મંગળવાર, 23 ઑક્ટોબર, 2018

મહાલય શ્રાદ્ધપક્ષ


     ભાદરવામાસનાં કૃષ્ણપક્ષને  महालय श्राद्धपक्ष કહેવાય છે.
श्रद्धा अस्ति अस्य इति  श्राद्धम् અથવા श्रद्धया क्रियते तत्
श्राद्धं । દંતાલીના સ્વામીશ્રી સચ્ચીદાનંદજી કહે છે, "એકલી કોરી બુદ્ધિ લાંબું જીવતી નથી, કદાચ મરે નહીં તોપણ આથમી જતી હોય છે.જયારે શ્રદ્ધા  આથમી ને પણ ફરીફરીને ઉદય પામતી હોય છે". ભાદરવામહિનામાં કરતાં શ્રાદ્ધકર્મમાં પૂર્ણ શ્રદ્ધા હોવી જરૂરી છે, માત્ર પરંપરાના નામે જે કર્મકાંડ કરવા-કરાવવામાં એનું ખાસ ઉદેશ્ય કે લાભ નથી હોતો અને બધી જ વ્યક્તિઓને પૂર્ણ શ્રાદ્ધાનો ભાવ પણ નથી પ્રગટતો.ઘણાં બહુમુલ્ય શબ્દોનો યથાર્થ કાળક્રમે લુપ્ત થતાં એ શબ્દો ઓછાં અને ઉતરતાં અર્થમાં આજે વપરાય છે, એવું જ "કર્મકાંડ" શબ્દનું પણ થયેલ છે.
   ઉપનિષદ પછીના અને પુરાણોની પહેલાનાં કાલખંડમાં श्रुती-स्मृति ઓની રચના થઇ, જેનો મુખ્ય મૂળ કે આધાર વેદની ૠચાઓ, મંત્રો અને સુક્તો જ છે, અને એના પરથી સમગ્ર સજીવસૃષ્ટિના જીવનની સુખાકારી માટેનાં નિશ્ચિત નિયમો નક્કી કરી અને એનાં પાલન કરવાની સામાજીક ફરજો સમજાવવાનો મુખ્ય ઉદેશ્ય હતો.જેમાં આજે मनुस्मृति ઘણી પ્રચલીત છે. મનુસ્મૃતિમાં શ્રાદ્ધાકર્મનું વ્યવસ્થિત અને વિસ્તૃતવર્ણન જોવા મળે છે. મનુસ્મૃતિમાં લખ્યું છે કે, ઋષિઓથી પિતૃઓ, પિતૃઓથી દેવતા અને દેવતાઓથી સંપૂર્ણ સ્થાવર- જંગમ જગતની ઉત્પત્તિ થઈ છે;
   જે यज्ञोपवित-જનોઇ ધારણ કરે છે તેને द्विज કહેવાય છે. દરેક મનુષ્ય પર  પિતૃૠણ, ૠષિૠણ અને દેવૠણ રહેલ છે, જેનું સતત સ્મરણ રહે અને એ ચુકવવા હંમેશા વ્યક્તિ પ્રયત્નશીલ અને સજાગ રહે તે માટે યજ્ઞોપવિતને ધારણ કરાય છે. "દ્વિજોને માટે દેવકાર્યથી પણ પિતૃકાર્યનું અધીક મહત્વ છે. પિતૃઓને નિમિત્તે માત્ર જલદાન કરવાથી પણ અક્ષર સુખ મળે છે." એવું મનુસ્મૃતિ લખે છે
