ગુરુવાર, 8 નવેમ્બર, 2018

ધનતેરસે ધન્વંતરી મહિમા

       આસો વદ તેરસને "ધનતેરસ" કહેવાય છે. ધનનો સીધો સંબંધ આરોગ્યતા સાથે છે. આરોગ્યવાન સંસારના સુખો ભોગવી શકે છે અને ધન પણ કમાઇ શકે છે, ધનનું પ્રયોજન અંતે તો સુખો મેળવવા માટે જ છે. આરોગ્ય નબળું હોય અને પુષ્કળ ધન હોય છતાં પણ સુખોને જો સારીરીતે ભોગવીના શકાય તો એ ધન નું પ્રયોજન શું ?
     धन्वंतरी त्रयोदशी શબ્દનું કાળક્રમે અપભ્રંશ થઇને ધનતેરસ થઇ ગયું. આપણા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીજીએ સને 2016થી દર વર્ષે ધનતેરસને ભગવાનધન્વંતરીના પ્રાગટ્યદિવસને "રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ" તરીકે રાષ્ટ્રની પ્રજાને ઉજવણી કરવાની જાહેરાત કરી. આ દિવસે, આયુષ મંત્રાલય દિલ્હી દ્વારા દર વર્ષે કોઇ એક વ્યાધિવિકારનો વિષય નક્કી કરી આખુ વર્ષ એના પર સંશોધનકાર્ય કરીને લોકોમાં એ વિષયે જાગૃતતા લાવવાનું શરૂ કરેલ છે. સને 2016માં પ્રથમ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે " Mission मधुमेह" નક્કી કરાયેલ જે અંતર્ગત આયુર્વેદ દ્વારા ડાયાબીટીસનું પ્રિવેન્શન તથા કંટ્રોલની થીમ રજૂ કરાયેલ. સને 2017માં "પેઇન મેનેજમેન્ટ બાય આયુર્વેદા" અને આ વર્ષે 2018 માટે "આયુર્વેદ એન્ડ પબ્લિકહેલ્થ" નો વિષય નક્કી કરાયેલ છે. આ વર્ષે 2019 માં ચતુર્થ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ની થીમ सुख आयु दीर्घ आयु ની નક્કી કરાયેલ છે..
આમતો, સનાતનધર્મના દરેક પૂજા-અનુષ્ઠાનની પૂર્ણાહૂતીમાં અન્ય આશીર્વાદ સાથે "आयु" ને પણ અનિવાર્યરૂપે  જોડેલ જ છે.નિરોગીશરીરએ ચારેયપુરૂષાર્થની સિદ્ધિ માટે પ્રારંભિક આવશ્યક શરત છે.
     આયુર્વેદની આદ્યસંહિતાઓમાં આયુર્વેદનું અવતરણ જુદી-જુદી રીતે વર્ણવેલ છે. સુશ્રુતસંહિતામાં ભગવાનધન્વંતરી પાસેથી શિષ્યોને આયુર્વેદનું જ્ઞાન મળે છે અને સંહિતાઓ રચાય છે, જયારે ચરકસંહિતામાં  આયુર્વેદના અવતરણમાં ભગવાન ધન્વંતરીનો ઉલ્લેખ જ નથી, આવુ કેમ ? શું વેદના દેવો અને ૠષિઓમાં ભગવાનધન્વંતરી છે ?
     ભારતીયસંસ્કૃતિ અને ધાર્મિકપરંપરાઓને જાણવા-સમજવા વેદો, ઉપનિષદો અને પુરાણો અભ્યાસ કરવો જરૂરી છે. અત્યારે પ્રચલિત ધાર્મિક-અનુષ્ઠાનો તથા તહેવાર-ઉત્સવો મોટાભાગે પુરાણોના કથાનકોને આધારીત  છે. કર્મમાં પ્રારબ્ધવાદ ; શ્રાપ, ચમત્કાર અને આશીર્વાદની આશાઓ પુરાણોમાંથી આવેલ છે. પુરૂષાર્થ એજ કર્મ અને એ દ્વારા યર્થાથજ્ઞાનથી પ્રજાનો સર્વોદય ઉપનિષદોનું મૂળ પ્રતિપાદન છે.
