શનિવાર, 13 એપ્રિલ, 2019

વ્યક્તિએ બ્રાહ્મમુહૂર્ત માં શુ કામ ઊઠી જવું જોઇએ ?

Dr. Modh Bhavesh R. Gandhidham - Kutch:

समदोषः सम अग्निः च समधातुमलक्रियः 
प्रसन्न आत्मा इन्द्रिय मनाः  स्वस्थ इति अभिधीयते ।।
આ સૂત્ર મહર્ષિ   સુશ્રુતે આપેલ છે અને વિશ્વ આરોગ્ય સંસ્થા WHO એ પણ  સ્વસ્થ વ્યક્તિ કોને કહેવો ?
 એના માટે આ સૂત્ર ને વૈશ્વિક માન્યતા આપેલ છે...

स्वस्थः ની સંસ્કૃત વ્યુત્પતિ स्व अस्मिन् तिष्ठति इति ।
જે પોતાનામાં જ સ્થિર રહે છે એ સ્વસ્થ છે.

ઘણી ઊંચી અને ઊંડી આધ્યાત્મિક ચિંતન યુક્ત આ વ્યુત્પતિનો અર્થ વિસ્તાર કરી શકાય છે..
વ્યક્તિ જયારે પોતાનામાં જ  સ્થિર રહે તો,  બાહ્યજગતની કોઇપણ ઘટના એના પર કોઇપણ જાતની અસર ઉત્પન્ન કરી શકતી નથી, એ વ્યક્તિ કોઇપણ બાહ્ય પરીબળોથી વિચલિત થતો નથી,  કોઇ પરિબળ ના તો એને દુઃખી કરી શકે છે કે  ના તો એને સુખી કરી શકે છે, સુખ પછી દુઃખ આવે છે એટલે એ  સુખ માટે પણ લાલયત નથી રહેતો બસ માત્ર નિજાનંદી જ રહે છે...

આ  પ્રમાણેનો સ્વસ્થ વ્યક્તિ આજે મળવો અશક્ય છે.

કેટલાંક હોઇ શકે પણ એ ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતીમાં હોય તો  શકય બને છે...

समदोषः सम अग्निः
વાત પિત્ત અને કફ ત્રણેય દોષ તથા અગ્નિ સમ રહેવા જોઈએ ...
ખોરાક અને રાત્રી તથા દિવસ ની ગતિવિધિઓ તથા ક્રિયાકલ્પો પર દોષ તથા અગ્નિની અવસ્થા વિષમ થવી કે સમ રહેવી નિર્ભર હોય છે.
આથી સ્વસ્થતાના અભિયાનમાં,
પ્રાથમિક અને મૂળભૂત પાયાનો દ્રષ્ટિકોણ, 
દિનચર્યા, રાત્રીચર્યા અને ૠતુ પ્રમાણે આહારનો ઉપદેશ આયુર્વેદ ચિકિત્સાશાસ્ત્ર માં કરાયેલ છે.

च समधातुमलक्रियः
હવે જો  અગ્નિ અને દોષ સમ હશે તો,
શરીરની બધી ધાતુઓનું મેટાબોલીઝમ,  સરસ અને સુચારૂ રુપે ચાલશે,  આથી  શરીર દ્વારા થતી ક્રિયાઓ, કોષ્ઠાંગોનાં ફંકશન  અને શરીરની બહાર ફેકાંતા મળો પણ સમ્યક રહે છે.

प्रसन्न आत्मा इन्द्रिय मनाः
શરીર દુઃખી થાય તો મન પર એની અસર પડે છે,
શરીર જો સુખ માં રહે તો મન પણ પ્રસન્ન થાય છે
મન એ આંખ, કાન, નાક, જીભ, દ્વારા થતી ક્રિયાઓનું નિયંત્રક છે. મન પ્રસન્ન તો, આ બધી ઇન્દ્રિયોની ક્રિયાઓ -  તથા ફંકશન પણ સુચારૂ રુપે ચાલે છે...

શરીર- મન- ઇન્દ્રિયો આ બધા પોત પોતાનું  કામ સુચારૂ રૂપે કરતાં હોય અને સુખમાં રહેતાં હોય તો,
આત્મા,  જે મૂળ તો આનંદ સ્વરૂપ છે એ પ્રસન્ન રહે છે...

આગળ કહ્યું એમ આજના જમાના પ્રમાણે સ્વસ્થ રહેવા માટે દિનચર્યા, રાત્રીચર્યા અને ૠતુચર્યા વિશે જાણી સમજી અને એનું યથા શકય  પાલન કરવું રહે...

ब्राह्मे मुहूर्ते बुद्धयेत स्वस्थो रक्षार्थम् आयुषः तत्र सर्वाध शान्ती अर्थम् स्मरेतः मधुसूदनम् ।।

વ્યક્તિ એ સ્વસ્થ રહેવા અને આયુષનું રક્ષણ કરવા ब्राह्म मुहूर्त માં ઊઠવું...

ઊઠીને દિવસ દરમિયાન થતી ક્રિયાવિધીઓમાં મન શાંત રહે  અને સારી રીતે શરીરથી એ તમામ ક્રિયાઓ પૂર્ણ કરી શકાય એ માટે मधुसूदनम् - શ્રીહરિ નું સ્મરણ કરવું...

ब्राह्म मुहूर्त ની વ્યાખ્યામાં पश्चिमे यामे शेष अर्द्धप्रहरे એવું લખેલ છે...
યામ કે પ્રહર ને આપણે પહોર તરીકે ઓળખીએ છીએ. એક પહોરનો સમયગાળો આશરે ત્રણકલાક થાય,
એક પ્રહર માં બે મુહૂર્ત હોય એટલે એક મુહૂર્તનો સમયગાળો આશરે દોઢ કલાક થાય,સંસ્કૃત સાહિત્યમાં જેને ચાર ઘડી તરીકે દર્શાવે છે,  घटी કે ઘડીનો સમયગાળો આશરે ચોવ્વીસ મીનીટ નો છે.

રાત્રીનો સમય પૂરો થવાનો હોય એ પહેલા અથવા સૂર્યોદય થાય એ પહેલાં ચારઘડી એટલે કે 96 મીનીટ નો સમયગાળો બ્રાહ્મમુહૂર્ત કહેવાય...

આધુનીક સમયકાળ ગણના પ્રમાણે આશરે,  
4:30 am થી 6:00am બ્રાહ્મમુહૂર્ત છે...

ब्रह्म નો અર્થ બતાવતાં લખે છે કે,
बृंहति वर्द्धते निरतिशय महत्त्व लक्षण बृद्धिमान् भवति इति अर्थः ।
આ નો ગુજરાતી ભાવાર્થ કરતાં સંસ્કૃત વ્યુત્પતિ જ સમજવામાં વધુ યોગ્ય જણાય છે...

વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઇએ તો સવારે આ બ્રાહ્મમુહૂર્ત ના  સમયગાળામાં સ્વપ્ન વધુ આવે છે, અને  કયારેક મન ને ઉચાટ કરે એવાં પણ હોય છે.  પુરૂષોની ગુહ્યેન્દ્રિયમાં ઇરેકશન પણ આ  સમયે થતું જોવા મળે છે, અને સ્વપ્ન  તથા સ્વાભાવિક થતા ઇરેકશન ના કારણે ઘણીવાર યુવાઓમાં nocturnal emission -  स्वप्नदोष આજ સમયગાળા માં થતું હોય છે...

હવે જો વ્યક્તિ બ્રાહ્મ મુહૂર્તમાં જ ઊંઘ માંથી ઊઠી જાય તો,  ઉપર બતાવેલ બે બાબતો ;  સ્વપ્ન અને ઇરેકશન માંથી મુક્ત થઇ જાય છે પરીણામ એનું મન દિવસ દરમિયાન પ્રસન્ન રહે છે...

સવાર ના આ સમયગાળામાં વાતાવરણ માં સૂર્યોદય પૂર્વે ઑક્સિજન તથા નાઇટ્રોજન નું સેચ્યુરેશન મહત્તમ હોય છે આથી ઉત્તમ પ્રાણવાયુ ,  શરીર જો જાગ્રત અવસ્થા માં હોય તો  સારી રીતે સ્ફૂર્તિવાન બનાવે છે...

સૂર્યોદય થતી વખતે જે શરૂઆતના કિરણો વાતાવરણમાં ફેલાયે છે એ કૉસ્મીક એનર્જીને બોડીમાં ઇઝીલી ટ્રાન્સફર કરે છે અને શરીર પણ સારી રીતે ગ્રાહ્ય કરવા ઉત્સુક રહે છે...

આયુર્વેદિકચિકિત્સાશાસ્ત્રના દ્રષ્ટિકોણથી આ જે સૂર્યોદય થવાનો સમય છે,  એ प्रदोष એટલે કે સંધ્યાકાળ છે અને એ સમયે વાયુદોષનો પ્રકોપ હાઇ પીક પર રહે છે,
ફરી થી આયુર્વેદિક દ્રષ્ટિકોણથી આ સમયગાળા માં સ્વપ્ન અને ઇરેકશન થવા પાછળ નું કારણ સમજી શકાય છે... બંન્ને વાયુના કાર્યો ( ? ઉપદ્રવો) છે...

આટલું વાંચીને અતિ ઉત્સાહ અને અદમ્યભાવના થઇ આવે કે, બ્રાહ્મમુહૂર્ત માં જ શૈયાત્યાગ કરીને ઊઠી જવું જોઇએ...
પણ વ્યહવારમાં કે પ્રયોગમાં એવું શકય બનતું નથી, ઘડીયાળના કાંટા આ સમયગાળા માં ઝડપી ફરતા હોય એવો દરેક ને અનુભવ રહ્યો હશે...
5:00 નુ એલાર્મ બંધ કરીને ઘડીક નિંદરનું ઝોકું લેવાય ત્યાં તો 7:30 કે આઠ થઇ જાય છે...

આવું ના થાય એ માટે...
રાત્રે સૂઇ જવાનો અને ગાઢ નિંદર માં સરી જવાનો સમય 10:00pm થી 10:30pm નો તથા રાત્રી ભોજન નો સમય 7:30pm થી 8:00 pm નો રહે તો જ બ્રાહ્મમુહૂર્ત માં ઊઠવાનો સમય જળવાઇ રહે...

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...