ભાદરવા સુદ ત્રીજને
ગુજરાતમાં કેવડા ત્રીજ કહે છે. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ મહાદેવ-શિવજીને કેવડાના પાનથી પૂજે છે તેમજ શિવપૂજન બાદ પ્રસાદરૂપે એ કેવડાના પાંદડાને સૂંઘીને દિવસ દરમિયાન અન્ન-જળ લે છે.
પરંપરાગત રીતે મહાદેવના મંદિરોમાં સામાન્ય દિવસોમાં પૂજન અર્થે કેવડો વપરાતો નથી, એની પાછળ દર્શાવેલ પૌરાણિક કથામાં જણાવે છે કે, "બ્રહ્માજીએ તેજોમય પૂંજ ના છેડાનો તાગ મેળવી લીધો છે, એવું શ્રી વિષ્ણુ સમક્ષ રજુ કરેલ જૂઠ્ઠાણામાં કેવડાના પુષ્પએ સાક્ષી આપેલ હતી." જેથી મહાદેવ એ આ જુઠ્ઠાણામાં ભાગીદાર થવાના કેવડાના આ અપરાધના કારણે, એનો પોતાની પૂજામાં ત્યાગ કરેલ છે.
જો કે, આ પૌરાણિક કથાનકએ પ્રજા માટે સારા આચરણ અને ઉપદેશ માટેનું રૂપક તરીકે રજૂ કરાયેલ હશે.
ભાદરવા સુદ ત્રીજના દિવસે માઁ પાર્વતીએ, શિવજીનું પૂજન કેવડાથી કરેલ હોવાથી શિવજી પણ પ્રસન્નથઇને પૂજા સ્વીકારેલ અને મનોવાંછીત વરદાન આપેલ , એવી પૌરાણિક કથા છે. આથી કેવડા ત્રીજ નું વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના આયુષ્ય અને સુખાકારી માટે સદાશિવ ની પ્રસન્નતા અને કૃપાદ્દષ્ટિ પ્રાપ્ત કરવા કરે છે.
રાજસ્થાન સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભાદરવા સુદ ત્રીજને "હરિતાલિકા તીજ" તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આમળાં તથા તલના ચૂર્ણનું ઉબટન કરી સ્નાન કરે છે, પછી પહેલી વર્ષાથી ભૂમિમાં નવી ઊગેલી ઘેરા લીલા રંગની શ્યામ દેખાતી ધરો એટલે કે દુર્વા નામે ઘાસ, જેને હરિતાલિકા પણ કહેવાય છે. એનાથી શિવજીનું પૂજન કરે છે. આ દિવસે વ્રત-ઉપવાસ ઉત્સવ કરાય છે.
વનસ્પતિશાસ્ત્રની દ્રષ્ટિએ કેવડો એ pam વર્ગની પ્રજાતિ છે, અંગ્રેજીમાં screw pine કહે છે. ઘણું કરીને કેવડો દરિયાઈ કે નદી - વ્હેળાની પાણીવાળી જગ્યાએ ઉગે છે આજે કેવડાની કેટલીક hybrid પ્રજાતિઓ બગીચાઓમાં તથા ઘરોમાં સુશોભનના છોડ તરીકે પણ વાવવામાં આવે છે. જંગલી પ્રજાતિના કેવડાનું વૈજ્ઞાનિક નામ Pandanus Tectorius છે. કેવડા ના સંસ્કૃતમાં જે નામ અપાયેલા છે એ એના વિશિષ્ઠ ગુણકર્મ બતાવનાર છે જેમકે કેતકી, કેતકી શબ્દ પાણી ભરેલી જગ્યાએ ઉગતી વનસ્પતિ નો અર્થ દર્શાવતું નામ છે, કેવડાના પુષ્પોની સુવાસ મીઠી અને માદક હોય છે વળી, કેવડાના પુષ્પ સૂકાયા પછી પણ એકસરખી સુગંધ આપવાવાળા છે, આથી રાજ નિઘંટુ માં કેતકી નું એક નામ "સ્થિર ગંધા" આપેલ છે. કેવડાના પુષ્પ, મકાઈના ડોડા જેવા આકારમાં લાંબાપત્રોથી ઢંકાયેલા રહે છે અને સૂક્ષ્મ પુષ્પ, રજ ની માફક ખર્યા કરે છે, આથી "ધૂલીપુષ્પીકા" નામ પણ એને મળેલ છે, કેવડાના ફૂલોની ઉપરોકત વિશેષતાઓને કારણે કદાચ શિવ-પૂજનમાં દરરોજ વાપરવામાં અસુવિધા થવાથી પરંપરાગત રીતે એને વાપરવામાં આવતું નહીં હોય.
આયુર્વેદની મૂળ સંહિતાઓમાં કેતકીનો ખાસ ઔષધીય પ્રયોગ જોવા મળતા નથી, પણ વૈદ્ય મનોરમા નામના ગ્રંથમાં કેતકીના પાનના અગ્રભાગનો ઉકાળો "મૂત્રકૃચ્છ" માં ઉપયોગી હોવાનું જણાવેલ છે, જે આધુનિક તબીબી વિજ્ઞાન ના સંશોધનમાં પણ સિદ્ધ થયેલ છે.
સુશ્રુત સંહિતાના સૂત્ર સ્થાન અધ્યાય 6 - ઋતુચર્યામાં લખે છે કે, પ્રાવૃષ્ય એટલે કે ચોમાસાની શરૂઆતમાં એકાદ-બે વરસાદ પડી ગયા હોય ત્યારે, આકાશ પશ્ચિમના પવનોથી લાવેલા વાદળોથી છવાઇ જાય છે અને આકાશમાંથી અલ્પવૃષ્ટિ, વીજળીના ચમકારા અને તીવ્ર મેઘ ગર્જનાઓ પણ થાય છે, કોમલ લીલાશ પડતા શ્યામ રંગની તાજી ઊગેલી ઘાસથી ધરા સમૃદ્ધ થાય છે, ઇન્દ્રગોપથી ધરતી ઉજ્જવળ લાગે છે, કદમ, નીપ કુટજ સર્જ, કેતકી થી ભૂમિ સુશોભિત થાય છે.
આ વર્ણન પરથી જાણી શકાય છે કે, કેવડો વરસાદી ઋતુમાં ખીલી ઉઠતો હશે અને એની મનમોહક માદક ગંધથી વાતાવરણ આહ્લાદક બની જતું હશે. આથી પ્રાચીનકાળથી ભાદરવા માં શિવપૂજા કેવડા ના પ્રાપ્ય ફૂલોથી થતી આવતી હશે.
કેવડાના નર અને માદા એમ બે અલગ અલગ છોડ હોય છે, તથા પુષ્પના ભેદથી સફેદ અને પીળો એવા બે પ્રકાર પડે છે, કેટલાક વિદ્વાનો સફેદપુષ્પ વાળાને નર કેવડો અને પીળો પુષ્પવાળા કેવડાને "સુવર્ણ કેતકી" એટલે કે માદા છોડ તરીકે ઓળખાવે છે.
કુદરતી સુગંધી દ્રવ્ય તરીકે કેવડાના પાન અને પુષ્પ પ્રાચીનકાળથી વપરાતા આવ્યા છે, બ્રિટિશ ઇન્ડિયાના કાળમાં કેવડાનું અત્તર ભારતીય પ્રજા બનાવીને વિદેશ માં વેચાણ કરતી હતી, વિદેશી પ્રજા કેવડાના ફળને ખાય છે એના કુણાં પાંદડા નો નીચેનો સફેદ ભાગ ચાવીને ખાય છે, જેનો સ્વાદ અને સુગંધ વેનીલા ફ્લેવર ને મળતો આવે છે, પણ ખાધા પછી મોઢામાં અનાનસનું ફળ ખાધા પછી જેવો તમ તમાટ થાય એવું અનુભવાય છે.
અતિ માદક સુગંધને કારણે કેવડો જનસામાન્ય માં આકર્ષણનું તથા શિવ પૂજનમાં નિષેધ નું કારણ બન્યો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો