બુધવાર, 19 જૂન, 2019

તુલસી

આજે કાર્તિક શુકલ અગીયારસ  એટલે દેવપ્રબોધીની  કે દેવઊઠી  અગીયારસ ...  દેશ માં તુલસીવિવાહ  નો ઉત્સવ  મનાવાય છે ...
તુલસી વિશે થોડુંક  જાણીએ  પૌરાણિક  કથાનક  સાથે આરોગ્ય ની દ્રષ્ટિએ  મહત્વ  ...

હિંદુઓમાં પવિત્ર મનાતો એક છોડ એટલે તુલસી ... 
તુલસીનાં અનેક નામો છે, પરંતુ તુલસી એ નામ જ અતિ પ્રચલિત છે. જેની તુલના ન થઈ શકે તે તુલસી, એવો તેનો અર્થ કરવામાં આવે છે. તુલસીનું આ નામ તેની અતિ ઉપયોગિતાને લઈને જ રાખવામાં આવ્યું છે.

તુલસીનાં સંસ્કૃતમાં નીચે પ્રમાણે નામ છેઃ
સુરસા, ગ્રામ્યા, સુલભા, બહુમંજરી, ગૌરી, કૃષ્ણા, સુભગા, તીવ્રા, પાવની, વિષ્ણુવલ્લભા, કાયસ્થા, હરિપ્રિયા, સુરભિ, બહુપત્રી, શ્યામા, સરલા, વૃંદા, અમૃતા, લક્ષ્મી વગેરે.

 બંગાળી, ગુજરાતી, મરાઠી, તામિલ, તેલુગુ, કાનડી વગેરે ભાષાઓમાં તે ઘણું કરીને તુલાશા, તુલસી અથવા તે તુલસિકા એ નામોથી ઓળખાય છે.

પ્રાચીન ચિકિત્સાશાસ્ત્રોમાં તેનો સુરસા નામથી ઉલ્લેખ કરાયો છે.

 વિદ્વાનોનું એવું કહેવું છે કે, તુલસી નામ તો પુરાણોએ આપેલું છે.

ગમે તેમ હોય પણ એ વાતમાં શંકા નથી કે, તુલસી હિંદમાં વર્ષોથી નહિ, પરંતુ યુગોથી સુપરિચિત છે.

 તેમાં કાળી કૃષ્ણ તુલસી  અને ધોળી રામ તુલસી   એવી બે જાત છે. કાળી તુલસી પર તાજેતર માં કેન્સર પ્રતિરોધી  ઔષધ  તરીકે ઉપયોગિતા  અંગે નું સાયંટીફીક સંશોધન  કરાયુ છે

ભારતીય સંસ્કૃતિમાં તુલસીનું મહત્વ ઘણું છે. ધર્મમાં એનો મહિમા ગવાયો છે, એટલું જ નહિ પરંતુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ તેનું ઘણું મહત્ત્વ છે. પુરાણોમાં તુલસીનો અનેક જગ્યાએ ઉલ્લેખ કરાયો છે. આયુર્વેદમાં પણ તુલસીનો માનપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે.
તુલસી પ્રભુ શ્રી વિષ્ણુને અત્યંત પ્રિય છે. તેનાથી હવા શુદ્ધ થાય છે, જે કારણને લઈને હિંદુઓ તેને પોતાના આંગણામાં રાખે છે.

તુલસીના પાનની વાસમાં ઝેરી કીડાનો નાશ કરવાની શક્તિ રહેલી છે.

 શાસ્ત્રમાં એવો ઉલ્લેખ છે કે,

જે ઘરમાં કે ઘરની સામે તુલસી હોય છે તે ઘરમાં પ્રાણનાશક વ્યાધિઓ ટકતી નથી.

તુલસીની સુગંધ લઈ જતી હવા જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં હવા શુદ્ધ થાય છે અને વિષના કીડા મરી જાય છે.

આયુર્વેદની દૃષ્ટિએ તુલસીનો રસ કાઢી તેનું લઘુપાન કરવાની તે કાંતિ વધારે છે, ધીમો રેચ આપે છે, ભૂખ વધારે છે, વીર્ય ( શક્તિ/ઉર્જા) ની  વૃદ્ધિ  કરે છે, તેમજ પિત્ત અને કફનો નાશ કરે છે અને હૃદયને પણ તે લાભદાયક હોય છે.

શ્વાસ, હેડકી, ઊલટી, દુર્ગંધ, અર્શ, અતિસાર, મૂર્છા, રતાંધતા, કૃમિરોગ, મૂત્રકૃચ્છ, રક્તદોષ, ધનુર્વાત, પેટનો દુખાવો, કાનનો દુખાવો, દાંતનો દુઃખાવો, તાવ, મેલેરિય, અગ્નિમાંદ્ય, પાંડુરોગ, શીતપિત્ત, તરસ, અશ્મરી, પ્રમેહ, શીતલા, મુખરોગ, નેત્રરોગ, બંધકોશ વગેરે તુલસીના સેવનથી નાબુદ થાય છે.

 તુલસીમાંથી એક જાતનું તેલ તૈયાર થાય છે, તેને અંગ્રેજીમાં `બેસિલ કેમ્ફર` કહે છે.

 તુલસીના પાનમાં એક એવું તત્ત્વ છે કે જે ત્વાચારોગનો નાશ કરે છે.

મચ્છર, સાપ, કીડા વગેરે એનાથી દૂર ભાગે છે.
તેનો રસ વીંછીના દંશ ઉપર પણ ચોપડવામાં આવે છે.
આયુર્વેદમાં તુલસી સાપના ઝેર માટે ઉપયોગી જણાવવામાં આવી છે અને કેટલાક પ્રયોગો દ્વારા  સાબીત કરાયેલ છે કે ,  તુલસીથી સાપનું ઝેર ઉતારી શકાયું હતું.

 કેટલાક લોકો તુલસીમાં પારો -  મરક્યુરી  હોવાનું માને છે , આ કારણને લીધે તુલસીનાં પાન ચાવવાની સંમતિ અપાઈ નથી. આનું કારણ એ જ મનાય છે કે, પારો દાંતને નુકસાનકારક છે, પરંતુ આયુવિજ્ઞાને પ્રયોગો દ્વારા સિદ્ધ કરી આપ્યું છે કે, તુલસીના પાનમાં પારો નથી. તેનાથી દાંતને નુકસાન થતું નથી, પરંતુ લાભ થાય છે.

 કાળી તુલસી મેલેરિયાના ઉપદ્રવ ઓછો થાય  એવા ગુણકર્મ  ધરાવે છે  તથા અન્ય  તાવના ઝેરી જંતુઓનો પણ  નાશ કરવાની ક્ષમતા ધરાવે  છે.

  જો તુલસીના છોડને સાવચેતીપૂર્વક ઉછેરવામાં આવે તો સર્વ ઋતુઓમાં તે સારી રીતે રહી શકે છે. માત્ર તુલસીનાં પાન જ નહિ, પણ એનાં પાંચે અંગો કામમાં આવે છે. તુલસીનો શરીર સાથે સ્પર્શ થાય તો તેનાથી પણ અમુક રોગો દૂર થાય છે.

કંઠમાં તુલસીની માળા પહેરવાનું આ જ કારણ હોવું જોઈએ.

 તુલસી માનવજાતનું અપૂર્વ કલ્યાણ કરે છે એમાં કાંઈ શંકા નથી.

મનને સાત્ત્વિક બનાવવાની એનામાં અદ્દભુત શક્તિ રહેલી છે.

 વૈષ્ણવો અને શ્રીજી ના તમામ સંપ્રદાય ના ભક્તો  તુલસીને બહુ જ પવિત્ર માને છે. ઠાકોરજીની પૂજા તુલસીપત્ર વિના થઈ શકતી નથી. ચરણામૃત વગેરેમાં પણ તુલસીદલ નાખવામાં આવે છે.

તુલસીની ઉત્પત્તિ વિષે બ્રહ્મવૈવર્ત પુરાણમાં કથા છે કેઃ

તુલસી નામની એક ગોપિકા ગોલોકમાં રાધાની સખી હતી. એક દિવસ રાધાએ તેને કૃષ્ણ સાથે વિહાર કરતી જોઈને તેને શાપ આપ્યો કે, તું મનુષ્ય શરીર ધારણ કર. આ ઉપરથી તે ધર્મધ્વજ રાજાની દીકરી થઈ. તેના રૂપની તુલના કોઈની સાથે થઈ શકતી ન હતી, તેથી તેનું નામ તુલસી પાડ્યું. તુલસીએ વનમાં જઈ ઘોર તપ કર્યું અને બ્રહ્માની પાસેથી એવું વરદાન માગ્યું કે,

હું કૃષ્ણની રતિથી કદી તૃપ્ત નથી થઈ. હું તેને પતિરૂપે મેળવવા ચાહું છું. બ્રહ્માએ કથનાનુસાર તેને શંખચૂડ નામના રાક્ષસ સાથે પરણાવી. શંખચૂડને એવું વરદાન હતું કે તેની સ્ત્રીનું સતીત્વ ભંગ થયા વિના તેનું મૃત્યુ નહિ થાય. જ્યારે શંખચૂડે બધા દેવોને પરાસ્ત કર્યા ત્યારે બધા વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુએ શંખચૂડનું રૂપ ધારણ કરી તુલસીનું સતીત્વ નષ્ટ કર્યું. આ ઉપરથી તુલસીએ નારાયણને પથ્થર થઈ જવાનો શ્રાપ આપ્યો. જ્યારે તુલસીને ખબર પડી કે, મે જેને શ્રાપ આપ્યો તે તો સાક્ષાત્ વિષ્ણુ ભગવાન છે, ત્યારે તે તેના પગમાં પડી ને બહુ રોવા લાગી. ત્યારે વિષ્ણુએ તેને કહ્યું કે, તું આ શરીર છોડીને લક્ષ્મી સમાન મારી પ્રિયા થઈશ. તારા શરીરમાંથી ગંડકી નદી અને કેશમાંથી તુલસી વૃક્ષ ઉત્પન્ન થશે. તે ઉપરથી શાલિગ્રામ ઠાકોરજીની પૂજા શરૂ થઈ અને તુલસીદલ તેના મસ્તક ઉપર ચડવા લાગ્યાં.

તેથી જ વૈષ્ણવો તુલસીના લાકડાની માળા અને કંઠી ધારણ કરે છે.
પદ્મપુરાણમાં વળી તુલસીની એવી કથા છે કેઃ જલંધર નામનો એક યોદ્ધો હતો. એની પત્ની વૃંદા મહાસતી હતી. તેને પ્રતાપે તેને ત્રણ લોકમાં કોઈ જીતી ન શકતું. વિષ્ણુએ કપટ રચી વૃંદાના પતિવ્રતનો ભંગ કર્યો. તેથી તે ચિતાપ્રવેશ કરી બળી મરી. એ ચિતામાં એક છોડ ઊગ્યો તે તુલસી. વિષ્ણુ ભગવાનને પોતાના કૃત્યનો પાછળથી બહુ પસ્તાવો થયો અને તુલસીના છોડ ઉપર તે બહુ મમત્વ રાખવા લાગ્યા. ત્યારપછી વુંદા રુકિમણી તરીકે જન્મી અને વિષ્ણુના અવતાર શ્રીકૃષ્ણને પરણી. આથી કાર્તિક સુદિ એકાદશીએ તુલસીનાં ભગવાન શાલીગ્રામ સાથે પ્રથમ લગ્ન થયા પછી જ લગ્નસરા શરૂ થાય છે. પત્ની સહકારથી વંચિત થયો ત્યારે જાલંધર હાર્યો;

માટે

 સ્ત્રી - પત્નીને સહચારીણી  ગણવી જોઈએ, અનુચરી નહિ, એ  આ કથાનો સાર છે.

કાર્તિક માસમાં તુલસીની પૂજા ઘેરઘેર થાય છે,

કેમકે કાર્તિક માસની અમાવસ્યા ( ગુજરાતી  કેલેન્ડર  પ્રમાણે  આસો ની અમાસ )
તુલસી ઉત્પન્ન થયાની તિથિ મનાય છે. વળી કાર્તિક  માસમાં શુક્લ એકાદશીને દિવસે તુલસી શાલિગ્રમાના વિવાહ પણ કરવામાં આવે છે. તે દિવસ દેવદિવાળીના નામથી ઓળખાય છે.

તુલસી સંબંધી ઇટલિમાં એક જાતની આશ્ચર્યજનક માન્યતા પ્રવર્તતી. એમ મનાતું કે, સ્ત્રીની જમવાની થાળીની નીચે તેનો નાનો છોડ મૂક્યો હોય તો તેમાંથી તે કંઈ પણ ખાઈ શકે નહિ.

 ગ્રીસમાં ઈસ્ટર્ન ચર્ચ નામના સંપ્રદાયમાં તુલસીના છોડની પૂજા થતી.

સેંટ બ્રેઝિલની જયંતીના દિવસે સ્ત્રીઓ આ છોડના ગુચ્છ દેવળમાં ધરાવવા લઈ જતી અને તેની પ્રસાદી લાવી નવું વર્ષ ભાગ્યશાળી નીવડે એ આશથી તેને ઘરમાં વેરાતી ,કોઈ પણ જાતનો વ્યાધિ ન થાય, એ હેતુથી તે ગુચ્છ કુટુંબમાં ખાવામાં આવતો અને કપડાંને ઉંદર કે ઊધઈ ન બગાડે એ હેતુથી તેનો થોડોક ભાગ કબાટમાં પણ મુકવામાં આવતો.

તુલસી  ના  કુળ ની વનસ્પતિ  ની એક જાત " મરવો "   છે એ પણ કેટલાક ધર્મ સંપ્રદાયો માં એને તુલસી સમકક્ષ  પવિત્ર  સ્થાન  મળેલ છે ...

..

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...