શ્રાધ્ધપક્ષમાં સોશિયલ મીડિયાના માધ્યમથી કાગડા-વિષયક પોસ્ટોની કાગારોળ થાય છે.
કાગડો એ માનવના સમાજજીવનનો અવિસ્મરણીય અને મહત્વનો હિસ્સો બની ગયેલ છે.
તો, આવો જાણીએ કાગડાને સંબંધીત કેટલાંક રોચક તથ્યો...
જયારે બાળક સાંભળીને સમજવાની શરૂઆત કરે ત્યારે સૌ પ્રથમ કાગડાની ચતુરાઇની વાર્તાઓથી એના જીવનમાં કાગડો પ્રવેશે છે. પાણીનો કૂંજો અને તરસ્યોકાગડો, શિયાળ અને કાગડાની વાર્તા કોણે સાંભળી કે સંભાળાવી નહી હોય ? પછી એ મોટો થાય એટલે એનાં રાખવા માં કાગડો આવે, કાગ ને બેસવું ને ડાળ ને પડવું, બધે કાગડા કાળાં જ હોય, આજ કાગડો બોલે મે'માન કોણ આવશે કાલા કૌઆ કાટ ખાયેગા સચ્ચી બોલ..!!! વાર્તાઓ દ્વારા નીતીશાસ્ત્ર નું શ્રેષ્ઠ જ્ઞાન અને વ્યહવારીક મહત્વ સમજાવતાં પંચતંત્રનું ત્રીજુંતંત્ર काकोलूकीय तंत्र માં કહે છે य उपेक्षेत शत्रु स्वं प्रसरस्तं यदृच्छया । रोग च आलस्यसंयुक्तः स शनैः तेन हन्यते॥ (श्लोक-2) આ તંત્ર માં કાગડા અને ઘુવડો વચ્ચેનાં યુદ્ધવ્યુહ માટે સંધિનું મહત્વ દર્શાવતી કેટલીક બોધ કથાઓ સમાવિષ્ટ છે.
સંસ્કૃતમાં કાગડાને काक તથા वायस કહેવાય છે. વાયસ શબ્દ કાગડાઓનાં સમુહ કે સર્વનામ તરીકે છે.
BAMSના પ્રથમવર્ષમાં રચનાશારીરમાં અસ્થિસંધીનો એકપ્રકાર " वायसतुंडी " થી કાગડા એ મારા જીજ્ઞાસા-જગત માં પ્રવેશ કર્યો,પછી બીજાવર્ષના દ્રવ્ય-ગુણ-શાસ્ત્રમાં તો કાગડા નું જાણે કે, સામ્રાજ્ય આવી ગયુ હોય ;
1.काकजाम्बु=જાંબુની એક ખાસ પ્રજાતિ જેમાં નાનાફળ આવેછે. 2.काकणन्तिका=ચણોઠી, 3.काकजंघा= leea macrophylla /કાળી અધેડી, અને જો એટલે કે અપામાર્ગને લોકજીવન માં કાગડાનું દાંતણ કહે છે. 4.काकतिन्दुक=ઝેરકોચલા 5.काकपीलुक=Nuxvomika 6.काकनासा=pentatropis macrophylla,कौआडोडी શીંગરોટી 7.काकमर्दनिका=માલકાંગણી 8.काकमाची=પીલુડી Solanum nigrum 9.काकमुद्गा=જંગલીમગ મૃદંગપર્ણિ 10.काकाण्डकी=જયોતિષ્મતિના ફળ કાગડાના ઇંડા જેવા 11.काकोदुम्बर=જંગલીઉંબરો 12.काकादनी= કંથારો capparis sepiaria 13.काकलक=ચોખાની એકજાત 14.काकण्डोला=canavalia ensiformis 15.काकतिक्ता=peristrophe bicaliculata પ્રાદેશિકભાષામાં પણ, ૧.કાગડાકેરી=વરૂણ, વાયવરણો ૨.કાગડોળીયો=cariospermum helicacabum ૩.કાગડીયો કુંઢેર= Hemidesmus indicus ૪.કાગમેંદી= lycium Europaeum કાગડા જેવી કદરૂપી. આ ઉપરાંત કચ્છમાં કાગસુવા, કાગગીસોડી, કાગછત્ર, કાગજીનિંબુ, કાગજીબદામ, કાગટંગોધા, કાગકેલા જેવી ઘણી વગડાઉ વનસ્પતિના નામમાં કાગડાનું અધિપત્ય સ્વિકારાયું છે.
વૈદિક-સંહિતાકાળથી કાગડો લોકો સાથે ઘણો સંકળાયેલો છે, એથીતો આટલી બધી વનસ્પતિઓની ઓળખમાં એનાં નામનો ઉલ્લેખ કરાયો છે. ત્રીજા અને અંતિમવર્ષમાં સ્ત્રીરોગના વિષયમાં પુનઃ काकवंध्या શબ્દથી કાગડો હાજરી પુરવાનો ભૂલ્યો નહી.
સંસ્કૃતમાં का-પૃથ્વી માટે વપરાય છે તથા क-એ નામ કે વિશેષણને લાગતો તદ્વિત-પ્રત્યય છે, જે અલ્પતા કે વ્હાલ દર્શક છે,આમ "काक" શબ્દ કાગડાનો ગુણદર્શક શબ્દ બન્યો છે, કહેવાય છે કે, કોયલ એ કાગડાના માળામાં પોતાના ઇડાં મૂકે છે ; વનેચર એટલે કે શ્રી હરિનારાયણભાઇ આચાર્યના પર્યાવરણ પ્રેમીઓ તથા પક્ષીવિદોમાં લબ્ધપ્રતિષ્ઠ "પ્રકૃતિ" મેગેઝિનમાં એક ઉલ્લેખ છે કે, "કાગડો ચાંચમાં એક લીલું ફળ જેવું દેખાતુ કોઇ પદાર્થ લઇને સાવચેતીથી માટીના કુંડામાં મુકી જાય છે, બાદમાં આચાર્યજીએ તપાસ કરીતો એ કોયલનું ઇંડુ હતું અને વજનમાં ભારે હોઇ થોડા દિવસમાં ફુટીને બચ્ચું બહાર આવે એવુ લાગતું હતુ." શ્રી વનેચરે કાગડાના જીવનવિશે આંખે જોયેલ અને એના વિશેની માન્યતાઓને તટસ્થ સંશોધન કરેલ છે આ તથ્યોને પ્રકૃતિ તથા કુમાર માં લખેલ પણ છે એ મુજબ, કાક-દંપતિ નિસ્વાર્થભાવે કોયલના ઇંડા સેવે છે એટલુ જ નહિ પણ કાગડાનાં બચ્ચાં માંસભક્ષી છે, જયારે કોયલના શુદ્ધ શાકાહારી..!! એટલે કાકદંપતી પાકાં ફળ શોધીને પણ કોયલના બચ્ચાંઓને મોટાં કરી આપે છે.
કરૂણા-સહાનુભૂતિ એ પૃથ્વીનો ગુણ છે એટલે જ સ્તો, આ રહસ્યમય પક્ષીને काक નામ અપાયું હશે.
માનવ સમાજમાં બાળકોને પ્રેમાળ માવજત સાથેનું સંરક્ષણ તેમજ બુદ્ધિ-ચાતુર્યના પહેલા પાઠ જે વ્યક્તિઓ પાસેથી કુટુંબમાં મળે એને ગુજરાતીમાં કાકા-કાકી કહે છે, સંસ્કૃત શબ્દકોશમાં काकी=કાગડી લખેલ છે.એક કાગડો મૃત્યું પામે તો, અન્ય કાગડાઓ એની આસપાસ ફરતાં કાગારોળ મચાવે છે અને આખો દિવસ ભોજન પણ ગ્રહણ કરતાં નથી ! પ્રેમ-કરૂણા સિવાય આવો ભાવ પ્રગટે નહી.
