. નવીપેઢીની પ્રજામાં ખાતાવહી-રોજમેળ ચોપડાઓની જગ્યા ડેટા-એન્ટ્રી (ટેલી એકાઉન્ટે) લીધી છે. પણ મૂળ ઉદેશ્ય તો, એક જ છે કે, ધંધા-વ્યવસાયમાં ઉન્નતિ થવી જોઈએ જેના થકી સુખ અને સમૃદ્ધિ આવે છે.  ચોપડા લખવા કે, ડેટાએન્ટ્રી કર્યા બાદ સમયાંતરે એનું મુલ્યાંકન કરતાં રહેવાથી કોઇપણ ધંધા-વ્યવસાયમાં પ્રગતિ નિશ્ચિત થાય જ છે.
     દિપાવલીના દિવસે કરાતાં ચોપડાંપૂજનને "શારદાપૂજન" કહેવાય છે.
અહિંયા કલા અને જ્ઞાનની દેવી, શ્વેતવસ્ત્રધારીણી, સૌમ્યસ્વરૂપા, શિતલ, સાત્વિક માઁ શારદાનું પૂજન-અર્ચન  કરી કૃપા મેળવવા નો હેતુ છે. सरः એટલે સરકવું એ ગતી-પ્રવાહના અર્થમાં છે જે હંમેશા ભૌતિકજગતમાં એટલે કે અંદરથી બહારની તરફ થાય છે. જયારે शरः તીવ્રગતીથી ભેદન કે છેદન કરનાર, એવાં અર્થમાં છે.  🏹 બાણના અગ્રભાગને शरः કહે છે, જેને ગુજરાતીમાં ભાલોડું કહેવાય છે. शरः શબ્દ ભૌતિકજગત માંથી આધ્યત્મક્ષેત્ર તરફની ગતી સુચક અથવા બહારથી અંદરની તરફ ગતી સુચક શબ્દ છે. शरत्काले पुरा यस्मात् नवम्यां बोधिता सुरैः એટલે माॅ शारदा આથી આપણે દિપાવલીની સંધ્યા ટાણે જે ચોપડાંપૂજન કરીએ છીએ એને શારદા-પૂજન કહીએ છીએ. "શારદા" એટલે આત્મચિંતન કરીને યથાર્થને જાણવામાં સહાય રૂપ થનાર. શારદાએ "કર્મ" છે, જયારે સરસ્વતીએ "પરીણામ" છે. બ્રહ્માની જ્ઞાનશક્તિ અને વાણીની અધિષ્ઠાત્રી દેવીને સરસ્વતી કહી છે. सारं ददातीति सारदा જે "સાર" આપે છે એ सारदा છે આથી આપણે પ્રથમ माँ शारदाની કૃપાથી આત્મચિંતન કરવાનું છે શારદાથી જ સરસ્વતીની કૃપા મળે છે. બહુ સુચકઅર્થ સાથે આ શારદાપૂજનની પરંપરાને દાખલ કરાઇ છે. દરેક વ્યવસાયકારે પોતાના વ્યવસાયમાં કલાકારવૃતિ કેળવવાની છે
એટલે કે, નિત્ય જે વ્યવસાયમાં કર્માભ્યાસ થાય છે એનું પ્રતિદિન ચોપડાંલખવા સ્વરૂપે ચિંતનયુક્ત સ્વાધ્યાય થવો જરૂરી છે. જેનાં પ્રભાવે સાત્વિકતાથી આજીવિકા પ્રાપ્ત થાય છે અને આવી જ આજીવિકા શ્રીલક્ષ્મી છે. જે શાંતી, સમૃદ્ધિ અને સુખાકારી આપે છે. शारदावंदना માં કહે છે કે, शुक्लां ब्रह्मविचार सार, परमाम् आद्याम् जगद्व्यापिनीम्, वीणा पुस्तक धारिणीम्, अभयदाम् जाड्यान्धकार अपाहाम्, हस्ते स्फाटिक मालीकाम्, विदधतीम् पद्मासने संस्थिताम्, वन्दे ताम् परमेश्वरीम् भगवती बुद्धि प्रदाम्  शारदाम् ।। પહેલાં કર્મયોગી બનીને પાત્રતા કેળવવા માટે શારદાવંદના છે. માઁશારદાનું વાહન "મયુર" બતાવેલ છે. જે કર્મમાં દરેક દ્રષ્ટિકોણથી સતરંગી મહેનત, ભાવ અને ઉત્સાહથી થવી જ જોઈએ એની પ્રતિકાત્મક રજૂઆત છે. જયારે સરસ્વતીવંદનામાં લખે છે કે, या