     વેદકાલીન જે દેવતાઓની સ્તુતિઓ છે એની જાણકારી આજે સામાન્યપ્રજામાં  નહિવત્ જોવા મળે છે.   મુખ્ય પ્રાણીની સંખ્યા 18 ગણેલ છે, જો કે આ અઢારેયપુરાણોમાં ઘણીબધી વાતો એક સમાન જોવા મળે છે.
ભગવાનધન્વંતરીના કથાનકો પુરાણોમાં જ વર્ણવેલ છે, પૌરાણિકકથાનક અનુસાર ૠષિઅત્રિ અને માઁ અનુસૂયાના શિવઅંશરૂપ પુત્ર દુર્વાસા જન્મ્યા હતાં. ચાક્ષુષનામે છઠ્ઠા મન્વંતરમાં સ્વર્ગમાં મંત્રદ્રુમ નામે ઇંદ્ર હતો. આ ઇન્દ્રનો સત્કાર કરવા પુષ્પમાળા આશીર્વાદ સાથે દુર્વાસા આપે છે. ઇંદ્ર મદમાં એ પુષ્પમાળાને તુચ્છ  ગણી હાથીને પહેરાવી દે છે. જેને હાથી સુંઢથી તોડી પોતાનાપગ તળે  કચડી નાંખે છે. આ કૃત્યથી દુર્વાસા ઇંદ્રને શ્રાપ આપે છે કે, "ઇન્દ્રની સર્વ સંપત્તિ સમુદ્રમાં પડે." પછીથી આ સંપતિને સમુદ્રમાંથી પાછી મેળવવાની યુક્તિરૂપ સમુદ્રમંથન કરવામાં આવ્યું હતું. ભગવાનધન્વંતરી, શ્રી વિષ્ણુજીના ૨૪ અવતાર પૈકી ૧૩માં અવતાર  રૂપે સમુદ્રમંથનમાંથી ૧૩માં રત્ન (ઉપલબ્ધી) રૂપે હાથમાં અમૃતથી પરિપૂર્ણ કુંભ લઇને પ્રગટ થયેલ હતાં. સમુદ્રમંથન છઠ્ઠા, ચાક્ષુષમન્વંતરમાં થયું હતું અત્યારે સાતમો મન્વંતર, વૈવસ્વત ચાલે છે. પુરાણોના મતે એક મન્વંતરના ૩૦,૬૭,૨૦,૦૦૦ માનવવર્ષો થાય છે. જયારે શ્રીલોકમાન્યતિલકે ઑરાયન-મૃગશિર્ષનક્ષત્ર અને વસંતસંપાત આધારીત વૈજ્ઞાનિક ગણતરીને આધારે વેદોનો કાળ 6000 વર્ષ પૂર્વે દર્શાવેલ છે. છતાંય વેદોમાં ૠષિ-દુર્વાસા નથી કે સ્પષ્ટપણે ભગવાનધન્વંતરીનો પણ નામોલ્લેખ નથી. એક માત્ર આર્યસમાજ દ્વારા પ્રકાશીત અર્થવવેદનાં બીજાકાંડનાં ત્રીજાસુક્તમાં, ऋषिअंगीरा, भैषज्यआयु धन्वंतरीदेवता એવી નોંધ સૌપ્રથમ વાર મૂકેલ છે. જો કે, આ  સંપૂર્ણ સુક્તની એક પણ ૠચામાં "ધન્વંતરી" શબ્દ જોવા-જાણવા મળતો નથી અને ત્યારપછીની જુદી-જુદી સંસ્થાઓએ પ્રકાશીત કરેલ અર્થવવેદની આવૃતીઓમાં આ જ બાબત કૉપી-પેસ્ટ  કરેલ છે. ૠગ્વેદમાં આરોગ્યનાદેવતા અથવા દેવોનાંચિકિત્સક તરીકે દેવયુગ્મ અશ્વિનીકુમારૌનો ઉલ્લેખ 376 વાર 57 સુક્તઓમાં આવહ્વાન અર્થે જોવા મળે છે. વળી દરેક સંહિતાઓમાં આયુર્વેદનુંઅવતરણ, આયુર્વેદનું જ્ઞાન આપવાનું બ્રહ્માથી શરૂ થાય છે, જે પ્રજાપતિપાસેથી અશ્વિનીકુમારૌને મળે છે. એમ સમાન રીતે ઉલ્લેખાયેલ છે. અહિંયા થોડું ચિંતન કરીએ, બ્રહ્મા એટલે "મૂળ-જ્ઞાન" જેની વ્યાખ્યા થઈ શકે એમ નથી, જૈનધર્મમાં જે નિગોદ કહેવાયું છે એવું કંઇક, કુદરતમાંથી મુશ્કેલી દૂર કરવાની પ્રાણીમાત્રને મળતી સ્વતઃ પ્રેરણાને બ્રહ્મા કહી શકાય. આ તથ્યને ૠષિઓએ બહુ સરસ રીતે સમજવાનો પ્રયત્ન કરેલ છે, "ब्रह्मास्मृतवा" લખીને. પછી પ્રજાપતિ એટલે લોકજીવનના એવા સરળ મનુષ્ય કે, જે અનુકંપાવશ પોતે જાણેલા અને  અનુભવ આધારીત પોતાની પ્રજા પર  કરેલ ચિકિત્સાપ્રયોગોનો કર્માભ્યાસજન્ય જ્ઞાન સંચિત કરેલ, આવા પ્રજાપતિએ પણ દક્ષ-બુદ્ધિ ચાતુર્ય સાથે વ્યહવારૂ હોવાનું સુચવે છે. દક્ષ-પ્રજાપતિ પાસેથી અશ્વિનીકુમારૌએ ચિકિત્સાનું જ્ઞાન મેળવેલ છે અને એમણે એ જ્ઞાન ઇન્દ્રને આપ્યું, અહિંયા ઇંદ્રને રાજા ગણો એટલે ઘણું બધું સમજાઇ જાય છે. આયુર્વેદનું અહિં સુધીનું અવતરણ દરેક સંહિતાઓમાં એક સમાન અપાયેલ છે પણ પછી દરેક સંહિતામાં અવતરણનો ક્રમ જુદોજુદો બતાવેલ છે. જેમકે, ઉપનિષદકાળ પછી લખાયેલ ચરકસંહિતામાં આયુર્વેદનું જ્ઞાન ઇન્દ્ર પાસેથી ભારદ્વાજને તથા એમની પાસેથી આત્રેય વિગેરેને, તથા આત્રેયના શિષ્યો અગ્નિવેશાદિને પ્રાપ્ય થાય છે. પૌરાણિકકાળમાં લખાયેલ સુશ્રુતસંહિતામાં આયુર્વેદનુંજ્ઞાન સીધું ધન્વંતરીને...
     ભગવાનધન્વંતરી પાસેથી સુશ્રુતાદિને, કાશ્યપસંહિતામાં સીધું કશ્યપઋષિને ઇન્દ્ર દ્વારા આયુર્વેદનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. ચરકસંહિતામાં પાછળથી ઉમેરાયેલા કેટલાંક અધ્યાયોમાં, "ધન્વંતરોનો અધિકાર." લખેલ જોવા મળે છે. જો કે, આ શબ્દરચના પૌરાણિકકાળ માં ઉમેરાયેલ હોય એવું લાગે છે. ધન્વતંરી શબ્દનો એક અર્થ અતિ કપરો રોગ મટાડે એવો વૈદ્ય થાય છે, અને એ મોટાભાગે શલ્યવિદ્(સર્જન) હોય છે. આજે પણ મોટીહોસ્પિટલોની સત્તા સિવિલસર્જનના હાથમાં જ સોપાયેલ હોય છે.
     સમુદ્રમંથન બાદ પ્રગટ થયેલ ધન્વંતરીએ વિષ્ણુપાસે યજ્ઞભાગ માંગેલ પણ વિષ્ણુજીએ કહ્યું કે, એ અત્યારે આપને મળવો શકય નથી પણ આપને આવતા જન્મે યશસ્વી દેવ ધન્વંતરી તરીકેની ખ્યાતિ પ્રાપ્ત થશે અને આરોગ્યવાંચ્છું પ્રજા ગોધૂલિના સમયે આપને આહુતિઓ આપશે. આવું જ કંઈક અશ્વિનીકુમારૌને યજ્ઞભાગ આપવાને લઇને હતું, જેમાં ચ્યવનૠષિના પ્રયત્નોથી અશ્વિનીકુમારૌને યજ્ઞમાં આહુતિ આપવામાં આવે છે. સમુદ્રમંથનમાં પ્રાગટય બાદ પુનઃ ધન્વંતરીનો નવો જન્મ થાય છે, એ સંબંધિત બે કથાનક પુરાણોમાં ઉલ્લેખાયેલ છે. જે પૈકી એકમાં કેટલાંક વેદકાલીન તથ્યો પણ જોવા મળે છે. સોમવંશી આયુપુત્ર ક્ષાત્રવૃદ્ધના વંશના કાશ્યકુલોત્પન્ન દીર્ઘતમા રાજા, જેમના પુત્રનું નામ સુધાપાણિ/સૌદેવા/દિવોદાસ હતું. જેમણે ઇંદ્રની કૃપાથી ગંગા કિનારે કાશીનગરી વસાવેલી. આ દયાળુ-પ્રજાવત્સલ રાજા કાશીમાં સુખેથી રાજ કરતા અને યયાતિ રાજાની માધ્વી નામની કન્યા સાથે તે પરણ્યા હતા. હૈહય કુલોત્પન્ન રાજાઓ તેમને અતિશય ત્રાસ આપતા તેથી કંટાળી ભારદ્વાજમુનિ પાસે પુત્રકામેષ્ટિ યજ્ઞ કરાવ્યો.જેના પ્રતાપે "પ્રતર્દન" નામનો પુત્ર જન્મ્યો અને એણે પોતાના પિતાના વેરીઓને જીતી લીધાં.ત્યારબાદ કેટલોક સમય રાજકાજ સંભાળીને આ પુત્રને રાજ્ય સોંપી, રાજાદિવોદાસ  મહાઅરણ્યમાં જઈને રહ્યા. આ પરદુઃખભંજન મહાત્માએ રોગીમનુષ્યોનાં દુઃખ ટાળવાને હજારો ઔષિધિઓ ખાઈ-વાપરીને શોધી હતી. આ કઠિન શોધમાં તે જરાપણ કંટાળતા નહિ. ઔષધિ શોધવાને તે મોટાં-મોટાં જંગલોમાં ફરતાં અને સંકટો વેઠતાં. આમ વ્યાધિઓને મટાડવાનાં 300 થી વધુ ઉપાયો જાણનાર આ રાજા વૈદ્ય-ધન્વતંરી તરીકે લબ્ધ પ્રતિષ્ઠિત થયા,આવી જ કંઈક કહાની હકીમ લુકમાનની પણ છે. ગરૂડપુરાણમાં ચાલીસ જેટલાં અધ્યાયમાં જે ધન્વંતરીસંહિતા વર્ણવાયેલ છે એ સંભવતઃ દિવોદાસ કૃત છે. પ્રતર્દનના ધર્મપત્ની એટલે રાણી મદાલસા, જેનો પરીચય આજના કેટલાક ગર્ભસંસ્કારના પુસ્તકો અને સેમિનારોમાં જાણવા મળે છે. પ્રતર્દનનો સમયગાળો રામાયણકાળથી થોડો પહેલાનો જોવા-જાણવા મળે છે.
     બીજા એક કથાનકમાં પૌરાણિકકાલીન તથ્યો જણાઇ આવે છે. દ્વાપરયુગમાં કાશીરાજ ધન્વે, પુત્રને માટે તપસ્યાં અને "અબ્જદેવની" આરાધના કરી. અબ્જદેવે પોતે, રાજાધન્વને ઘરે અવતાર લીધો. જેમને ભારદ્વાજ ઋષિ પાસે આયુર્વેદશાસ્ત્રનો અભ્યાસ કરી, પ્રજાને રોગથી મુક્ત કરી. આથી પિતાનાંનામ "ધન્વ" પરથી "ધન્વતંરી" તરીકે પ્રસિદ્ધ થયા. ધન્વન એટલે ચોતરફ રણથી રક્ષણ થતું હોય તેવુ સ્થળ, ત્યાંના રાજાને ધન્વ  કહેવાય અને આવાસ્થાનમાં ઉગતી એક કાંટાળી વનસ્પતિ ધન્વ-યવાસ એટલે કે ધમાસો કહેવાય છે. ધન્વરાજાનાં આ કથાનકમાં ગંગાનદીને બદલે કોઇ મરૂદેશનો સબંધ વધુ તર્કસંગત લાગે છે. આ કથાનકમાં ધન્વતંરીનો પુત્ર "કેતુમાન" હરિવંશપુરાણમાં પણ બતાવેલ છે.
     શ્રી કનૈયાલાલમુનશી જેવા ઇતિહાસસંશોધક લેખકોએ ચાણક્ય જેવા પાત્રોને વર્ણવતા પાટલીપુત્ર અને વૈશાલી જેવાં જનપદમાં દેવયુગ્મ અશ્વિનીકુમારૌનાં મંદિર તથા આજની જેમ પૂજન-વિધિના ઉલ્લેખ કરેલા છે. પણ ભગવાનધન્વંતરીના મંદીર કે પૂજન,  ઐતિહાસિકઘટના તરીકે વર્ણવેલ નથી, દક્ષિણભારતમાં પૌરાણિક કાળમાં ધન્વતંરીની મુર્તિઓ અને પૂજનના ઉલ્લેખ જોવા મળે છે. જો કે અશ્વિનીકુમારૌની પ્રાચિનતા ત્યાં પણ અસ્તિત્વ ધરાવે છે. આયુર્વેદચિકિત્સકના આરાધ્ય વેદકાલીન દેવયુગ્મ અશ્વિનીકુમારૌ છે, તો પૌરાણીકદેવ ધન્વંતરી છે. આરોગ્યપ્રાપ્તિ અને રોગમુક્તિ માટે, વિશ્વાસ અને શ્રદ્ધા પ્રગટ થવાં જોઇએ. આ બાબતે આયુર્વેદ ચિકિત્સાના આરાધ્ય દેવોનું પૂજન-અર્ચન, સહજ અને સ્વાભાવિક રીતે સહાયક બને છે.
      આ ધનતેરસે, ભગવાનધન્વંતરીનું ભક્તિભાવથી પૂજન કરીએ અને દેવયુગ્મ અશ્વિનીકુમારૌનું આહ્વાહન કરી યજ્ઞઆહુતિ આપીએ, દેવો પાસેથી આરોગ્ય-પ્રાપ્તિના આશીર્વાદ મેળવીએ એવી,
હાર્દિકશુભેચ્છાઓ સહ  ધન્વંતરી ત્રયોદશીના અભિનંદન.

સંકલન અને રજૂઆત: ડૉ. ભાવેશ આર. મોઢ - કચ્છ.

https://m.facebook.com/story.php?story_fbid=1983350821924629&id=100007491914254

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...