કાગડાની એક ટેવ એવી હોય છે કે, એ ફકત માથું જ પાણીમાં પલાળે અને આ જોઇને માનવજાત સમજે છે કે કાગડો સ્નાનાર્થે કંજૂસ છે, અપવિત્ર રહે છે शौच-શુદ્ધિનો આગ્રહી નથી એટલે પણ આ ગુણને લઈને काक કહી દિધો છે.
કાગડો અન્ય પક્ષીઓની સરખામણીએ વધુ તર્કશીલતા અને ચાતુર્ય ધરાવે છે, 2007માં કાગડાના આ ગુણો પર એક અધ્યયન પણ અમેરિકન વૈજ્ઞાનિકોએ કરેલ, જેમાં કાગડો 1થી6 સુધીના અંકોની ઓળખ તથા દિશા અને સ્થળ શોધવામાં માહેર છે તેમજ વ્યક્તિનો તિરસ્કાર, ઘૃણા, પ્રેમ, હુમલો કરવાનો ભાવ વિગેરે પણ આ પક્ષી જાણી લેવાની ખૂબી ધરાવે છે એમ સાબિત થયું હતું.
કાગડાની ક્રિયાઓ અને એનાં સ્વભાવના સતત નિરીક્ષણ પરથી એની બોલીના અનુસંધાને પ્રાચિનકાળ માં શુકનશાસ્ત્ર અંતર્ગત ભવિષ્યવાણી માટે "काकतंत्र" રચવામાં આવેલ, જેને ગુજરાતીમાં "કાગરાશી" કહે છે તથા એના જાણકાર પંડિતને "કાગરાશીયો" કહેવાય છે. કાગડા સામાન્યતઃ લીમડાના વૃક્ષની ઊંચીડાળીએ માળો કરે છે, માળો બાંધેલ ડાળી કેટલી ઊંચાઇ છે ? એ પરથી વર્ષમાં વરસાદ કેવો રહેશે એની ભવિષ્યવાણી પ્રાચીન સમયમાં કરાતી હતી.
હિંદુસ્તાનમાં કાગડાની વિશ્વભરમાં ફેલાયેલી ૪૫ પ્રજાતીઓ પૈકી corvus macrorhynchos=હિમાલય અને કાશીનાં ક્ષેત્રમાં જોવા મળતા જંગલનિવાસી કદમાં નાના અને સંપૂર્ણ શરીરે કાળારંગના કાગડાં તથા corvus splendens=આપણા ઘરઆંગણે આવતો ગ્રે-કલરની ગરદનવાળો કાગડો, એમ બેપ્રજાતિ જોવામળે છે.
આપણા ઘરઆંગણે આવતો ભારતીય કાગડો વિશ્વની બધી corvusની પ્રજાતિઓમાં સૌથી સુંદર દેખાય છે એકાદ મીનીટ ધ્યાનથી એને નિરખો તો મોર-પોપટ કરતાં પણ વધુ સૌદર્ય એમાં દેખાશે, કાળાકલરમાં પણ રંગીન શેડસ જોવા મળશે. બુદ્વિ-ચાતુર્ય સાથે સૌદર્ય ધરાવતી એક માત્ર પક્ષીની પ્રજાતી એટલે ઘરઆંગણે આવતો કાગડો જેને crow કહે છે અને રાજાના શિર-તાજ ને crown કહેવાય છે..!!!
કાગડા વિશે પુરાણોમાં ઘણી વાર્તાઓ મળે છે. તુલસીદાસેતો "काकभुंशडी" નામે એક વિશેષપાત્રના મુખે ગરૂડજીને રામકથા સંભળાવી છે, આ પણ ચિંતન કરવા જેવુ છે. રામ-રાવણના યુદ્ધમાં નાગપાશમાંથી મુક્ત કરવા દેવો એ ગરૂડજીને વિનંતી કરી છે પણ ગરૂડજી એ માનવા તૈયાર નથી થતાં કે, "સ્વયં ભગવાનશ્રીરામ નાગપાશમાં કેવી રીતે બંધાઇ શકે ? હવે કાગડા જેવું ચાતુર્ય હોય તો, જ ગરૂડ જેવા લબ્ધપ્રતિષ્ઠિત સમર્થને ગળે વાત ઉતારી શકાય માટે આ રૂપક તુલસીદાસે રચ્યું હશે.ભાગવતની શ્રીકૃષ્ણની લીલા માં કાક-અસૂરનું પણ વર્ણન સમાવિષ્ટ છે.કાગડાએ અમૃત ચાખ્યું, એટલે સોવર્ષનું આયુષ્ય ધરાવે છે અને એનું મૃત્યુ આકસ્મિક કારણોથી થાય પણ કાલમૃત્યું થતુ નથી એવું મિથક છે. જો કે, પશ્ચિમીજગતના પક્ષિવિદો, કાગડાનો લાઈફ સ્પાન ઓછામાં ઓછો 7વર્ષ, વધુમાં વધુ 30વર્ષ અને સરેરાશ વયકાળ 20વર્ષનો શોધ્યો છે. કાગડાં પણ સામાન્ય પક્ષીની જેમ જ સંભોગ કરે છે અને જુન-જુલાઇ માં 3થી5 ઇંડા મુકે છે, જેમાંથી 17થી19 દિવસે બચ્ચું બહાર આવી જાય અને 20- 22 દિવસે ઉડવા યોગ્ય થઈ જાય છે.જો કે આ પક્ષીના દિવ્ય મૈથુનક્રિયાના ઘણા મિથક પ્રચલિત છે પણ શ્રી વનેચરના સ્વનિરીક્ષણ આધારીત સંશોધન માં એ બધા મિથ્યા સાબિત થયેલ છે. काकवंध्या શબ્દ કાગડીને જેમ સમગ્ર જીવનકાળમાં ફકત એકવાર સંતાનઉત્પતી કરનાર સ્ત્રીમાટે વપરાય છે, હવે કાકદંપતિ એક જ વારમાં સમર્થ બચ્ચાઓને જન્મ આપીને કર્તવ્ય પુરૂ કરી દે છે પછી પુનઃ પુનઃ અનેક પ્રસવ કરવાની જરૂરિયાત પણ શું રહે ? સર્વગુણ સંપન્ન એક જ સંતાનથી દંપતિને આનંદ સાથે સંતોષ મળી જાય, તો પછી અન્ય વધુ બાળકો પેદા કરવાનીએ દંપતીને જરૂરીયાત જણાતી નથી.
કાગડાં એ કુદરતના સફાઈ કામદારો પૈકી એક છે પણ એ અન્ય સફાઈ કામદાર-પક્ષીઓ ગીધ વિગેરે કરતાં કદમાં નાનાં દેખાય છે એટલે પણ એને काक કહેવાયો હશે. કાગડાં સડતા, કોહવાતા દરેક ખાદ્યપદાર્થનું ભક્ષણ કરે છે, ગાય-ભેંસ જેવા પ્રાણીઓનાં નાક અને દાંત તથા જીવંત શરીરના સડતા ઘાવની સફાઈ પણ કરૂણાથી કાગડાં કરી આપતાં દ્રશ્યમાન થાય છે.
કાગડો બુદ્ધધર્મી લાગે છે. સ્થિતપ્રજ્ઞ અને मझीमनिकायમાં માનનાર ઉપરાંત અનુસરનાર, તથા કરૂણા અને નિસ્વાર્થભાવે મદદ કરવાનો સ્વભાવયુકત..!!! કાકદંપતી જીવનમાં એકવાર જ બચ્ચાં જન્માવે છે પણ એકબીજાનો જીવનભર સાથ નિભાવે છે, કેટલુ વફાદાર અને પ્રેમાળ દામ્પત્ય !!!