कुन्द इन्दु तुषार हार धवला, या शुभ्रवस्त्र आवृता, या वीणा वरदण्डमण्डितकरा, या श्वेतपद्मासना, या ब्रह्मा अच्युत शंकर प्रभृतिभिः देवैः सदा वन्दिता, सा माम् पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा ।। અહિંયા કુન્દ એટલે કે शल्लकीના પુષ્પ જે સફેદ રંગના અને સુગંધી હોય છે. સુકાયા પછી પણ લાંબો સમય દૂર દૂર સુધી એની સુગંધ ફેલાય છે એ રીતે શુભકર્મનું ફળ તો લાભ આપે જ છે, એટલે મળેલ પરીણામના ધન્યવાદ રૂપે તથા સદાય માઁની કૃપા બની રહે એવી અપેક્ષા સાથે સરસ્વતીવંદના કરાય છે. માઁસરસ્વતીનું વાહન "રાજહંસ" બતાવેલ છે જે પરમ સાત્વિકતા સાથે પૂર્ણ સિદ્ધિના કારણે જીવનમાં શાંતી અને સંતોષનું પ્રતિકાત્મક રજૂઆત છે.
     થોડાંક વર્ષો પહેલાં સુધી દિપાવલીની રાતે ગામડામાં "મેરાયું" લઇને, એમાં બાળકો ઘરેઘરે તેલ-ઘી પુરાવવા નિકળતાં હતાં, "અઇણી-મઇણી મેર મેરાયું જે ઘી પુરાવે એને..." આવા તાલબદ્ધ સુર પણ સંભળાતાં,  હવે લગભગ આવું જોવા મળતું નથી. મેરાયાંની પરંપરા શ્રીકૃષ્ણના ગોવર્ધન પર્વતને ધારણ કરવાના કથાનક સાથે જોડાયેલ છે, જયારે શ્રીકૃષ્ણે ગોકુળવાસીઓને વેદકાલીન સંસ્કૃતિ પ્રમાણે પ્રકૃતિનું પૂજન કરવા કહ્યું અને ઇન્દ્રને બદલે ગોવર્ધનપર્વતની પૂજા કરાઇ ત્યારે બારેય મેઘ ખાંગા થયાં, શ્રી ગિરીધરગોપાલે લીલા કરીને ગોવર્ધનની નીચે આખાય ગોકુળને વરસાદી પ્રકોપથી રક્ષયું હતું. વરસાદ બંધ થતાં ગોપ લોકોએ પર્વતની ગુફાઓમાં આશ્રય લેનારા અન્ય ગ્રામવાસીઓનાં ક્ષેમ-કુશળ પૂછવા હાથમાં કામચલાઉ મશાલો(મેરાયાં) લઇને પર્વતની ગુફાએ-ગુફાએ ફરતાં અને વ્રજ બોલીમાં પૂછતાં मावडी, गाव़डी मेर मेरायुँ એટલે કે, આપની ગાયો વિગેરે પહેલાની જેમ સંખ્યા પ્રમાણે બધુ પશુ ધન મેળમાં તો આવી ગયું છે ને !! કાળક્રમે મેરાયું શબ્દ "મેળબેસાડવાને" બદલે દિપાવલીની રાતે બનાવાતી કામચલાઉ મશાલ માટે વપરાવવા લાગ્યો. આ કથાનક એ દિપાવલી ના બીજા દિવસે થતી ગોવર્ધનપૂજા અને અન્નકુટની પરંપરાસાથે અનુસંધાન પણ ધરાવે છે.
    દિપાવલીની સંધ્યાએ પરંપરાગત મેરાયું બનાવવા માટે ખીજડાં કે આકડાંનીશાખા અથવા શેરડીનો સાંઠો લેવામાં આવે છે. આશરે ૨૪ આંગળ( 2 ફુટ) લાંબા અને બે આંગળ( 2 ઇંચ) વ્યાસના ટૂકડાં માંથી એક ૬ આંગળનો ટૂકડો કાપી લેવાય છે એને વચ્ચેથી ચીરીને બે ફાચર ત્યાર કરાય છે. બાકી વધેલા અઢાર આંગળ લાંબા ટૂકડામાં છ આંગળ સુધી + આકારે ચીરાં લગાવાય છે આ ચીરાંમાં બનાવેલ ફાચરને બેસાડી દેવાય છે. આસપાસ કપડાંના ટુકડાં વીંટીને માટીથી અંદરબહાર સારીરીતે લીંપીને મશાલનો આકાર દેવાય છે.

    દિપાવલીની રાતે એમાં સૂકાંટોપરાંની એક કાચલી મૂકી એમાં રૂ-સહિતના કપાસીયાં ભરાય છે પછી તેલ કે ઘી નાંખીને તૈયાર કરાય છે. શારદાપુજન બાદ આરતી માટે મેરાયું પ્રગટાવાય છે. મેરાયું એ પ્રકાશ સાથે સમૃદ્ધિનું પ્રતિક છે. એટલે ઘરમાં ફેરવીને પછી ઘરનાં વાડામાં રહેલ પશુંઓને પણ પ્રજવલિત મેરાયાનું દર્શન કરાવે છે અંતે ચારરસ્તા પર કે ગામની બહાર એને ઊભું કરી દેવાય છે.
    "મેરાયું" શબ્દ વિશે ચિંતન કરીએ તો, સંસ્કૃત શબ્દ "મેરુક" નું અપભ્રંશ થયેલ હોય એવું લાગે છે.
    मेरुक = मि +रुः, मिनोति क्षिपति गन्धानिति संज्ञायां = यक्षधूपः "મેર" નો ગુજરાતી અર્થ "કૃપા", "દયા", "મહેરબાની" બતાવેલ છે. ઐતિહાસીક ઉલ્લેખ મુજબ પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં વસતી એક જાતી માટે વપરાતો "મેર" શબ્દ,  मिहिर એટલે કે સૂર્ય પરથી આવે છે, આ કોમ શુરવીર અને જુસ્સોધરાવનાર છે,  અશ્વપાલનનો શોખ ધરાવે છે. તેઓ સ્નેહાળ, નિમકહલાલ, નિખાલસ અને સૂર્યપૂજક છે. સંભવતઃ મેરાયું શબ્દ પણ "મિહિર" અને "મેર" કે "મેરુ પર્વત" જેવાં ગુણવાચક  શબ્દો સાથે સંબંધિત છે..પરંપરાગત રીતે માનવામાં આવે છે કે, શારદાપૂજનના અંતે, મેરાયાંથી આરતી કરવાથી સુખ-સમૃદ્ધિ મળે છે તથા પશુઓને એ મેરાયાંના દર્શન કરાવવાથી તથા ઘરમાં મેરાયું ફેરવવાથી પશુઓને તથા પરીવારજનોને રોગચાળો આવતો નથી.
     આજે પણ મોડાસા તાલુકાના શામપુર ગામના અતિપ્રાચીન સ્વયંભૂ કુઢેરાં મહાદેવ પાસે અરવલ્લીની ગિરિમાળાની ટેકરી ઉપર વિશાળ મેરાયું આવેલું છે. આ મહિમાવંતા, 15 ફૂટ ઊંચા અને 7 ફૂટ પહોળા મેરાયાંના ત્રાંબાના પરણાયામાં સવામણ ઘી પૂરી,  ધોતીનાજોટાની દીવેટ બનાવી કુઢેરાં મહાદેવની સાયંકાળની આરતીના ઘંટારવ સાથે દીપાવલીની રાત્રે મેરાયું પ્રગટાવવામાં આવે છે. ચૌહાણકુળના વંશજ ક્ષત્રિયો - સરડોઇ, શામપુર ગામના ગ્રામજનોની ઉપસ્થિતિમાં મેરાયુ પ્રગટાવી પ્રકાશના આ મહાપર્વને વધાવે છે.
     દિપાવલીની રાતે અમાસનાઅંધકારને અજ્ઞાન કે અણઆવડતના પ્રતિક સમાન ગણીને જ્ઞાનરૂપી પ્રકાશનો પર્વ બનાવવાનો શુભ અને કલ્યાણકારી સંદેશ આપતાં પ્રકાશનાંપર્વ દિપાવલીની હાર્દિક શુભેચ્છાઓ સાથે,
આવતીકાલના સુપ્રભાતથી શરૂ થતાં...
વિક્રમસંવત - ૨૦૭૬
,  નૂતનવર્ષના અભિનંદન.
સંકલન અને રજૂઆત : ડૉ.ભાવેશ આર. મોઢ-કચ્છ.

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...