    ગૃહસ્થ માટે, નિત્યબલીવિશ્વદેવયજ્ઞ, નિત્યશ્રાદ્ધ તથા નિત્યતર્પણ નું વિધાન શ્રુતિ-સ્મૃતીઓ જેવા માનવધર્મનીતીશાસ્ત્રોમાં કરાયેલ છે. જયારે ભાદરવામાસ ના કૃષ્ણપક્ષ માં महालय श्राद्धकर्म નું વિધાન છે. महा + आलय = વિશાળ નિવાસસ્થાન, જેમાં દિવ્યપિતૃતર્પણ કરાય છે,
    ઘરની મુખ્યવ્યક્તિએ મધ્યાહ્નના સમયે (12 થી 1 ના સમયગાળામાં) ઉપયુક્ત સ્થાનમાં, જનોઇને अपसव्य કરી, ડાબો ગોઠણ જમીનપર રહે, એ રીતે દક્ષિણદિશા તરફ મુખરાખીને બેસવું, अर्ध्यपात्र માં કાળા તલ પધરાવી, कुश-दर्भ ને વચ્ચેથી વાળી જમણાહાથની પ્રથમ-તર્જનીઆંગળી તથા અંગૂઠાની વચ્ચે રાખી पितृतीर्थ એટલે કે અંગૂઠાથી બહારની બાજુએ ધાર થાય, એ રીતે નીચેના મંત્ર બોલતાં ત્રણ-ત્રણ અંજલી, શ્રદ્ધાથી ભાવપૂર્વક  આપવાની હોય છે. અર્ધ્ય માં कृष्णतिल નું પ્રયોજન એ છે કે, कृष्ण એટલે આકર્ષણ પેદાં કરનાર, રહસ્યજાણવાની જીજ્ઞાસા પેદા કરનાર પ્રતિક રંગ છે તથા तिल- ને સંસ્કૃત માં  स्नेह નું સર્વનામ  મળેલ છે, "સ્નેહ એટલે આદરસહિતનો નિસ્વાર્થ પ્રેમભાવ" અને આપણાં ઘરનાં વડીલોને આપણી પાસેથી હંમેશા એજ એક માત્ર અપેક્ષા રહે છે. તર્પણમાં શરૂઆતની પ્રથમ ત્રણ અંજલી શ્રાદ્ધકર્મના અધિષ્ઠાત્રી દેવી સ્વધાને અપાય છે.
ॐ कव्यःअनलःतृप्यताम् इदम् स-तिलम् जलम् , तस्मै स्वधा नमः तस्मै स्वधा नमः तस्मै स्वधा नमः ।
પછીથી, પ્રત્યેકને અપાતી ત્રણ-ત્રણ અંજલીમાં પણ "स्वधा" ઉચ્ચારણ કરાય છે. स्वधा=स्व +धा ;
स्व-કુદરતીરીતે પોતીકુપણું દર્શાવવા વપરાતો પૂર્વગ છે, જયારે धा-એકાગ્રતાથી ધારણ કરવું, સ્થાપવું ના અર્થ માં વપરાય છે.બ્રહ્મવૈવર્ત પુરાણના પ્રકૃતિ ખંડમાં લખે છે કે,
स्वधा स्वधा स्वधेत्येवं त्रिसन्ध्यं य: पठेन्नर:। प्रियां विनीतां स लभेत्साध्वीं पुत्रं गुणान्वितम्।।4।।
જે વ્યક્તિ स्वधा, स्वधा, स्वधा આ પવિત્ર નામ ના ત્રિકાળ સંધ્યા ના સમયે પાઠ કરે છે એને વિનયી પતિવ્રતા અને પ્રિય પત્નિ પ્રાપ્ત થાય છે તથા એ દ્વારા સદ્ ગુણ સંપન્ન પુત્રલાભ થાય છે.

पितृणां प्राणतुल्या त्वं द्विजजीवनरूपिणी। श्राद्धाधिष्ठातृदेवी च श्राद्धादीनां फलप्रदा।।5।।
હે, સ્વધા દેવી! આપ પિતૃઓ માટે પ્રાણસમાન છો અને બ્રાહ્મણો માટે જીવનસ્વરૂપી છો આપને શ્રાદ્ધકર્મ  ની
અધિષ્ઠાત્રી દેવી કહેવાયા છે આપની કૃપાથી શ્રાદ્ધ તર્પણ આથી નું ફળ પ્રાપ્ત થાય છે. 

बहिर्गच्छ मन्मनस: पितृणां तुष्टिहेतवे। सम्प्रीतये द्विजातीनां गृहिणां वृद्धिहेतवे।।6।।
આપ પિતૃઓની તૃષ્ટિ, દ્વિજોની પ્રિતિ તથા ગૃહસ્થોની અભિવૃદ્ધિ માટે બ્રહ્માના અતઃકરણમાંથી બહાર આવી પ્રગટ થાવ.

नित्या त्वं नित्यस्वरूपासि गुणरूपासि सुव्रते। आविर्भावस्तिरोभाव: सृष्टौ च प्रलये तव।।7।।
હે સુવ્રતે ! આપ નિત્ય છો, આપનાં ગુણ-રૂપ નિત્યસ્વરૂપ છે.આપ સૃષ્ટિના ઉદ્ભવ સાથે પ્રગટ થાવ છો અને પ્રલયકાળે આપ તિરોહીત થઇ જાવ છો.
આ સ્ત્રોતમાં જ શ્રાદ્ધકર્મ માં स्वधा ના ઉચ્ચારણ નું  પ્રયોજન અને ઉદેશ્ય સમજાઇ જાય છે.

  ચંદ્રલોક કે યમલોકને પિતૃલોક કહેવાય છે. શ્રાદ્ધકર્મના દેવ તરીકે યમ છે તથા મનના દેવ તરીકે સોમ(ચંદ્ર)છે. મનએ શ્રાદ્ધાનું ઉદ્ગમ છે.આથી નીચેના મંત્રો પ્રત્યેકને ત્રણ ત્રણ અંજલી અપાય છે.
                           ॐ सोमः तृप्यताम् इदं स-तिलं तस्मै स्वधा नमः।
                           ॐ यमः तृप्यताम् इदं स-तिलं तस्मै स्वधा नमः।
                     ॐ अर्यमा तृप्यताम्  इदम् स-तिलम् जलम्  तस्मै  स्वधा नमः ।
  ऋ+यत् =अर्यमा= શ્રેષ્ઠ, ઉત્તમ;   બાર પ્રકારના જે આદિત્ય (સૂર્યદેવ) પૈકી પિતૃસંબંધી આદિત્ય અર્યમા છે.
ત્યાર બાદ પિતૃઓને નીચેના મંત્રો થી ત્રણ અંજલી અપાય છે.
               ॐ अग्निष्वात्ताः पितरः तृप्यन्ताम् इदम्  स-तिलम् जलम्  तेभ्यः  स्वधा नमः ।
               ॐ सोमपा: पितरः तृप्यन्ताम् इदम्  स-तिलम् जलम्  तेभ्यः  स्वधा नमः ।
               ॐ बर्हिषदः पितरः तृप्यन्ताम् इदम्  स-तिलम् जलम्  तेभ्यः  स्वधा नमः ।
  શ્રાદ્ધ અને તર્પણને સબંધિત મૂળ  મંત્ર-ૠચાઓ યજુર્વેદ માં જોવા મળે છે. જયારે શ્રાદ્ધકર્મ નું વિસ્તૃત  અને વ્યવસ્થિત ક્રિયાવિધીનું વર્ણન સ્મૃતિઓમાં જોવા મળે છે. રામાયણમાં રાજા દશરથનું પિંડદાન-તર્પણ- શ્રાદ્ધકર્મ સિતાજીએ, આજના બિહાર સ્થિત ગયા જીલ્લામાં આવેલ ફલ્ગુ નદીના કિનારે કરેલ હોવાનું માનવામાં આવે છે. શ્રાદ્ધકર્મ માટે ગયા ક્ષેત્ર ઉત્તમ ગણાય છે. જેની અન્ય એક પૌરાણિક કથા પ્રમાણે અહિંયા શ્રીહરિએ ગયાસૂરને મોક્ષ આપતાં જે વરદાન આપેલ છે એ પણ માનવામાં આવે છે. ગયાક્ષેત્રમાં ફલ્ગુ નદીને કિનારે विष्णुपद મંદિર આવેલ છે જેમાં  શ્રીહરિના જમણાપગનું, 40C.M. માપનું पदचिह्न અંકિત પથ્થરશિલાનું પૂજન-અર્ચન-દર્શન કરાય છે. માતૃશ્રાદ્ધ માટે ઉત્તરગુજરાત માં આવેલ સિદ્ધપુરનું બિંદુ સરોવર ખ્યાતિપ્રાપ્ત છે, અહિંયા સૌપ્રથમ સાંખ્યદર્શનના કર્તા અને માતા દેવહુતિ તથા મહર્ષિ કર્દમના સંતાન એવાં કપિલ મુનિએ પોતાની માતાનું શ્રાદ્ધકર્મ કરેલ. સાંખ્યદર્શન પચ્ચીસ તત્વોયુક્ત પુરૂષ તથા પ્રકૃતિથી જગતની ઉત્પત્તિ થયેલ છે એમ બતાવે છે. મહર્ષિ પરશુરામે પણ એમના માતૃશ્રીનું શ્રાદ્ધકર્મ આ સ્થળે કરેલ હતું એવી પૌરાણીક માન્યતાઓ છે.
  વર્ષાૠતુના પ્રારંભથી દક્ષિણાયન શરૂ થઇ જાય છે એટલે દરેક વ્યક્તિઓને અષાઢ માં આજીવિકાના સાધનોની સુરક્ષા કરવાના કામે લાગવું પડે છે અને શ્રાવણમાં ભારે વરસાદ હોય એટલે આજીવિકા રળવામાં આરામ જેવું વાતાવરણ હોય છે. ભાદરવાના કૃષ્ણપક્ષ સુધીમાં આકાશ मेघ-વાદળ વિનાનું થવા લાગે છે, સૂર્યનો પ્રખર તાપ વરતાય છે એટલે પુનઃ આજીવિકાના પ્રયત્નો શરૂ કરાય છે અને એ પ્રયત્નોમાં સિદ્ધિ અને  સુખાકારી મળે એ હેતું સૌ પ્રથમ ૠષિપંચમી નિમિત્તે ૠષિપૂજન અને ત્યારબાદ પિતૃઓનો રાજીપો મેળવવા શ્રાદ્ધકર્મ દ્વારા તર્પણનું માહાત્મ્ય નિર્ધારીત કરેલ છે અને પછી દરેક કર્મ સુપેરે થાય એ માટે આદ્યશક્તિ ની આરાધના નું પર્વ નવરાત્રીનું મહત્વ રહેલ છે.ઉતરાયણ ને દેવતાઓનો દિવસ  તથા દક્ષિણાયન ને પિતૃઓ નો દિવસ કહેવાય છે, દક્ષિણાયનમાં જગત ના પાલનકર્તા શ્રી હરિને પણ આપણે પોઢાડી દઇએ છીએ, એવાં તો આપણે દક્ષિણાયન માં કર્મયોગી બનીએ છીએ.
   ભાદરવાના કૃષ્ણપક્ષથી શરૂ થતી રોગોની માતા શરદૠતુમાં પિત્તજ વિકારોથી સ્વાસ્થયનું રક્ષણ કરવા ખીર-રોટી,  ખાવા-ખવડાવવાનું  વિધાન છે. માણસ લાગણીપ્રધાન જીવ છે એટલે વર્ષાૠતુના તુરંતબાદ, ગાય-કૂતરાં જેવાં પશુઓ તથા ઘરઆંગણે આવતાં પક્ષીઓને પડતી આહાર-અછતને ધ્યાનમાં રાખી એમનું  પોષણ કરવા શ્રાદ્ધકર્મ સાથે કાગવાસ ને પણ જોડી દીધી છે.
       સંકલન અને રજૂઆત : ભાવેશ આર. મોઢ - કચ્છ

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...