ન્યાયનાદેવ શનિમહારાજના વાહન તરીકે પણ કાગડાને સ્થાન પ્રાપ્ત છે, વળી યમલોક-પિતૃલોકમાં પોસ્ટમેન તરીકે પણ એની ખ્યાતિ છે, વળી પુરાણોમાં ઉલ્લેખ છે કે, વ્યક્તિના મૃત્યું બાદ પ્રથમયોની કાગડાની મળે છે ! માનવ જેવા બુદ્ધિશાળી અને તર્કપ્રધાન સામાજીકજીવને પક્ષી તરીકે કાગડોની યોની માં જ જન્માવો પડે ને ! આ પૌરાણીક કથાનકો આધારીત ભાદરવાના શ્રાધ્ધપક્ષમાં કાગવાસ નંખાય છે. પિતૃઓ પ્રત્યેનો પ્રેમ અને કૃતજ્ઞતા પ્રગટ કરવા માટે સંદેશાવાહક કાગડા જેવું ચતુર અને કરૂણાં-સભરપ્રેમાળ પક્ષી બીજુ કયું મળી શકે ? જો કે સનાતનધર્મમાં તો આ સમાજોપયોગી પક્ષી ને રોજ वायसबली આપવાનો નિયમ છે.
કાગડાં નાનીમાછલીઓ, દેડકાઓ, મૃતપ્રાણીપક્ષીઓ, સડેલાઇંડા વિગેરે ખાયને સૃષ્ટિને સ્વચ્છ રાખે છે. નદીકિનારે કે જંગલમાં ઉગેલા ઉંબરાના પાકાફળ ખાય છે પણ કયારેય પીપળાંના ફળ ખાતાં જોહવામાં આવતાં નથી, હમણાંથી શ્રાદ્ધ-કાગડાં અને પીપળાને જોડતી પોસ્ટસ સોશિયલમિડિયાપર ભરપુર જોવામળે છે.
પીપળાને કટકાકલમથી પણ વાવી શકાય છે, રાજકોટના પીપળાપ્રેમીઓએ આ પ્રયોગથી હજારોપીપળાં વાવ્યા છે. મોટાભાગે કુવા કે દિવાલમાં ઉગતા પીપળાં, કાગડાઓની નહી પણ કબૂતરોની હગારનું પરીણામ હોય છે.
કાગડાઓનું માંસ ખાવાથી અમર થવાય કે બુદ્ધિશાળી થવાય એવું એક મિથક રાજાવિક્રમના સબંધમાં છે, આયુર્વેદશાસ્ત્રમાં કાગડાનું માસ तिक्त એટલે કડવુ કહ્યું છે અને એ વિરૂદ્ધઆહારની કેટેગરીમાં આવે છે ઉપરાંત ખાદ્યની દ્રષ્ટીએ અભક્ષ્ય કહ્યું છે. કાગડા ના પ્રજનનની વિશેષતા અને લોકજીવનમાં એની ઉપયોગીતાને લઈને પૂર્વના ૠષિઓએ કાગડાંની પ્રજાતિને સંરક્ષણ આપવા કેટલાંક તથ્યો અને નિયમો
રજુ કર્યા હશે જે કાળક્રમે અપૂરતાં સ્વનિરીક્ષણ અને અતિશયોક્તિપૂર્ણ મિથ્યા શ્રુતવચનોને કારણે મિથકોમાં પરીણમ્યાં એવું લાગે છે.
અતિબુદ્ધિચાતુર્ય ધરાવતી પણ નિસ્વાર્થભાવે લોકકલ્યાણ માટે પ્રયત્નશીલ માનવજાતીને "काक" વિશેષણ અપાયું છે, ચારણકુળની આઠ જાતી પૈકી એક જાતી "કાગ" છે. જેમાં ગુજરાતનું ગૌરવ, પદ્મશ્રી દુલા ભાયા કાગની, "કાગવાણી" એ એનો સાહિત્યક સમર્થ પુરાવો છે.
કાગડાંના મિથકોમાં કાગડા જેટલું બુદ્ધિચાતુર્યનો ઉપયોગ કરીને યથાર્થ સમજીએ એ ઉદેશ્ય સાથે
સંકલન અને રજૂઆત : ભાવેશ આર. મોઢ - કચ્છ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો